manoj chokhawala

Children Stories

4.8  

manoj chokhawala

Children Stories

વિશ્વ ચકલી દિવસ- ૨૦ માર્ચ

વિશ્વ ચકલી દિવસ- ૨૦ માર્ચ

3 mins
272


   તા. ૨૦ માર્ચ એટલે 'વલ્ડૅ હાઉસ સ્પેરો ડે ' તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને વિશ્વનાં દેશોમાં ચકલીની જાતિ લુપ્તતાને આરે છે. ત્યારે તેનું રક્ષણ, સંવર્ધન કરવા તા. ૨૦ માર્ચના દિવસને 'વિશ્વ ચકલી દિવસ' તરીકે ઈ. સ. ૨૦૧૦ના વર્ષથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું મનાય છે.એકવીસમી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોઈ વધતા જતા શહેરીકરણ, ઉદ્યોગીકરણ, વાહન વ્યવહાર ,પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ, વગેરે જેવા પરિબળોના કારણે વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું અને કદની દ્રષ્ટિએ નાનું એવું પંખી ચકલીને બચાવવા પર્યાવરણવિદો અને સમાજ શાસ્ત્રીઓ એક મત થયા છે. ત્યારે સાહિત્યમાં પર્યાવરણ અને સજીવ સૃષ્ટિની વાત કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીએ પોતાની કવિતામાં આ વેદના વ્યક્ત કરતાં લખ્યું છે કે," વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની, છે વનસ્પતિ." .. આ ઉપરાંત યુવા કવિ કલાપી પોતાનાં શિકારી કાવ્યમાં પણ બોધ આપતાં લખ્યું છે કે,.."રહેવા દે! રહેવા દે !આ સંહાર યુવાન તું; ઘટે ના ક્રૂરતા આવી !વિશ્વ આશ્રમ સંતનું."... આવા કાવ્યોની પંક્તિમાં ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિનો આત્મા 'જીવો અને જીવવા દો' તથા 'સમાન સહજીવનની' વાત એ ઉપરોક્ત પંક્તિઓ દ્વારા સમજી શકાય છે. ત્યારે આજની નવી પેઢીને સાહિત્યમાં આવા કાવ્યની સમજૂતી મૂલ્ય શિક્ષણના સંદર્ભમાં આપી મનુષ્યના પરિવારના સભ્યની જેમ તેની સાથે જોડાઈ જતું નાનકડું પંખી ચકલીના જીવનું જોખમ તેના અસ્તિત્વ સામેનો ખતરો, આ ઉપરાંત પર્યાવરણીય અસંમતુલન વગેરે સમજાવવા જ રહ્યા.આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં કેટલીક સામાજિક, ધાર્મિક ,શૈક્ષણિક સંસ્થાઓ, આવા પક્ષીઓને બચાવવા, તેનું રક્ષણ કરવા તેનું સંવર્ધન કરવા સુંદર કાર્ય કરી રહ્યા છે. તે તમામને વંદન સહ અભિનંદન પાઠવું છું..    

 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે ચકલી વિશે જાણવા જેવી કેટલીક વાતો.. આજથી ૧૫ થી ૨૦ વર્ષ પહેલા આપણા દાદા દાદીઓ નાના ભૂલકાઓને 'એક હતો ચકો અને એક હતી ચકી '...જેવી જીવન મૂલ્ય શિક્ષણની વાતો કરતા .પરંતુ આજના મોબાઈલના યુગમાં બાળકોને પણ તેમની સાથે જોડાવવનો રસ કે સમય રહ્યો નથી ત્યારે કેટલીક વાતો જાણવા જેવી.. (૧) ચકલીનું આયુષ્ય સરેરાશ ૧૧ થી ૧૩ વર્ષ વચ્ચેનું હોય છે તેવું અનુમાન છે. (૨)ચકલી અઠવાડિયામાં એક વખત ચાંચથી પોતાનું સંપૂર્ણ શરીર ચોખ્ખું કરે છે. (૩) તે બે-ત્રણ દિવસે એક વાર માટીમાં રમત રમીને નિજાનંદ પણ પ્રાપ્ત કરે છે . (૪) સંકટ સમયે પોતાનું રક્ષણ કરવા ૨૦થી ૨૫ મિનિટ પાણીમાં તરી પણ શકે છે.(૫) સામાન્ય રીતે ૪૦ થી ૫૦કિલોમીટરની ઝડપે ઊડવાની ક્ષમતા પણ ધરાવે છે. 'વિશ્વ ચકલી દિવસે 'ગુજરાતી સાહિત્યમાં કેટલાક કવિઓએ ચકલી નું વર્ણન કરેલું છે તે કાવ્ય પંક્તિઓ- બાળ ગીતો સમજીએ...ગિજુભાઈ બધેકા પોતાના બાળગીતમાં લખ્યું છે કે, " આવો પારેવા' આવોને ચકલાં, ચોકમાં દાણા નાખ્યા છે, આવો પોપટજી, મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે.".. શ્રી રમેશ પારેખ જેવા આધુનિક કવિ ચકલી વિશે લખ્યું છે કે,"તારો વૈભવ રંગમોલ સોનુંને ચાકર ધાડું ,મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું ." જ્યારે અનિલ જોષી નવોદિત કવિ ચકલી વિશે લખે છે કે, "કોયલ ટહુકે આંબા ડાળે, દાદ નહિ ફરિયાદ, ચકલીબાઈથી ચીં. ચીં થઈ જાય તો આભ કહે ઈર્શાદ ."..ઉર્વીશ વસાવડા જેવા નવોદિત કવિએ પણ ચકલી વિશે લખ્યું છે કે," આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે, ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે".. નિનુ મઝુમદાર આધુનિક કવિ એ પણ ચકલી વિશે લખ્યું છે કે, "કાગડાઓએ વાત માંડી પણ સુણનારાનાં સાંસાં, નીંદમાં હોલો ટાપસી પૂરે બગલો ખાય બગાસાં. ચકલીઓએ ચીડીયા કર્યા ,રોષમાં બોલ્યો મોર , વાર છે હજી ઊંઘવા દો ને, પાછલી રાતને પહોર"..તો વળી કેટલાક કવિઓએ ચકલી વિશે લખતા લખ્યું છે કે ,"પોપટ બોલાવે, ચકલી બોલાવે, બોલાવે કૂતરું કાળું, એ તો વાંકી પૂંછડીવાળું".. "ચકલી ચીં.. ચીં પર ઓવારી જાય, મારી ઓસરીનો થાક, શૈશવ જો ઓચિતું આવી ભટકાય, તો મારો શું વાંક?.... ચાલો 'વિશ્વ ચકલી દિવસ 'ના દિવસે આપણે નાના મોટા સહુ સંકલ્પ લઈએ અને લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિઓને બચાવીએ.


Rate this content
Log in