Shalini Thakkar

Others

4.7  

Shalini Thakkar

Others

વિરોધાભાસ

વિરોધાભાસ

5 mins
638


પોતાની વહાલસોયી દીકરીના લગ્ન કરાવીને વિદાય કર્યા પછી, જાત્રા કરીને પરત થયેલા સવિતાબેન આજે લાંબા સમય પછી પોતાના નિત્યક્રમ અનુસાર ઘરના આંગણામાં હીંચકા પર આવીને બેસી ગયા. 'હાશ'! ખરેખર,ધરતીનો છેડો ઘર' એ કહેવતમાં કેટલું તથ્ય છે એ તો ઘરની બહાર જઈને પાછા ફરીએ ત્યારે જ સમજાય."એમ વિચારતા સવિતાબેન ના હાથમાં યંત્રવત આંગળીના ટેરવા પર ફરતી માળાના મણકા હતા, મોઢા પર મંત્ર જાપ ચાલી રહ્યા હતા અને આંખોનો ડોળો એમની મનપસંદ પ્રવૃત્તિમાં પરોવાયેલો હતો. કોના ઘરમાં શું ચાલે છે, કોની વહુ કેવી છે અને એ ઘરમાં કામ કરે છે કે નહીં, કોનો દીકરો કેટલું કમાય છે અને કોની દીકરી સાંજે કેટલા વાગ્યે પાછી ઘરે આવે છે, એ બધી જ ચિંતાનો ટોપલો જાણે એમના માથા પર જ હોય અને બધી જ માહિતી મેળવવાનો એમનો જન્મ સિદ્ધ અધિકાર હોય એમ, એમનું ભટકતું મન હંમેશા એ માહિતી મેળવવામાં રચ્યું પચ્યું રહેતું.

માળા ફેરવતા ફેરવતા જેવી એમની નજર એમના ઘરની સામે રહેતી, એમની દૂરની બહેન ઉષાની પુત્રવધુ વીણા બેન અને એના પતિ વિનોદભાઈ પર પડી, એમણે પોતાની આંખો ઊંચી ચડાવી અને મોઢું મચકોડ્યું. સવિતાબેનની આ માહિતી મેળવવાની 'ન્યુઝ ચેનલ 'ના મુખ્ય શિકાર એટલે પાડોશમાં રહેતા વીણાબેન.

"બા, આ લ્યો તમારી ગરમ મસાલા વાળી ચા તૈયાર છે."અચાનક વીણાા બેનને એકીટસે નિહાળી રહેલ સવિતાબેનની એકાગ્રતામાં ખલેલ પાડતી એમની વહુ જયશ્રી હાથમાં ચાનો કપ લઈને બહાર આવી."વાહ, કેટલા દિવસ પછી તારા હાથની ઘરની મસાલાવાળી ચા પીવા મળશે" સવિતાબેન સામેેના ઘર પર મંડાયેલી પોતાની નજર પાછી ફેરવી ને ચાના કપ પર કેન્દ્રિત કરતા બોલ્યા. સવિતાબેનનું વાંકુ થયેલું મોઢું જોઈને જયશ્રી એ પૂછ્યું," શું થયું બા ? સામે શું જોઈ રહ્યા હતા ?"સવિતાબેન ઊંડો નિસાસો નાખીને સામેના ઘર બાજુ નજર કરતા બોલ્યા,"શું કહું બેટા, આ લોકોના ઘરમાં તો આ રોજનું નાટક છે. સવાર સવારમાં આ વીણા મેડમ આરામથી હીચકા પર બેઠા હોય અને બિચારા વિનોદભાઈ ચા બનાવીને લઈ આવે. આવુંં તો કંઈ ચાલતુંં હશે. બિચારી મારી બેન ઉષા ને આ કેવી વહુ મળી છેે. એટલે એ કદાચ અહીં રહેવા નહીં આવતી હોય. સવિતાબેનની વાત સાંભળીને જયશ્રીને અણગમો થયો.

લગ્ન્ન પહેલા નોકરી કરતી જયશ્રીએ લગ્ન પછી પોતાના પતિ જયેશની આવક ઘણી સારી હોવાથી,બહાર જઈને નોકરી કરવાને બદલે ઘરની સંપૂર્ણ જવાબદારી સહર્ષ સ્વીકારી હતી. આમ ઘરની સંપૂર્ણ આર્થિક જવાબદારી જયેશના ખભા પર અને ઘરની અને બાળકોની અન્ય જવાબદારીઓ જયશ્રી એ સકુશળ સાચવી લીધી હતી અને એમના પરિવારનો વહીવટ ખૂબ જ આદર્શ રીતે ચાલતો હતો. નોકરીની સાથે ઘરનો વહીવટ, કોઈ પણ મદદ વગર એકલા હાથે ચલાવો એ એક સ્ત્રી માટે કેટલુંં મુશ્કેલ છે, એ વાત જયશ્રી સમજતી હતી. એમની પડોશમાં રહેતા વિનોદભાઈ અને વીણાબેન બંને એક જ કોલેજમાં લેક્ચરર હતા. બંને સાથે મળીને ઘરનું કામ કરતા અને પછી સાથે જોબ પર જતા એ બંંને એક આધુનિક વિચારસરણી ધરાવતા આદર્શ દંપતી હતા. આ કામ તો સ્ત્રીએ જ કરવાનું અને આ કામ તો પુરૂષ જ કરી શકેે, એવી' સ્ટીરીયો ટાઈપ થીંકીંગ 'થી કામનું વિભાજન કરવું એ હવેની નવા વિચારો ધરાવતી નવી પેઢીને સ્વીકાર્ય ન હતું અને ખુદ જયશ્રીબેન પણ એમની આ વાતથી સહમત હતા. "બા, જો સ્ત્રી ઘરની બહાર જઈને પતિને આર્થિક જવાબદારી ઉપાડવામાં મદદ કરી શકતી હોય તો એક પુરુષ ઘરના કામમાં સ્ત્રીને મદદ કરે તો એમાં ખોટું શું છે ? જુઓ બંને પતિ-પત્ની કેટલા ખુશ દેખાય છે.  ઘરકામ અને નોકરી સાથે ઘરના તમામ કામ એકલા હાથે કરવા એક સ્ત્રી માટે કેટલું અઘરું છે એ વાત એક સ્ત્રી તરીકે આપણેે તો સમજીએ પણ એક પુરૂષ તરીકે વિનોદભાઈ પણ આ વાત સમજેેે છેે એ ખરેખર પ્રસંશનીય છે."સામે ના ઘરમાં આનંદથી ચાની લિજ્જત માણી રહેલા વિનોદભાઈ અને વીણાબેનની સામે જોતા જયશ્રી બોલી. આ વાત સાંભળીને સવિતાબેનની નજરમાંં કટાક્ષ અને એમની ચહેરાના હાવભાવમાં એમની વહુની કહેલી વાતનો વિરોધ સ્પષ્ટ રીતે દેખાતો હતો.

કદાચ આ અલ્લડ વીણાા ને જોઈને જયશ્રીના મન પર ખોટી અસર પડે અને એનું વર્તન પણ વીણા જેવું થઈ જાય, એમ વિચારીને સવિતાબેન જયશ્રીની કહેલી વાતની દિશાને બદલતા વચ્ચે ડપકું મૂક્યું,"એ તો જેમ શોભતું હોય એમ જ શોભે. નોકરી કરે છે તો શું થઈ ગયું ? નિયમ પ્રમાણે જેમ થતું હોય એમ જ થાય ને." પોતાની રૂઢિ બદ્ધ ધારણાનું જ્ઞાન જયશ્રી ને આપતા સવિતાબેન એક સ્ત્રીને વહુ તરીકે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એની યાદી બનાવીને જયશ્રીને સંસ્કારોનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. ત્યાંં જ તો એમની વાતમાં ખલેલ પાડતી ફોનની ઘંટડી વાગી. પોતાની વાતને અલ્પવિરામ મુકતા સવિતાબેન જેવો ફોન ઊંચક્યો સામે છેડેથી એમની નવી પરણેલી પુત્રી સોનલનો અવાજ સાંભળીને એક ક્ષણમાં સવિતાબેનનું મન એક રૂઢિચુસ્ત સાસુના બીબામાંથી બહાર નીકળીને એક પ્રેમાળ માતાના બીબામાં ઢડી ગયું. ફૂલની જેમ ઉછેરેલી પોતાની વહાલી દીકરી ના માંડેલા નવા સંસાર વિશે જાણવા ઉત્સુક સવિતાબેન પોતાની દીકરીને સમાચાર પૂછ્યા. ઉત્સાહિત સ્વરમાં સોનલ બોલી રહી હતી,"માં હું ખૂૂૂબ જ ખુશ છું. લગ્ન પહેલા મને એ જ ચિંતા હતી કે હું નોકરી અને ઘર બંને એકસાથે કેવી રીતે સાચવી શકીશ ? પરંતુ તારા જમાઈ સુરેશે તો મારી બધી ચિંતા દૂર કરી દીધી. સુરેશ મને ઘરના બધા જ કામમાંં મદદ કરે છે. સવારે હું ઊઠુ એ પહેલા તો એ મારા માટે ચા બનાવી દે છે. આખા દિવસના નોકરીના થાક સાથે ઘરમાં રસોડું સાંભળવું કેટલું અઘરુંં છે એ વાત એ ખૂબ જ સારી રીતે સમજે છે. હુંં ખરેખર ખૂબ જ નસીબદાર છું."દીકરીની વાત સાંભળીને સવિતાબેનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અનેેે એ બોલ્યા,"હા બેટા ખરેખર હું પણ ખૂબ જ નસીબદાર છું કે મને આટલા સારા જમાઈ મળ્યા છે જે મારી દીકરીને ઘરના બધા કામમાં મદદ કરે છે. મને પણ એ જ ચિંતા હતી કે મારી ફૂલ જેવી દીકરી આટલુંં બધું કામ એકલા હાથે કેવી રીતે સંભાળશે ? હવે મારી બધી ચિંતા દૂર થઈ ગઈ કહીને જેવો સવિતાબેન ફોન મુક્યો સામે એમની વાતો સાંભળી રહેલી જયશ્રી એ સવિતાબેનની આંખોમાંં આંખ પરોવીનેે કહ્યું", બા, વીણાબેન પણ કોઈની ફૂલની જેમ ઉછરેલી દીકરી જ ને!" સાંભળતા જ સવિતાબેન ને પોતાની વહુ સાથે આંખોનો સંપર્ક તોડી ફરી પોતાના હાથમાં રહેલી માળાના મણકા ફેરવવામાં વ્યસ્ત થઈ ગયા. વહુ માટે અને રૂઢિચુસ્ત વિચારો અને દીકરી માટે સ્વતંત્ર વિચારધારા ધરાવતા સવિતાબેન સમાજમાં વિરોધાભાસ અને દ્વિમુખી વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીનું પ્રતિબિંબ પાડી રહ્યા હતા.


Rate this content
Log in