વિડીયોકોલિંગ
વિડીયોકોલિંગ


ગંગા, યમૂના, નર્મદા, તાપી જેવી બધી નદીઓ નિરાંતની પળો માણતી માણતી વિડીયોકોલિંગમાં મશગુલ હતી.
“હેય રેવા! સખી, હમણાં તો કેટલી મજા આવે છે નહીં!”
“હા ગંગે સતયુગની ફિલિંગ આવી ગઈ છે.”
“યમૂના, તને કેવું લાગે છે?”
“સખી તાપી, શું કહું ! શુધ્ધતાની વ્યાખ્યા જાણે ભૂલાઈ જ ગઈ હતી. આ પચાસ દિવસના લોકડાઉનમાં જાણે પાછું સૌંદર્ય મેળવી લીધું.”
ગંગા તો એકદમ હરખમાં ઉછળતી કૂદતી બોલતી રહી.
“હા હોં . કેટલાય દાયકાઓથી ગંદકી સિવાય કાંઈ મળ્યું જ નથી.
એ જ મારા નામે આચરાતો ભ્રષ્ટાચાર, મારામાં ઠલવાતી પ્રદૂષિત માનસિકતા.
હું તો હારી જ ગઈ હતી. પણ ઉપરવાળાએ જે ચક્ર ઘુમાવ્યું તે આખી જિંદગી બદલાઈ ગઈ.”
યમૂનાએ સ્મિત સહ્ કહ્યું,
“અરે! હું તો યાત્રાળુઓને સ્નાન કરાવતાં કરાવતાં ખુદ એટલી મેલી થઈ ગઈ હતી કે મને મારી શુધ્ધતા કેમ કરવી એ જ સમજાતું નહોતું.”
કલબલતા સ્મિત સાથે વાતો ચાલતી રહી.
“પણ રેવા તું તો વધુ રુપ
ાળી લાગવા માંડી છે ને કાંઈ!”
“હા તાપીબેના, કેટલાય દિવસથી કિનારે કોઈ માનવ આવનજાવન નહીં. કોઈ પંડિત-બ્રાહ્મણ, કોઈ યજમાન, કોઈ ફૂલ-અસ્થિ નહીં.
પછી તો હું મને જ ગમવા માંડી એટલી ચોખ્ખાઈ ફિલ કરું છું.”
ચાલીસ મિનિટનું સેશન હસતાં બોલતાં ક્યાં ખતમ થયું તે ખબર જ ન રહી.
“અરે સખીઓ વિદાય લેતાં પહેલાં આપણી સર્વોચ્ચ સત્તાને વંદન કરીએ. દાયકાઓથી માનવજાત આપણી શુધ્ધતાની પોકળ વાતો કરી જાણે છે. ધરતી પર બેમર્યાદ દૂષણો ફેલાયાં છે. અને..
આ સર્વોચ્ચ સત્તાએ આખા વિશ્વનો ભેગો કરીએ ત્યારે માંડ એક ગ્રામ થાય એવડો નાનકો વાયરસ ફૂંક મારીને ધરતી પર મોકલી દીધો. માનવજાત સજ્જડ કેદમાં અને પ્રકૃતિનાં દરેક તત્ત્વો ખુલ્લેઆમ આઝાદી માણે છે. પ્રદૂષિત ધરતી, નદીઓ, પર્યાવરણ, પાક, પશુ-પંખી બધાં જ શુધ્ધ થવાની પ્રક્રિયામાં મસ્ત.”
અને પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર આવેલી ઈશ્વરીય સર્વોચ્ચ સત્તાનું અભિવાદન કરી સરિતાસખીઓનું વિડીયોકોલિંગ સમાપ્ત થયું.