વિચારોનું પ્રદુષણ
વિચારોનું પ્રદુષણ


રાજન માટે આ નવા શહેરની હવા થોડી બોઝિલ લાગતી હતી. અહી સૌ કોઈ પોતાની દુનિયામાં મશગુલ હોય એમ લાગતું હતું પણ જો કોઈનું મોં ખોલાવો તો જેવો વ્યક્તિ એવી વાતો.
રાજને દરરોજ કાપડની ફેકટરીમાં નોકરીએ જાવાનું શરુ કર્યું. સૌ પ્રથમ મળેલા સાથી મિત્ર વનરાજ. વનરાજ એટલે શું કહેવું, નામ વનરાજ હતું પણ રહેતા હતા વર્ષોથી શહેરમાં. ત્રીસ બત્રીસ આસપાસની ઉંમર, બેઠી દડીનું શરીર, શરીરનો રંગ તો જાણે ચાર મહિના અરબસાગરમાં માછી મારી કરીને હાલ જ આવ્યો હોય એવો.
સવારની વહેલી પાળીમાં રાજન આવે અને જો વનરાજ સામે મળી જાય તો પૂછે : ચા પીધો ? રાજન પણ એવો જ જવાબ આપે : ઓ ભાઈ ચા પીધો ન આવે . ચા પીધી એમ કહેવાય !
વળી બપોરે મળી જાય તો પાછો એની વાતોનો દોર સાધે, જો રાજન અહીના લોકોનો વિશ્વાસ ન કરવાનો, ”ચિટર છે ચિટર પુરા” આ બહાર પાણીપુરી વાળો છે ને એ પણ, જો દસનું કહીને આઠ જ આપી દે.
જો આ પાનના ગલ્લા વાળાનેજ જોઈ લે એ પણ જે ગ્રાહકનું ધ્યાન ન હોય એના મસાલામાં સોપારી ઓછી નાખે છે. આ સફરજનની લારી વાળો જ જોઇલે, તું કાલે ત્યાંથી સફરજન લેતો હતો ત્યારે મેં તને જોયો હતો, એટલે મારે તને ખાસ કહેવું હતું. એ તોલ માપમાં ઘાલમેલ કરી નાખે. આવી વનરાજની વાતો સાંભળીને રાજન એને ઘણીવાર કહેતો “ભૈયા સારું વિચાર” એ સામે કતરાઈને બોલે શું સારું વિચારે, અહીના લોકો જ એવા.
હવે રાજને ખબર પડી ગઈ કે અહી કાપડની ફેક્નાટરી કરતાં વનરાજના વિચારોનું પ્રદુષણ ઘણું વધારે છે. શહેરની હવાના પ્રદૂષણથી માસ્ક કે નદીના કિનારે સવાર –સાંજ ફરવા જાવાથી કદાચ બચી શકાય પણ જેનાં મન પ્રદુષિત થઇ ગયાં છે એવા લોકોથી બચવાનો ઉપાય રાજનને મળતો ણ હતો. . !!