Bhajman Nanavaty

Children Stories Tragedy

3  

Bhajman Nanavaty

Children Stories Tragedy

વેરાનમાં વડલો

વેરાનમાં વડલો

6 mins
320


નાનકડા નવીને પોતના પપ્પાને જોયા જ ન હતા. ઘરમાં પપ્પાનો એક પણ ફોટો ન હતો !

‘પપ્પા કેવા લાગતા હશે ? કેવી રીતે બોલતા હશે ? વઢે તેવા હશે કે મારી સાથે રમે તેવા હશે?‘ આવા અનેક પ્રશ્નો તેના દિલમાં ઊઠતા. આ પ્રશ્નો તે મમ્મી પાસે રજૂ કરતો, પરંતુ તેની મમ્મી તેના સવાલ નો જવાબ આપતી નહિ. તે હમેશાં ગૂંથવામાં જ મગ્ન રહેતી. કોઈ કોઈ વખત તેની આંખોમાંથી અશ્રુબિંદુઓ ટપકી પડતાં. વહાલથી તે નવીનને પોતાની ગોદમાં લઈ લેતી. મમ્મી રડે એ ડરથી નવીન પપ્પા વિષે વાત ઉચ્ચારતો નહિ.

ભાઈબંધ–દોસ્તારોને ઘેર તે રમવા જતો ત્યારે તેમના પપ્પાઓને ધ્યાનથી જોતો અને મનમાં ને મનમાં પોતાના પપ્પા વિષે કલ્પના કરતો. ‘બધાને તો પપ્પા છે, મારે કેમ નથી ? બધાના પપ્પા તો ઘેર જ રહેતા હોય છે મારા પપ્પા કેમ અમારી સાથે નહીં રહેતા હોય ?’ એમ તે વિચારતો.

‘તારા પપ્પા તો તારી મમ્મીને અને તને છોડીને બીજી સ્ત્રી સાથે જતા રહ્યા છે.’ કોઈએ તેને એક વખત કહેલું. પોતાને અને મમ્મીને છોડીને જતા રહ્યા છે એ તો નવીનને સમજાયું પણ શા માટે છોડીને જતા રહ્યા છે એ ન સમજાયું. ‘બીજી સ્ત્રી એટલે શું ? પપ્પાએ એમ શામાટે કર્યું હશે ? રાજેશના પપ્પા કેવા તેને સાથે બેડમિંગ્ટન રમવા લઈ જાય છે ! રમા આંટી વઢ વઢ કરે છે તો પણ પ્રવિણના પપ્પા તો પ્રવિણને છોડીને નથી જતા રહેતા ! મારી મમ્મી તો કેવી સારી છે ! તો પણ મમ્મીને છોડીને જતા રહ્યા ?’

નવીનને માટે તો એની મમ્મી જ પપ્પા હતી. ઘરમાં રસોઈ પણ એની મમ્મી કરતી અને તેની સાથે બોલ-બેટ પણ રમતી. તેને ભણાવે, રાત્રે સરસ નવી નવી મજાની વાર્તાઓ કરે. ‘કેટલી સારી છે મારી મમ્મી !’ નવીનને મમ્મી પર અપાર હેત હતું. મમ્મી હીંચકા પર બેઠી બેઠી ગૂંથતી જાય સાથે સાથે તેને ભણાવતી જાય, વાર્તા કહેતી જાય. કોઈવાર એકાદ ગીત ગણગણતી હોય. પણ બસ ગૂંથવાનું તો કાયમ ચાલુ જ હોય.

‘મમ્મી ! તું આખો વખત આ સ્વેટર કેમ ગૂંથ્યા કરે છે ? રોજ નવાં નવાં સ્વેટર બનાવીને ક્યાં લઈ જાય છે ?’ નવીને આખરે એક દિવસ ડરતાં ડરતાં પૂછી નાખ્યું.

‘બેટા! સ્વેટર ગૂંથીને હું દાસકાકાને આપી આવું છું. તે પોતાના સ્ટોરમાં વેચી આપે છે. આપણને તેના પૈસા આપે છે.’ નિઃસંતાન દાસકાકા દંપતી રંજનબેનને પુત્રી સમાન ગણતા.

‘મમ્મી! હું પણ મોટો થઈને દાસકાકાની જેમ સ્ટોર ચલાવીશ. પછી તું મારા સ્ટોરમાં સ્વેટરો બનાવીને આપજે હોં કે ? ‘

‘ભલે હો બેટા !’ મમ્મીએ ઊનનો દોરો હાથની આંગળીઓથી ખેંચીને તોડતાં જવાબ આપ્યો. નવીને જોયું કે દોરો તોડતાં મમ્મીના ચહેરા પર વેદનાની આછેરી ઝલક ઊપસી આવી હતી. તેનું ધ્યાન મમ્મીની આંગળીઓ પર પડ્યું.

‘મમ્મી! તારી આંગળી પર આ કાપા શેના પડી ગયા છે ? જો તેમાંથી લોહી નીકળે છે.’

‘દોરા તોડવા પડેને તેથી આ કાપા પડી ગયા છે. મમ્મીએ સાડીના છેડાથી આંગળી ઝટઝટ લૂછી નાખી.‘

‘કાતરથી શામાટે નથી તોડતી ?‘

‘કાતર તૂટી ગઈ છે. તે દિવસે તમે જ તો તોડી હતી, ખરું ને ?

‘મમ્મી હું તને નવી કાતર લાવી આપીશ. પછી તને કાપા નહિ પડે.’

‘ભલે લઈ આવજે હો !’ મમ્મીએ ધીમું સ્મિત કરતાં વાત બદલી, ‘તમારી નિશાળમાં વેકેશન ક્યારે પડે છે ?’

‘આવતા સોમવારથી, અરે હા ! મમ્મી, એ તો કહેવાનું હું ભૂલી જ ગયો ! મારી સ્કૂલમાંથી પ્રવાસ જવાનો છે. હું પણ જઈશ, હો ને મમ્મી ! પે’લો પ્રવીણ નથી ? એ પણ જવાનો છે. મમ્મી મને જવા દઈશ ને ?’

‘હા ભલે જજે હો ? પણ પ્રવાસ ક્યાં જવાનો છે ? ક્યારે જવાનો છે ? તમને નિશાળમાંથી કાગળ નથી આપ્યો ?’

‘હા, આપ્યો છે ને. પણ સાંભળને, જયપુર, ઉદેપુર વિગેરે સ્થળોએ જશે. દસ દિવસનો પ્રવાસ છે !’

>< >< ><

પ્રવાસના દસ દિવસ ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી. રાત્રિના અંધકારને ચીરતી ગાડી અંતર કાપતી હતી.. શિક્ષકે સહુને સૂઈ જવાની તાકીદ કરી પરંતુ સહુ પ્રવાસના ખાટાંમીઠાં સંભારણાં વાગોળવામાં મગ્ન હતા. સહુ પોતાના માટે અને પોતાના ભાઇ-બહેન માટે ખરીદેલી વસ્તુઓ એકબીજાને બતાવતા હતા. રાજુએ પોતાના માટે મોજડી ખરીદી હતી તો રમેશે ટેબલ લેમ્પ. અચાનક કોઈની નજર નવીન પર પડી.

‘અરે નવીન, તું કેમ ચુપચાપ બેઠો છે ? તેં શું ખરીદી કરી ? અમને બતાવતો ખરો !’

ના. મને કોઈ શોખ જ નથી. પછી શું લેવું ! ‘ નવીને જવાબ વાળ્યો.

‘પણ ગઇકાલે તું બજારમાં તો ગયો હતો ?’

‘હા પણ .. .. .. ‘ બોલતાં બોલતાં નવીને બારી બહાર નજર ફેરવી લીધી.

>< >< ><

સવારે સ્ટેશને દાસકાકાને જોઇને નવીનને નવાઈ લાગી. દાસકાકા તેને પોતાને ઘેર લઈ ગયા.

‘કાકા, હું મમ્મી પાસે જઈ આવું !’ કહેતો તે જવા લાગ્યો, પણ ત્યાં તો કાકી નાસ્તો લઈ બહાર આવ્યાં, ‘લે બેટા ! પહેલાં નાસ્તો કરી લે.’ કહી પરાણે નાસ્તો કરવા બેસાડ્યો.

નવીન પરાણે મૌન જાળવીને ઝટપટ ચા-નાસ્તાને ન્યાય આપવા લાગ્યો. મમ્મીને મળવાની તેને તાલાવેલી લાગી હતી. અનેક સવાલો તેને પરેશાન કરી રહ્યા હતા. તેનું મન કોઈ અજબ પ્રકારની આશંકાઓથી મૂંઝવણ અનુભવતું હતું. તે ઘડીક દાસકાકા તરફ તો ઘડીક કાકી સામે નજર માંડતો અને તેમના ચહેરા વાંચવાનો નિષ્ફળ પ્રયાસ કરતો હતો.

નવીન ઝટપટ નાસ્તો પતાવવામાં પોતાનું ધ્યાન કેંદ્રિત કરી રહ્યો હતો. તેને મમ્મી પાસે જવું હતું. ‘મમ્મી સ્ટેશને કેમ ન આવી ? પ્રવાસની કેટલી બધી વાતો કહેવાની છે !’ નાસ્તો પતાવીને હાથ ધોવાની દરકાર કર્યા વગર સીધો જ પોતાના ઘર તરફ દોડ્યો.

‘કાકા ! મારી મમ્મી ક્યાં ગઈ છે ? ઘેર કેમ નથી ?’ બંધ ઘર જોઇને વીલે મોંએ પાછા ફરેલા નવીને રડમસ અવાજે પૂછ્યું.

દાસકાકા ધર્મસંકટમાં મુકાઈ ગયા હતા. દુનિયાની ક્રૂરતાથી તદ્દન અજાણ, વિશાળ ગગનમાં મુક્ત વિહરતા, કિલ્લોલતા, નિર્દોષ પંખીની પાંખ કપાઇ ગઈ હતી. નવીનની માનું અકાળ મૃત્યુ થયું હતું. આ ખબર નવીનને આપવાની કઠોર જવાબદારી પોતાને નિભાવવાની હતી ! હૈયાને પાષાણ-સમ બનાવવું પડશે. દાસકાકાએ અસહાય બનીને કાકી સામે જોયું. પણ ત્યાં તો શ્રાવણ–ભાદરવાની હેલી વરસી રહી હતી. કાકી નવીનની પીઠ પર હાથ ફેરવતાં સાંત્વન આપવાને બહાને ખુદ આશ્વાસન લઈ રહ્યા હતાં ! અંતે દાસકાકાએ મહા પ્રયત્ને ધ્રૂજતા હોઠે અને રડતા હૃદયે બોલવાનો પ્રયાસ કર્યો, ‘બેટા!.. ...બેટા નવીન !.. .. ..’ પરન્તુ આગળ બોલે તે પહેલાં તેને ગળે ડૂમો ભરાઈ ગયો. હૃદયનું ક્રંદન આંખોમાં પ્રતિબિંબિત થઈ રહ્યું.

બિચારા દાસકાકા ! નિર્દોષ બાળકને ક્યાં સુધી ટટળાવવો ? છેવટે હિંમત કરીને, ઊંડો શ્વાસ લઈને અવાજમાં શક્ય તેટલી માર્દવતા લાવીને તેમણે કહ્યું, ‘નવીન, બેટા ! રંજનબેનને હવે તું ક્યારેય નહીં મળી શકે. બેટા ! એ.. એ..આપણાથી દૂર ઈશ્વર પાસે ચાલ્યા ગયાં છે !’

પહેલાં તો નવીન ‘દૂર ચાલ્યા ગયા છે’ નો અર્થ જ સમજ્યો નહિ. અને પછી ધીરે ધીરે તેના કોમળ ચહેરાની લાલિમા અદ્રશ્ય થવા લાગી. ‘દૂર ચાલ્યા ગયા છે’ ની વાસ્તવિકતા સમજાતાં નવીન કરમાઈ ગયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તે રડ્યો નહિ. આંખોનો અશ્રૂસાગર જાણે રણપ્રદેશમાં ફેરવાય ગયો. નિસ્તેજ, કોરીકટ આંખે તે દાસકાકા સામે તાકી રહ્યો.

મમ્મી નથી એ વિચાર જ નવીન માટે અસહ્ય થઈ પડ્યો. મમ્મી વિનાની દુનિયા કેવી રીતે સંભવી શકે એ તેને માટે કલ્પનાતીત હતું.

‘પિતાની છાયા જેને કદી મળી જ નથી તેવી માત્રૃ-પ્રેમસરમાં વિચરતી આ માછલી હવે ક્યાં જશે ? રે ! કુદરત કેવી નિષ્ઠુર છે !’ દાસકાકા વિચારતા હતા. નવીનને કોઈ પણ હિસાબે રડાવવો જોઇએ, તેના દિલના ભારેલા અગ્નિને શાંત પાડવો જ રહ્યો. નવીનની સાથે તે જુદી જુદી રીતે વાતો કરવા લાગ્યા. તેનું મન પ્રફુલ્લિત કરવા, તેને હસાવવાના પણ પ્રયત્નો કર્યા. તેના મિત્રોને બોલાવી લાવ્યા. તે હસે, રડે કે કંઈ પણ બોલે તે માટે અનેકાનેક યુક્તિપ્રયુક્તિ અજમાવવા લાગ્યા. પરંતુ કશું જ કારગત ન નીવડયું, સઘળા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. નવીનની સ્તબ્ધતા દૂર ન થઈ તે ન જ થઈ.

નવીનનો હાથ પકડી તેને ઘેર લઈ ગયા. ઘરનું બારણું ઉઘાડતાં જ સામે હીંચકો દેખાયો. ખાલી, અચેતન, ઉજ્જડ. હીંચકા પર ઊનનો એક દડો અને અર્ધું ગૂંથેલું સ્વેટર પડ્યાં હતાં. નવીનના હાથમાંની સામાનની બેગ નીચે પડી ગઈ. તેમાંનો સામાન વેરવિખેર થઈ ગયો. સામાનમાંથી એક નવી નકોર કાતર સરી પડી.

પળભર તો કશું જ ન બન્યું. નવીન કાતર સામે અને હીંચકા સામે વારાફરતી જોઇ રહ્યો. નવીનના મનમાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. વાતાવરણમાં એક પ્રકારની સ્તબ્ધતા છવાઈ હતી. દિશાઓ શાંત થઈ ગઈ હતી.

અચાનક દાસકાકાનો હાથ છોડાવીને નવીન કાતર ઊંચકીને દોડ્યો. હીંચકા પર માથું મૂકીને તે જોરથી રડી પડ્યો. લાગણીઓનો લાવારસ આંખો વાટે વહેવા લાગ્યો.

દાસકાકાએ સજળ નયને નિરાંતનો શ્વાસ લીધો. તેના દુઃખી ચહેરા પર હાસ્યની લહેરી દોડી ગઈ. તેણે નવીનને રડવા દીધો. બસ રડવા જ દીધો.

રડતાં રડતાં નવીન ઊંઘી ગયો. દાસકાકાએ તેને તેડી લીધો. વહાલથી તેના આંસુઓથી ખરડાયેલા ચહેરાને ચૂમીઓથી નવરાવી દીધો. બહાર નીકળી ઘરનો દરવાજો વાસી દીધો.


Rate this content
Log in