The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Abid Khanusia

Others

3.5  

Abid Khanusia

Others

વચન ભંગ

વચન ભંગ

7 mins
215



સુનિલ અને મુકેશ પહેલાં ધોરણથી બી.એ. સુધી સાથે ભણ્યા. સુનિલ નાનપણથી જ પ્રમાણિકતાનો ખુબ જ આગ્રહી જયારે મુકેશ રસ્તો કાઢવા પ્રેકટીકલ થવામાં માને. બંને ભણવામાં હોંશિયાર. સુનીલને આઈ.એ.એસ. ઓફિસર થવું હતું જયારે મુકેશને ધંધો કરવો હતો. બંનેએ એક બીજાને વચન આપ્યું હતું કે બંને જે કોઈ પણ વ્યવસાય કરે તેમાં સંપૂર્ણ પ્રમાણિક રહેશે. બીજું વચન એ આપ્યું હતું કે બંને ગમે ત્યાં રહે પણ એક બીજાના સતત સંપર્કમાં રહેશે અને ઓછામાં ઓછા દર પાંચ વર્ષે સદેહે અચૂક એક બીજાને મળશે. 


અભ્યાસ પૂર્ણ કરી સુનિલ કોમ્પીટીટીવ એકઝામની તૈયારી કરવા લાગ્યો જયારે મુકેશે ધંધા માટે લુધિયાણા પસંદ કર્યું. સૌ પ્રથમ મુકેશે સરકારી કચેરીઓમાં માલસામાન પૂરો પાડવાનું કામ હાથ પર લીધું પરંતુ ત્યાં ભ્રષ્ટાચાર કર્યા સિવાય ટકી રહેવું શક્ય ન બનતાં સુનિલને પ્રમાણિક રહેવાના આપેલ વચન મુજબ તેણે તે વ્યવસાયને તિલાંજલિ આપી. ત્યારબાદ તેણે લુધિયાણામાં બનતી વિવિધ મશીનરીની ડીલરશીપ મેળવી દિલ્હીમાં પોતાનો ધંધો શરુ કર્યો.


પાંચ વર્ષ પછી જયારે પ્રથમવાર અમદાવાદમાં બંને મળ્યા ત્યારે સુનિલ કોમ્પીટીવ એકઝામ પાસ કરી આઈ.એ.એસ. તો નહિ પરંતુ આઈ.પી.એસ. ઓફિસર બની ગયો હતો. મુકેશે પણ પોતાના ધંધામાં સારી પ્રગતિ કરી હતી. બંનેએ એક બીજાના હાલ ચાલ જાણ્યા. સુનિલ જે ખાતામાં હતો ત્યાં પ્રમાણિક રહેવું ખુબ કપરું હતું પરંતુ સંઘર્ષ કરીને પણ તેણે હજુ પ્રમાણિકતા જાળવી રાખી હતી. મુકેશે સુનિલને જણાવ્યું કે “સુનિલ, મેં અમેરિકામાં સ્થાઈ થવા વિઝાની માંગણી કરેલ છે. મારી બીઝનેસ કેટેગરીની ફાઈલ મંજુર થઇ છે. અમારા ઈન્ટરવ્યું પણ થઇ ગયા છે અને જો વિઝા મળી જશે તો આગામી થોડાક મહિનાઓમાં કાયમ માટે હું અમેરિકા ચાલ્યો જઈશ.” સુનિલને મિત્રથી જુદા થવું પડશે તે સમાચારથી થોડુક દુઃખ થયું પણ મિત્ર પ્રગતિ કરી રહ્યો છે તે જાણી આનંદ પણ થયો. બંને ફરીથી પ્રમાણિક રહેવાના અને સતત સંપર્કમાં રહેવાના તેમજ દર પાંચ વર્ષે સદેહે મળવાનું વચન દોહરાવીને છુટા પડ્યા. 


બીજા પાંચ વર્ષ પછી જયારે બીજીવાર મળ્યા ત્યારે મુકેશ અમેરિકાના ન્યુયોર્કમાં સ્થાઈ થઇ ગયો હતો. તેને બે બાળકો હતા એક દિકરી અને એક દિકરો. બંને ન્યુયોર્કની મોઘી શાળામાં અભ્યાસ કરતા હતા. સુનિલને પણ બે દિકરા હતા અને તે પણ અમદાવાદની મોંઘી ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા. સુનિલનું પ્રમોશન થયું હતું. હવે તે ડી.એસ.પી. હતો. બંનેએ પ્રગતિ કરી હતી. સુનિલની રહેણીકરણી ખુબ ઉંચી જણાતી હતી જે તેની આવકના સાપેક્ષમાં થોડીક વધારે હતી. બંને ફરીથી પ્રમાણિક રહેવાના અને સતત સંપર્કમાં રહેવાના તેમજ દર પાંચ વર્ષે સદેહે મળવાનું વચન દોહરાવીને છુટા પડ્યા. 


બીજા પાંચ વર્ષે જયારે ત્રીજીવાર મળ્યા ત્યારે સુનિલે અમદાવાદની પોશ લોકાલીટીમાં અંદાજે બે કરોડનો બંગલો ખરીદ કર્યો હતો. તેના બંને દિકરા તેમનું ભણતર પૂરું કરી તેમના કેરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા હતા. એક દિકરો શેર બજારમાં કાર્યરત હતો જયારે બીજાએ ભાગીદારીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સાહસ કર્યું હતું. મુકેશને સુનિલની રહેણીકરણી જોઈ થોડુક અચરજ જરૂર થયું પરંતુ મિત્રના વચન પર શંકા ન કરી. મુકેશ હજુ ન્યુયોર્કમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેની દિકરીએ ભણતર પૂરું કરી નોકરી શરુ કરી હતી. તેનો દિકરો હજુ અભ્યાસ કરતો હતો. 


પછીના પાંચ વર્ષ પુરા થવા આવ્યા ત્યારે સુનિલ મુખ્યમંત્રીના ડેલીગેશન સાથે વોશિંગ્ટન આવ્યો હતો. હવે તે રાજયના ડી.આઈ.જી.નો હોદ્દો ધરાવતો હતો. વ્યસ્તતાને કારણે તે ન્યુયોર્ક આવી શકે તેમ ન હોવાથી મુકેશ વોશિંગ્ટન જઈ સુનીલને મળ્યો. બંને એક બીજાની પ્રગતિ જોઈ ખુબ ખુશ થયા. ત્યાર બાદ બંને સતત એક બીજાના સંપર્કમાં રહેતા તે પછીના પાંચ વર્ષની તેમની મુલાકાત પણ અમેરીકામાં જ થઇ હતી. આમ બંને મિત્રો દર પાંચ વર્ષે એક બીજાને મળવાનું વચન નિભાવતા રહ્યા. 


હવે બંને નિવૃત્ત થઇ ગયા હતા. તેમના બાળકો પોત પોતાના વ્યવસાયમાં અને જિંદગીમાં ગૂંથાઈ ગયા હતા. સમય તેનું કામ કરતો રહ્યો. બંનેની ૬૦ વર્ષની ઉંમર થઇ ત્યારે મુકેશનો ઇન્ડિયા આવવાનો સંદેશો સુનિલને મળ્યો. તેણે તેના સંદેશામાં જણાવ્યું હતુ કે આ વખતે તે બે મહિના ઇન્ડિયામાં રહેવાનો છે. કેટલાક જરૂરી કામો પુરા કરવાના હોવાથી તે અમેરીકા જતાં પહેલાં છેલ્લે તેને મળવા આવશે અને દસ દિવસ તેની સાથે વિતાવશે. 


મુકેશ ભારતના તેના કામો આટોપી અમદાવાદ આવી પહોંચ્યો. સુનિલના ઘરની ડોર બેલ દબાવી. થોડીક ક્ષણો પછી કોઈ અજાણ્યો સ્ત્રી ચહેરો દરવાજામાં ડોકાયો. મુકેશને અચરજ થયું. “સુનિલ છે ઘરમાં ? “ પ્રશ્ન પૂછી મુકેશ ઉત્તરની રાહ જોવા થોભ્યો. અજાણી સ્ત્રીએ પૂછ્યું “તમે અમેરીકા વાળા મુકેશ ભાઈ છો ?” મુકેશે સંમતિમાં માથું હલાવ્યું. તે સ્ત્રી આવકાર આપી મુકેશને ઘરમાં દોરી ગઈ. તે મુકેશને સોફા પર બેસાડી પાણી લેવા ગઈ. પાણી સાથે એક પરબીડિયું મુકેશને આપી તેણે કહ્યું “સુનિલ ભાઈએ આ મકાન અમને વેચી દીધું છે અને તમારા માટે આ સંદેશો મુકયો છે.“ મુકેશ ઝડપથી સંદેશો વાંચી તે બહેનનો આભાર માની ઘરની બહાર નીકળી ગયો.


સાંજે સંધ્યા સમયે મુકેશ એક પ્રાઇવેટ ટેક્સીમાં વિજયનગરની પોળોના જંગલોમાં આવેલ એક આશ્રમમાં પહોંચ્યો. સંધ્યા આરતીની તૈયારી શરુ થઇ હતી. તેણે એક સેવકને સુનિલને મળવાની વાત જણાવી. તે મુકેશને એક કુટીરમાં દોરી ગયો. સુનિલ ધ્યાનમાં મગ્ન હતો. આરતીની ઝાલર સંભળાઈ ત્યારે સુનિલે ધ્યાન મુક્ત થઇ પોતાની આંખો ખોલી. સામે પોતાના જીગરી મિત્રને જોવા છતાં તેના ચહેરા પરના ભાવોમાં કોઈ ફરક ન દેખાયો. હજુ તે અન્ય લોકમાં વિહરતો હોય તેમ જણાયું. તે અનિમેષ નયને એકાગ્રતાથી આરતીને માણી રહ્યો. આરતી પૂર્ણ થયે જાણે તે ભૂલોકમાં પરત આવ્યો. તે મુકેશને ભેટી પડ્યો. તેની આંખોમાંથી આંસુઓની ધાર સતત વહેતી રહી. સુનિલની કયા કૃશ થવા માંડી હતી. તે તંદુરસ્ત દેખાતો ન હતો. મુકેશનો હાથ તેની પીઠ પર ફરતો રહ્યો. 


સુનિલ, મુકેશને આશ્રમના સંચાલક સ્વામીજી પાસે દોરી ગયો અને તેમને ઉદ્દેશીને ફક્ત એટલુજ બોલ્યો, “આ મારો જીગરી મિત્ર, મુકેશ” કદાચ સુનિલે સ્વામીજીને મુકેશ વિષે બધું જણાવી દીધેલ હોય તેવું લાગ્યું. થોડીક ઔપચારિક વાતચિત પછી સુનિલ મુકેશને સ્વામીજી પાસે મૂકી ચાલ્યો ગયો. સ્વામીજીએ મુકેશને કહ્યું, “ સુનિલની રાત્રી તપસ્યાનો સમય થઇ ગયો હોવાથી તે તેની કુટીરમાં ગયો છે. તેની આ તપસ્યા બે કલાક ચાલશે. ત્યાર પછી તે તમને મળશે. ચાલો તે દરમ્યાન આપણે વાળું પતાવી લઈએ. મારે સુનિલ વિશેની થોડીક વિગતો પણ તમને જણાવવી છે તે હું જણાવી દઉં.” 


આશ્રમનું સાદું પરંતુ સ્વાદિષ્ટ ભોજનથી પરવારી સ્વામીજીએ મુકેશને કહ્યું.” સુનિલ પ્રમાણિકતાનો હિમાયતી હોવા છતાં આપણા દેશની સિસ્ટમે તેને અપ્રમાણિક બનાવી દીધો હતો. ખાતાના અધિકારીઓ ખાસ કરીને તેના હાથ નીચેના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા. સુનિલ તેમને તેવું કરતાં અટકાવતો હતો જે તેમને ગમતું ન હતું. તેથી એક રાત્રે એક ગુનેગારના પોલીસ કસ્ટડીમાં થયેલ મોતના દોષનો ટોપલો તેમણે સુનિલ પર ઢોળી દીધો પરિણામે તે સસ્પેન્ડ થયો. ખાતાકીય તપાસમાં તે નિર્દોષ સાબિત થયો પરંતુ નોકરીમાં પુન: સ્થાપન બાદ તેણે પ્રમાણિકતાને છોડી ભ્રષ્ટ સિસ્ટમને ગળે વળગાડી દીધી. અણહકની લખલૂટ સંપત્તિ ઘરમાં આવતાં દરેકને ગમવા માંડ્યું હતું પરંતુ આ અણહકની કમાણીએ તેના બંને દીકરાઓને કુછંદે ચડાવી દીધા. મોટા દિકરાએ શેર બજારમાં અંદાજે બે કરોડનું દેવાળું કાઢ્યું. આબરૂ સાચવવા સુનિલે તેનું દેવું ભરપાઈ કર્યું અને તેને અન્ય ધંધો કરવા જણાવ્યું પરંતુ સટ્ટામાં લિપ્ત મોટો દિકરો વાળ્યો પાછો ન વળ્યો. ફરીથી તેણે દેવું કર્યું અને તે દેવું ભરપાઈ કરવા તેણે સુનિલ પાસે પૈસાની માંગણી કરી જે સુનિલે નકારતાં તેણે ખુબ મોટો ઝઘડો કર્યો.


સુનિલ માનસિકરીતે અસ્વસ્થ રહેવા લાગ્યો. તે માનસિક શાંતિ મેળવવા મદ્યપાન કરવા લાગ્યો. દિવસે દિવસે તે વધુ ને વધુ મદ્યપાન કરતો થયો. તે દરમ્યાન સુનિલ નિવૃત્ત થયો. તેણે તેની ગ્રેજયુઈટીની રકમ બંને દીકરાઓને વહેચી આપી પરંતુ બંને દીકરાઓને તે રકમ ઓછી પડી. મોટા દિકરાને તેનું દેવું ભરપાઈ કરવા અને નાના દીકરાને તેના ધંધા રોજગારમાં વૃદ્ધિ કરવા હજુ વધુ રકમ જોઈતી હતી. એક દિવસે બંને દીકરાઓએ સુનીલને તેમનો બંગલો વેચી તેની રકમ તેમને વહેચી આપવા આગ્રહ કર્યો. સુનિલે ના પાડતાં મોટા દિકરાએ સુનિલ પર હાથ ઉગામ્યો જે જોઈ સુનિલની પત્ની વચ્ચે પડી તો મોટા દિકરાએ તેને હડસેલો મારી દુર ફેકી દીધી. સુનિલની પત્નીને માથામાં ઈજા થવાથી તે કોમામાં ચાલી ગઈ અને ત્રણ દિવસની સારવાર બાદ તે મૃત્યુ પામી.”


સ્વામીજીએ આગળ ચલાવ્યું, “ આ દુ:ખદ પ્રસંગ બાદ સુનિલનું મન સંસાર પરથી ઉઠી ગયું. તે બિમાર પડ્યો. દાક્તરી તપાસમાં લીવરનું ત્રીજા સ્ટેજનું કેન્સર જણાયું. તે પડી ભાગ્યો. તેણે પોતાનો બંગલો વેચી તે રકમ વિવિધ સેવાભાવી સંસ્થાઓને દાન કરી દીધી અને અહી આ આશ્રમમાં રહેવા આવી ગયો. હાલ યોગ અને સાધના દ્વારા તે તેના આ અસાધ્ય રોગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરે છે.”


સુનિલ રાત્રી તપસ્યા પૂર્ણ કરી સ્વામીજીની કુટીરમાં દાખલ થયો. મુકેશ સામે જોઈ બોલ્યો, “મુકેશ હું જીવનભર પ્રમાણિક રહેવાના આપેલ વચન પર કાયમ રહી શકયો નથી તેથી તારો ગુનેગાર છું જો શક્ય હોય તો મને માફ કરજે. હરામની લક્ષ્મીએ મારા જીવન અને કુટુંબને છિન્નભિન્ન કરી નાખ્યું છે તે બાબત તેં સ્વામીજી પાસેથી જાણી હશે. હું શરીર અને મનથી પડી ભાંગ્યો છું. હું હવે પ્રાયશ્ચિત કરી પાપની કમાણીથી પાંગરેલા મારા દેહને સ્વામીજીના સાનિધ્યમાં તપસ્યાથી તપાવી કાયાથી આત્માનો છુટકારો મેળવી મોક્ષ મેળવવા પ્રયત્ન કરું છું. જોઈએ આ કાયા કેટલો સમય સાથ આપે છે.” આટલું બોલવામાં પણ તેને હાંફ ચઢી ગયો. થોડીક વાર પછી એકાએક તેનો શ્વાસ ફૂલવા માંડ્યો. સ્વામીજીએ સુનિલનું માથું પોતાના ખોળામાં લઇ તેના માથે હાથ મૂકી ધીમેથી મંત્રોચાર કર્યો. થોડીક ક્ષણોમાં તેનો આત્મા આ નશ્વર દેહ મૂકી બ્રહ્મલીન થઇ ગયો. મુકેશની આંખોમાંથી રેલાતા ગરમ આંસુઓ સુનિલના નશ્વર દેહને ભીંજવતા રહ્યા.


Rate this content
Log in