Rahul Makwana

Others

5.0  

Rahul Makwana

Others

વાત્સલ્ય

વાત્સલ્ય

6 mins
264


મિત્રો, આપણે ત્યાં એક જૂની કહેવત છે કે, "દરેક સફળ પુરુષની પાછળ કે એક સ્ત્રીનો હાથ હોય છે." - આ કહેવત બીજા કોઈ માટે તો મને ખબર નહીં પણ મારા માટે તો સો ટકા સાચી જ છે, કારણ કે હાલમાં હું જે કંઈ છું તેનું કારણ મારા જીવનમાં રહેલ સ્ત્રીઓ જ છે.

   જન્મથી માંડીને મોટો થયો ત્યાં સુધી મારા જીવનમાં ઘણીબધી સ્ત્રીઓએ મને સાથ આપ્યો કે પોત - પોતાનો રોલ સફળતાપૂર્વક ભજવ્યો.

    આજે હું આપ લોકો સમક્ષ એ બધી સ્ત્રીઓ કે જેણે મારા જીવનમાં કે મારી સફળતા પાછળ થોડું નહીં પણ ઘણુંબધું યોગદાન આપેલ છે, તેઓનો આભાર વ્યક્ત કરવાં માટે મારી કલમ લઈને આવ્યો છું, આમ તો હું એ બધાંનો ઋણ કે ઉપકાર ક્યારે પણ ચૂકવી શકુ તેમ નથી પણ હા જાહેરમાં હું તે બધાનો આભાર વ્યક્ત કરીને ઋણ ચૂકવ્યાની અનુભૂતિ ચોક્કસથી કરી શકુ છું.

    આ સ્ત્રીઓમાં પ્રથમ સ્થાન પર છે મારી પ્યારી માઁ કે જેમણે મને આ દુનિયામાં જન્મ આપ્યો, હું તો શું પરંતુ દુનિયાનો કોઈપણ વ્યક્તિ ધારે તો પણ પોતાની માઁ નું ઋણ ક્યારેય ચૂકવી શકતો નથી, આ દુનિયામાં મારા જન્મ આપ્યાં બાદ મારી માઁ એ મારો ઉછેર કરવામાં જરાપણ કચાસ નથી છોડી, કદાચ તેણે એકાદ રોટલી ઓછી ખાધી હશે...પરંતુ મને ક્યારેય ભૂખ્યો નથી રહેવા દીધો, મને બોલતાં, ચાલતાં, ખાતાં, વાંચતા, લખતાં વગેરે શીખવવામાં જેટલો ફાળો મારા શિક્ષકોનો રહેલો છે, તેટલો જ કદાચ તેના કરતાં પણ વધું ફાળો મારી માઁ નો રહેલો છે, આ સમાજ કેવો છે..? આપણાં રીતિ રિવાજ શું છે…? આપણો ધર્મ છું..? ઈશ્વર શું છે…? સંબંધી ઓ શું છે…? વ્યવહાર શું છે…? સારા માણસો કોને કહેવાય..? દુર્જન કે ખરાબ માણસો કોને કહેવાય…? સફળતા શું છે…? નિષ્ફળતા શું છે…? કદાચ નિષ્ફળતા મળે તો તેનો સામનો કરીને કેવી રીતે બહાર આવવું…?" - આ બધું કદાચ મારી માઁ ના હોત તો હું ક્યારેય શીખી ના શક્યો હોત…!

   જાહેરમાં ભલે મને ઠપકો આપે, પરંતુ ઠપકો આપ્યાનું દુઃખ તેના પુરેપુરા હૃદયમાં વધુ હોય છે, પોતે કદાચ કાતિલ ઠંડીમાં ચાદર કે ધાબળો નહીં ઓઢે પરંતુ મને તે ભૂલ્યા વગર જ ધાબળો અચૂક ઓઢાળતી હતી એ મારી માઁ જ હતી, મને માર્યા કે ઠપકો આપ્યા પછી પણ એકાંતમાં દુઃખને લીધે રડતી હતી તે મારી માઁ હતી. પપ્પા નાં ગુસ્સા દરમ્યાન મારી આગળ ઢાલની માફક હરહંમેશ ઉભી રહેતી હતી તે મારી માઁ હતી, મારી દરેક માંગણીની પપ્પા પાસે પદ્ધતિસર રજૂઆત કરતી હતી તે મારી માઁ હતી….ટૂંકમાં કહું તો હું હાલમાં જે કંઈપણ છું, એ મારી માઁ ને લીધે જ છું, અને હું ભગવાન કે ઈશ્વરને બે હાથ જોડીને હદયપુર્વક એક જ પ્રાર્થના કરું છું કે મને દરેક જન્મમાં આવી જ માઁ આપજો...કદાચ એકાદ જન્મમાં તો હું તેનો ઋણ ઉતારવા માટેનો પ્રયાસ ચોક્કસ કરીશ…!

    આપણે ખરેખર ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને મમતાની મૂર્તિ સ્વરુપે માઁ જેવી અમૂલ્ય ભેટ આપી છે, બાકી એકવાર એ વ્યક્તિને ચોક્કસ પૂછજો કે જેનાં નસીબમાં માઁ નો પ્રેમ નથી પ્રાપ્ત થયો, અથવા માઁ ની છત્રછાયા કાયમિક માટે ગુમાવી બેસેલાં છે, તેઓને એકવાર પૂછજો કે "માઁ ! શું હોય છે..? - તમારો માત્ર આ એક નાનકડો પ્રશ્ન સાંભળીને તેની આંખોમાં ઝળઝળિયાં આવી જશે...અને તે એકદમ નિ:શબ્દ બની જશે અને રડવા જેવો થઈ જશે….પરંતુ મિત્રો આપણાં સમાજનાં અમુક લોકો અમીરીનાં અજવાસ થી કે પછી કોઈપણ પ્રકારના સામાજિક કે પારિવારિક દબાણવશ થઈને આ મમતા કે વાત્સલ્યની મૂર્તિ સમાન માઁ ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે...જે ખરેખર એક કરૂણ વાસ્તવિકતા કહેવાય...જે આપણે ના કરવું જોઈએ.

    એમાં પણ જ્યારે હું ઉચ્ચ અભ્યાસ અર્થે મારું ઘર છોડીને બહારગામ ભણવાં માટે ગયો ત્યાં ડગલેને પગલે મને મારી માઁ યાદ આવી રહી હતી, ત્યારે મને સમજાયુ કે મારા જીવનમાં મારી માઁ નું શું મહત્વ રહેલું છે, હું બહારગામ રહેતો હોવા છતાંપણ રાતે એકવાર તો અચૂક જ તે મને કોલ કરતી...અને કોલ કરીને પહેલો પ્રશ્ન એ જ પૂછતી કે, "બેટા ! જમી લીધું..?" "તબિયત પાણી તો સારા છે ને…?" - આ પ્રશ્નોના જવાબ માં જ્યારે હું "હા!" એવું કહેતો ત્યારે જ તેનાં જીવને શાંતિ થતી હતી.

     આમ મારા જીવનમાં મારી માઁ નો ફાળો અતુલ્ય અને અમૂલ્ય છે, ત્યારબાદ મારા જીવનમાં મારા મહિલા શિક્ષકો કે જેણે મને ભણાવ્યો અને ગણાવ્યો અને પગભર બનવામાં મારી મદદ કરી, તે બધાં જ મહિલા શિક્ષકોનો પણ મારી સફળતા પાછળ ઘણું જ યોગદાન રહેલ છે. ટૂંકમાં મને આપણાં સમાજ, આપણાં પરિવાર, આપણું શહેર કે આપણાં દેશ માટે એક આદર્શ વ્યક્તિ બનાવવા માટે તે બધાનું અનેરું યોગદાન રહેલું છે, તેઓએ મારું વ્યક્તિત્વ ઘડતર કરીને મારા પર ખૂબ જ મોટો ઉપકાર કરેલ છે. આમ હું મારા એ બધાં જ શિક્ષકો કે જેમણે મારું ઘડતર કર્યું એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું.

    ત્યારબાદ મારા જીવનનાં અગત્યનું મહિલા પાત્ર વ્યક્તિ તરીકે આવે છે મારી અર્ધાંગિની એટલે કે મારી પત્ની, કે જેણે મારી માઁ ની બધી જ જવાબદારી હસતાં - હસતાં ચહેરે સ્વીકારી લીધી, જવાબદારી સ્વીકારી તો લીધી પરંતુ એ બધી જ જવાબદારીઓ બાખૂબી નિભાવવામાં તે સફળ પણ રહી….અગ્નિદેવની સાક્ષીમાં સાત ફેરા દરમ્યાન લીધેલાં એ વચનો પૂરો કરવાં જાણે તે કટિબધ્ધ હોય તેવું લાગી રહ્યું હતું, મારી માઁ પછી જો કોઈને મારી વધુ ચિંતાઓ થતી હોય તો તે છે મારી પ્રિય અને વ્હાલી પત્ની, જે મારા સુખ અને દુઃખમાં હરહંમેશ મારી પડખે મારો સહારો બનીને ઉભી રહી…જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિઓ કે ચડાવ - ઉતાર આવ્યાં પરંતુ તે ટસની મસ ના થઇ અને મારો હાથ પકડીને ચાલી અને એ બધી જ વિકટ પરિસ્થિતિઓ જાણે મારી પત્નીનું દ્રઢ મનોબળ જોઈને ડરી ગઈ હોય તેમ ધીમે - ધીમે તે બધી જ વિકટ પરિસ્થિતિઓ પણ મારા જીવનમાંથી દૂર થઈ ગઈ.

   મારા મકાનને ઘરનો દરજજો અપાવવા માટે જેનું મહત્વનું યોગદાન રહેલ છે તે છે મારી પત્ની, હું જ્યારે પણ હિંમત હારી જાવ ત્યારે મારી બાજુમાં બેસીને મારા માથા પર વ્હાલથી હાથ ફેરવીને.."આ ! પરિસ્થિતિ કે આ સમય પણ જતો રહેશે…!" એવું બોલતી હતી તે હતી મારી પત્ની...હું જ્યારે ગભરાયેલો હોઉં ત્યારે મને પ્રેમપૂર્વક ગળે વળગાળીને સાંત્વના અને હિંમત આપતી સ્ત્રી એટલે મારી પત્ની, આખા ઘરનું બજેટ એક નાણાં મંત્રી કરતાં પણ સારી રીતે જાળવી કે ગોઠવી આપતી સ્ત્રી એટલે મારી પત્ની….જે ખરેખર મારા જીવનનો એક અમૂલ્ય ભાગ છે...જે મારી સ્માઈલ પાછળનું પણ એક કારણ છે...જેની એક સ્માઈલ જોઈને થોડુંક વધું જીવન જીવવાની ઈચ્છા થઈ આવે તે સ્ત્રી એટલે મારી પત્ની,

જેણે મને મારી માઁ પછી આટલો પ્રેમ અને હૂંફ આપી...આ ઉપરાંત એક પિતા તરીકેનું સન્માન આપવવામાં મારી પત્નીનો સિંહ ફાળો રહેલો છે, "પિતૃત્વ કોને કહેવાય…?" "બાળકોનો પ્રેમ કોને કહેવાય..?" "સંતાન પ્રાપ્તિનું સુખ કેવું હોય..?" - આ બધું કદાચ મારી પત્ની નાં હોત તો હું કદાચ ક્યારેય પણ આ બાબત સમજી કે અનુભવી શક્યો ના હોત…! 

     ટૂંકમાં હાલમાં જો હું કોઈનાં ખભે માથું રાખીને રડી શકતો હોય તે વ્યક્તિ હોય તો તે છે મારી પત્ની, કે જેની સાથે હું મારા બધાં જ સુખ દુઃખ વહેંચી શકું છું...અને એ હસતાં - હસતાં એમાં ભાગીદાર પણ બને છે.. પછી તે સુખ હોય તો પણ ભલે કે પછી દુઃખ હોય તો પણ ભલે…! આમ મારી પત્નીનું પણ મારી સફળતા પાછળ મારી માઁ જેટલું જ યોગદાન રહેલ છે, હું ભગવાનને એટલી ચોક્કસ પ્રાર્થના કરીશ કે મને દરેક જન્મમાં અર્ધાંગિનીનાં સ્વરૂપે મારી આ જ પત્ની આપે..!

     આમ હું મારા જીવનમાં રહેલ દરેક સ્ત્રીઓનો ખુબ ખુબ આભારી છું કે જેઓએ ખુબજ મહેનતનાં અંતે "શૂન્યમાંથી સર્જન" કરેલ છે….એક કોરી પાટીમાં પ્રેમ, હૂંફ, લાગણી, આશ્વાસન, સફળતા, વ્યક્તિત્વ, રિવાજ, ધર્મ, સબંધો વગેરેની લાગણીઓ જાણે શબ્દો સ્વરુપે મારામાં ઉતારેલ હોય તેવું મને લાગી રહ્યું છે.


Rate this content
Log in