DIPIKA CHAVDA

Others

4  

DIPIKA CHAVDA

Others

ઉત્સવ કૃષ્ણ જન્મનો

ઉત્સવ કૃષ્ણ જન્મનો

3 mins
384


દરેકને દર વર્ષે કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવો બહુજ ગમે. ક્યારેક એવો જ પારિવારિક ઉત્સવ હોય તો ? એવું બને કે ઉત્સવમાં ઉત્સવ હોય જેને ઉત્સાવોત્સવ કહી શકાય ! 

જીતુ અને જયા એક પ્રેમાળ યુગલ હતું. ભલે એમના લગ્ન પરિવારના વડીલો દ્વારા ગોઠવાયેલા લગ્ન હતા જે આજકાલના જમાનામાં કહેવાય છેને ? "એરેન્જ્ડ મેરેજ" એવું ! પણ જીતુ જયાના લગ્ન પ્રેમલગ્ન કરેલા પ્રેમીઓને પણ શરમાવે એવો પ્રેમ હતો આ યુગલમાં. આપણા સમાજમાં એક વાત કહેવાય છે, "નજર લાગવી" એવું જ એમનાં જીવનમાં પણ બન્યું.      

અનહદ પ્રેમ કરતાં આ યુગલને સૌ વખાણતા અને એના પરિવારના વડીલો તો બે મોઢે વખાણ કરતાં અને કોઈ એમના આ યુગલના વખાણ કરે તો એમને મીઠાઈ ખવડાવે એવો પ્રેમ. પણ થયું જ એવું કે પ્રેમ ઓસરવા માંડ્યો એ યુગલનો ! એકમેક માટે નહિ ! પણ પરિવારના વડીલોનો એમની પુત્રવધુ માટે. જયારે પહેલા ખોળે દીકરી જન્મી એના માટે. ઘણા લોકો જુનવાણી હોય છે કે એમને એમ હોય કે પહેલા ખોળે વારસ હોવો જોઈએ પરિવાર આગળ વધારે એવો. પણ દીકરી આવે તો શું થાય ? લોકો વધામણી આપે કે બહુ સરસ કહેવાય, પહેલા ખોળે લક્ષ્મીજી પધાર્યા. હવે જીતુની પ્રગતિ થશે, એની આવક વધશે.

આ બધી વાતથી પરિવારના વડીલોએ મન મનાવી લીધું. એમને થયું કે કાંઈ વાંધો નહિ ! દિકરો પછી આવશે. આ સંતોષ સાથે દીકરીને રમાડવા, લાડ લડાવવામાં સૌ ઓતપ્રોત થઇ ગયા. દીકરી ત્રણ વર્ષની થઇ અને જયાને પાછા સારા દિવસો રહ્યાં, અને ઘરમાં સહુ ખુશખુશાલ અને આશા લગાવીને બેઠા કે આ વખતે તો દીકરો જ ! પણ બીજી પણ દીકરી જ અવતરી ! હવે પરિવારના વડીલોને થયું કે વહુ કયા નસીબ લઈને આવી છે ? પણ એ લોકોને એવી ખબર ના હોય કે સંતાન થવું કે ના થવું અથવા દીકરી કે દીકરો જન્મે એના માટે દીકરી એકલી જવાબદાર નથી હોતી ! પણ એમને કેમ અને કોણ સમજાવે ? આવા સંજોગોમાં જયાના પતિ જીતુનો પ્રેમ જરાય ઓછો નહોતો થયો. હા દુઃખ ચોક્કસ થતું હતું પણ શું કરે ? આ પછી કરુણતા તો કેવી કે ત્રીજી પણ દીકરી આવી. ત્રણ દીકરીની માતાને ઘરમાં હવે પ્રેમનો આવકાર પણ ના મળ્યો.       

આ પછી વડીલો જયાને બહુ જ કોશવા માંડ્યા. જેનું વર્ણન કરવું શક્ય નથી અને યોગ્ય પણ નથી. કારણ કે બધા ભલે ડાહી વાતો કરે પણ અંદરખાને બીજી જ વાતો કરતા હોય ! હવે જયાને બહુ જ કપરા દિવસો આવ્યા એનો તો ઠીક પણ દીકરીઓની ઉપેક્ષા, અવગણના થવા માંડી. એથી વિશેષ હડધૂત થાય અને ત્રીજી દીકરીને તો કોઈ ખોળામાં તો ના લે એ ઠીક પણ તેડે નહિ કે દૂરથી રમાડે પણ નહિ. એ લોકોને તો એમ કે આપણો એકનો એક દીકરો અને એનો વારસ પણ ના આવે ?

આ પછી જયાને ચોથી વખત સારા દિવસો રહ્યા ! આ વખતે તો કોઈ એની વિશેષ સંભાળ પણ ના લે. જેવું તેવું ખાવાનું અપાય, ખૂણામાં પડી રહે. વળી પુરા દિવસો આવ્યા ત્યાં સુધી ધરાહાર કામના ઢસરડા કરાવ્યા કર્યા. સામે સાતમ આઠમના તહેવારો આવતા હતા પણ એમાંય કોઈ ઉત્સાહ નહિ ! હા કૃષ્ણ જન્મ દર વર્ષે ઘરમાં ઉજવાય કારણ કે પારિવારિક પરંપરા હતી પણ એય કરવું પડે એટલે તૈયારીઓ ઉત્સાહ વગર કરાય, બીજા પરિવારોને દર વર્ષે કહેવડાવાય કે અમારે ત્યાં કૃષ્ણ જન્મોત્સવમાં આવજો, એ આ વર્ષે ઉત્સાહથી ના કહ્યું, કોઈ પૂછે તો કહે કે હા કૃષ્ણ જન્મોત્સવ છે જ. એટલે એ દર વર્ષે આવનારા તો આવવના જ.  

જયાને બરાબર સાંજના સાત વાગે દુખાવો ઉપાડ્યો અને જીતુ એને લઈ હોસ્પિટલ દોડ્યો. પરિવારનાં કોઈએ રસ ના લીધો. એ લોકો તો બબડતા હતા કે આપણે કૃષ્ણ જન્મ ઉજવતા હોઈશું અને એ દીકરીને જન્મ આપશે. એ બધા જ શણગારની તૈયારીમાં લાગ્યા. સાડા અગિયાર સુધીમાં બધા મહેમાનો આવી ગયા અને ભજનો ગવાવા માંડ્યા. બરાબર બાર વાગે આ તરફ જય ઘોષ થવાની તૈયારી હતી અને જીતુનો ફોન આવ્યો કે જયાએ દીકરાને જન્મ આપ્યો છે. આ સાંભળતાં જ પરિવારમાં આનંદ છલકી ગયો. ઉત્સવમાં ઉત્સવ બની ગયો અને બમણા જોશથી "નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલકી" અને "કૃષ્ણ " બનીને ઘરે પધારેલ દીકરાને આવકારવા માટે હરખઘેલા બની ગયા." જીતુ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલકી" "પરિવારમાં કાન્હો જન્મ્યો જય કન્હૈયા લાલકી."

ત્યાં જયાની આંખમાં આંસુ હતા. સંતોષના કે હાશ મહેણાં ભાંગ્યા ! દીકરીઓને ભાઈમળ્યો એથી વિશેષ ઉત્સવમાં ઉત્સવ બન્યો. પછી તો સ્વાભાવિક જ એ બાળકનું નામ "કાન્હો" જ હોય. આજે હરખનાં આવકાર સાથે જયા અને એની દીકરીઓએ નાનાં બાલકૃષ્ણ સાથે ગૃહપ્રવેશ કર્યો.


Rate this content
Log in