ઉપહાસ
ઉપહાસ
ધરતી પર દુષ્કાળના ઓળા ઊતરી ગયા છે. ખેતીના પાક નિષ્ફળ ગયા છે. ધરતીપુત્રો નિરાશ બની ઉજ્જડ બનેલી સૂકીભઠ્ઠ ખેતીને જોઈ નિસાસા નાખે છે. પીવાના પાણીની સમસ્યા મોં ફાડીને ઊભી છે. સરકારી અમલદારો-પ્રધાનો નવી નવી યોજનાઓ ઘડે છે અને પાણી પૂરું પાડવાના વચનો આપે છે. પરંતુ લોકોને હવે તેનામાં વિશ્વાસ રહ્યો નથી.
મજૂરવર્ગ કામધંધા વગરના બેકાર બની ગયા છે. ક્યાંય કામ મળતું નથી. બે ટંક ખાવાનું ક્યાંથી પૂરું પાડવું તે તેના માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો છે. સર્વત્ર મંદીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. મજૂર વર્ગ કામ મેળવવા હિજરત કરી રહ્યા છે. ત્યારે આપણા પ્રધાનો વધુ ને વધુ યોજનાઓ ઘડવામાં રોકાયેલા છે. કંઇ યોજનાથી કોને કેટલો લાભ થશે તેની ગણતરીઓ ચાલે છે.
એક મોટા હોલમાં આજે મિટિંગ છે. ગરીબોને ઘઉં-ચોખા મફત આપવા માટે નક્કી કરવા સૌ અમલદારો ભેગા થયા છે. કલેક્ટર, મામલતદાર સાહેબ બધા આવી ગયા. પહેલા ચવ્વાણું અને પેંડાનો નાસ્તો કરાવવામાં આવ્યો. ત્યારબાદ ચા-પાણીનું પતાવ્યું અને પછી ગરીબો માટે સરકાર કેટકેટલું કરે છે તેનું ભાષણ આપવામાં આવ્યું. રાહતકામ ખોલવામાં આવશે. સસ્તા ભાવે તેલ આપીશું વગેરે વચનો અપાય છે. હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો.
હોલની પાછળ આઠેક વર્ષની એક ચીંથરેહાલ બાળા ત્રણેક વર્ષના પોષણ વગર લબડી ગયેલા તેના ભાઇને કાંખમાં નાખી ખાવાનું માગી રહી છે. પરંતુ તેનો અવાજ કોઇના કાન સુધી પહોંચતો નથી. ભૂખની પીડાથી એ બાળાનું પેટ ચોંટી ગયું છે. અવાજ ક્ષીણ થઈ ગયો છે. તેના પગમાં ચાલવાની શક્તિ રહી નથી. વૈશાખની બળતી બપોર તેના અંગને દઝાડે છે. કાંખમાં લટકેલ છોકરો પણ ભૂખ અને તરસથી બેભાન જેવો બની લબડી રહ્યો છે. બાળાની વ્યાકુળ નજર ખાવાનું શોધી રહી છે. એટલામાં તેની નજર નાસ્તો કરીને ફેંકી દીધેલી કાગળની ડીસોના ઢગલા પર પડે છે. તેના જીવમાં જીવ આવ્યો. તે ફેંકી દીધેલ ડીસોના ઢગલા પાસે ગઈ અને ડીસો ફંફોસવા લાગી. તેમાં થોડું થોડું ચવાણું અને પેંડાના કટકા હતા. તે ખાવા લાગી. તેના ભાઈને થોડુંક ખવડાવ્યું અને બીજું એંઠી ડીસમાં ભેગું કરી પડીકું વાળ્યું. એટલામાં તેની નજર એક પાકીટ પર પડી. તેણે પાકીટ ઉઠાવ્યું અને જોવા લાગી. એટલામાં હોલમાંથી એક માણસ ત્યાં આવ્યો અને તેના હાથમાંથી પાકીટ ખેંચી લીધું અને કહેવા લાગ્યો. સાલી ચોરટી ચોરી કરે છે. ચાલ હમણાં પોલીસ આગળ લઈ જઉં. છોકરી રડવા લાગી.અને કહેવા લાગી સાહેબ મેં ચોરી નથી કરી. હું તો ખાવાનું શોધતી હતી. ત્યાં આ પાકીટ મળ્યું. મારે પાકીટ નથી જોઈતું.. મને જવા દો. પેલા માણસે ઝાપટ મારી હાથમાં રહેલ પડીકું છીનવી લીધું. તે ખોલવા ગયો તો તેમાંથી ચવાણું નીચે વેરાઈ ગયું. બાળા લાચાર-બેબસ નજરે નીચે વેરાયેલા ચવાણાને જોઈ રહી. તેનો ભાઈ તરસથી કણસી રહ્યો હતો. બાળાને ચક્કર આવ્યા. તે પણ નીચે ફસડાઈ ગઈ.
