Kalpesh Patel

Children Stories Tragedy

5.0  

Kalpesh Patel

Children Stories Tragedy

ઉજળિયાત

ઉજળિયાત

2 mins
2.5K


સાત-આઠ વરસની કજરી ગામને પાદરે વડના છાંયડે ચાલતી નિશાળ આગળ ઊભી ઊભી એના જેટલી જ વયના ગામના છોકરાઓને એ જોઈ રહી હતી. કજરી, લઘા નાઇની છોકરી હતી, તેની મા તેને લઘાના ભરૂશે રેઢી છોડી કોઈ ઉજળિયાત ભેળી ભાગી ગયેલી. લઘો ગામના ઉજળિયાતોની હજામતમા વ્યસ્ત રહેતો, અને નવરો હોય તો મહુડાનાં નશામા ! આમ કજરી માટે આ નિશાળે બપોરે મળી રહેલ નાસ્તાના પડિકે ભૂખ મીટતી. 

કજરી રોજ છોકરાઓને વડલાંની છાંયમા મોજથી બેઠેલા જોતી ત્યારે એના બાળમનમા સતત એક વિચાર અચૂક ઘૂંટાયે જતો: મનેય આમની જેમ અંહી નિશાળમા ભણવા અને રમવા મળે તો કેવું સરસ! હું પણ વાંચી લખી ઉજળિયાત બનું.

ત્યાંજ એક અવાજ એની પીઠ પર અથડાયો, 'એ કજરી … ચાલ ઝપાટો કર, થાંભલા જેમ શું ખડી છે ? વાસીદું વાળ અને કુવેથી બે ઘડા પાણી ખેંચી આ કોઠી ભરી લે.' છેવાડે ઉભેલા નરસી પટાવાળાએ રાડ નાખતા આદેશ આપ્યો. કજરીએ યંત્રવત ઝાડુ લઈ આખો ઓટલો ચોખ્ખો ચટાક કરી નાખ્યો. અને કુવેથી પાણી ખેંચી કોઠી ભરી . મેલાં જીર્ણ ફરાકમા કજરીનો દૂબળો દેહ એની દરિદ્ર પરિસ્થિતિનું વર્ણન કરતો હતો.

'ચાલ, છોકરાઓના આ બધા ઝૂતા લાઇનમા ગોઠવી નાખ, અને પછી ટેબલ ઉપર નાસ્તાના પડિયા ગોઠવી રાખ. જરા સંભાળીને, નહિતો તને આજે નાસ્તો નહીં મળે. ચલ કામ પર લાગી જા…' ઠૂંઠવાઈ ગયેલી બીડીનો છેલ્લો કસ ખેંચી રહેલા નરસી પટાવાળાએ બીજો હુકમ છોડ્યો.

કજરીએ માથું હકારમા હલાવી, તેના ફરાકની ઘેરને ગાંઠ મારી તે કામે લાગી ગઇ. પડિયામા મસાલાવાળા દાળિયા ભરી રહેલી હતી ત્યારે ધબ્બ… દઈને કશુંક પડવાનો અવાજ કાને સંભળાયો. અવાજની દિશામા એણે નજર ફેરવી. વડલાની ઉગમણિ બાજુએ આવેલી વાડ ઠેકી બે થેલીઓ બહાર ફંગોળાઈ નીચે પડી હતી. થોડીકવારમા બે છોકરાંઓએ વડવાઈ પકડી વાડની બહાર ભૂસકો માર્યો અને હાથ ખંખેરી થેલી ખભે ભરાવી.

પહેલા છોકરાએ ચડ્ડીના ગજવાંમાથી બાકસ અને બે બીડી કાઢી ઘખાવી, અને એક પોતાના મોમા મૂકી અને બીજી ગર્વભેર તેના જોડીદાર કરસનને આપી. કરસને સમ્રાટની અદામા બીડીનો કસ ખેંચી નાકેથી મિલના ભૂંગળા જેવા કાળા ધુમાડા છોડતા બોલ્યો 'જોયું મગનીયા, સાહેબને કેવા ઉલ્લુ બનાયા આ બંદાએ …'

'મને તો ઇમ હતું કે સાલું પકડાઈ જઈશું તો વાટ લાગી જશે. પણ તે આ જોરદાર રસ્તો હોધી કાઢ્યો લ્યા…' મગને શાબ્દિક શાબાશી આપી કરસનના પરાક્રમને વધાવી લીધું.

કરસને છાતી ફૂલાવી, કોલર ઊંચો ખેંચી રુઆબભેર છટાથી પૂછ્યું, 'આઇડિયા કુનો હતો ?'

ભાઈ હું માની ગ્યો... મગને પેલાની પીઠ થાબડી …'

'તો પછી…ભાગો, સીમમા તમાકુના ખેતરે, પાન વાટી ચાવીશું અને સાંજ લગી રખડીશું …' કહી બંનેએ ઉજળિયાત બનવાના કારખાનેથી છટકી, ભર બપોરે અંધકારના ભવિષ્યની તરફ ડગ માડ્યા. ટેબલ ઉપર હારબંધ ગોઠવેલા મસાલેદાર દાળીયાના પડિયામાથી બે પડિયા ફરાકની ગાંઠ મારેલી ઘેરમા સરકાવતાં કજરીએ તેના મનની દીવાલ ઉપર અંત:ઈચ્છા ફરીથી ઘૂંટી:

"કાશ! મને જો એમની જગ્યાએ નિશાળે ભણી ઉજળિયાત બનવા મળે તો !"


Rate this content
Log in