ઉચ્ચ વિચાર
ઉચ્ચ વિચાર


ઘણા સમયની વાત છે. કોઈ એક રાજ્યમાં રાજા પોતાની પ્રજાના સુખદુઃખ જાણવા માટે પોતાનો વેશપલટો કરીને લોકોના હાલ જાણવા માટે નીકળી પડતા હતા. રાજાની સાથે તેમનો ખાસ વિશ્વાસુ માણસ પણ રહેતો. આજે પણ તેઓ પોતાના રાજ્યના હાલ જોવા માટે વેશ બદલીને બંને ફરવા નીકળ્યાં હતા. ત્યારે ચાલતા ચાલતા તે પોતાના રાજ્યના ગામોમાં દૂર સુધી નીકળી ગયા. ત્યાં ગામમાં રસ્તા બહુ જ ખરાબ હતા.
ત્યારે રસ્તામાં રાજાની મોજડી તૂટી ગઈ. જેનાથી રાજાને ચાલવામાં ખૂબ જ તકલીફ થતી હતી. રાજાએ પોતાના વિશ્વાસુ માણસને કહ્યું કે કોઇપણ જગ્યાએથી મોજડી તૈયાર કરવા માટે મોચીને શોધી લાવો. અને તરત જ તે માણસ ગામમાં એક મોચીને શોધવા ગયો. તેને રાજાની બધી જ વાત તે મોચીને કરી. તેથી મોચી તરત જ તૈયાર થઈ ગયો. અને પોતાનો સમાન લઈને તે માણસ સાથે નીકળી ગયો.
તે મોચી સમાન લઈને રાજા જોડે પહોંચી ગયો અને તેને રાજાની મોજડી ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરી આપી. રાજાની મોજડી પહેલા કરતા પણ ખૂબ જ સરસ તૈયાર થઇ ગઈ હતી. મોચીના કામથી રાજા ખૂબ જ ખુશ થઈ ગયા.
રાજાએ મોચીને ખુશ થઈ ને કહ્યું કે માંગ માંગ માંગે તે આપું. ત્યારે મોચીને થયું કે રાજા જોડે આટલા કામનું કંઈ ના માંગી શકાય. કદાચ માંગુ અને રાજાને ખોટું લાગે તો ? તેથી મોચીએ કંઈ જવાબ ન આપ્યો અને કહ્યું કે આટલા નાના કામનું કંઈ ના લેવાય. તેમ છતાં રાજાએ કહ્યું કે ના તારે મારા જોડે તો કંઈક માંગવું જ પડશે. તે ભલે નાનું કામ પણ મારા માટે કર્યું છે એટલે તારે કંઇક માંગવું જ પડશે. તેને વિચાર આવ્યો કે આટલા નાના કામ માટે શું માંગુ ? પછી તેને વિચાર્યું કે 5 સોનાની મહોર માંગી લઉં. તે કંઈ વાંધો નહીં. પણ કદાચ રાજાને આ વધારે પડે અને મને કંઇક સજા આપે તો માટે માંગવાનું તેને મન ન થયું.
મોચીએ રાજાને કહ્યું કે તમે અમારા જીવનદાતા છો. તમને મારા કામની જે કિંમત યોગ્ય લાગે તે આપશોજી. આ વાતને કારણે રાજા પણ વિચારમાં પડ્યા કે આ મોચીએ મને ખુબ જ મોટી મુસીબતમાં મૂકી દીધો. મારે તેને કંઈક આપવું પડશે.
રાજાએ પોતાના વિશ્વાસુને કહ્યું કે આ મોચીને તેના કામને બદલે અને તેની કામની નિષ્ઠાને બદલે આપણાં રાજ્યમાંથી તેને ૫ ગામ આપી દો. આ સાંભળીને મોચી તો ખૂબ જ નવાઈ પામ્યો. તેને વિચાર્યું કે હું તો માત્ર રાજા જોડે ૫ સોનાની મહોર માંગવાનું વિચારતો હતો. અને રાજાએ મને ૫ ગામ આપી દીધા.
માટે જ આપણે હંમેશા આપણા વિચારો મોટા તેમજ ઉચ્ચ રાખવાં જોઈએ. આપવાવાળો તો હંમેશા આપણાથી વધુ જ આપે છે. જે આપણે વિચારી પણ નથી શકતા.