તુલના
તુલના
વિશાળ આલીશાન હવેલીના ઝરૂખામાં, કિંમતી પરિધાન અને આભૂષણોથી સજ્જ સરિતા દેવી પોતાના નિત્યક્રમ અનુસાર બિરાજમાન હતા. સામે મૂકેલા કિંમતી સોનાના પિંજરામાં સ્થિત એક આકર્ષક પંખી એમની એકલતાની પળોનું એકમાત્ર સાક્ષી હતું. સરીતા દેવીની દુનિયા એ ભવ્ય હવેલીની આસપાસ જ સીમિત હતી, જેની બહાર જવાની એમને પરવાનગી ન હતી. અને એટલે જ તો એમની પસંદ-નાપસંદ ની દરેકે દરેક વસ્તુનું સૂક્ષ્મ રીતે ધ્યાન રાખીને એ હવેલી ને સુંદર રીતે સજાવવામાં આવી હતી. મૂલ્યવાન ફર્નિચર અને ઝુમ્મરોથી સુશોભિત એ હવેલીમાં તમામ સુખ સગવડ અને ભોગવિલાસ ના સાધનો ઉપસ્થિત હતા. હવેલીમાં સરિતા દેવીનો પડતો બોલ ઝીલાતો. પાણી માંગે અને દૂધ હાજર થઈ જતું. નોકર ચાકર અને દાસીઓ ખડે પગે એમની સેવામાં હાજર રહેતા. ઝરૂખામાં મુકાયેલું સોનાનું પીંજરું અને એમાંથી સ્થિત એ આકર્ષક પંખી હવેલીની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. પિંજરાની અંદર પક્ષીને અનુકૂળ આવે એવા નાના સુંદર બગીચાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને દાણા પાણી માટે ચાંદીની કટોરી મૂકવામાં આવી હતી.
સાંજના સમયે ઝરોખાના વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી. દૂર ગગનમાં મુક્ત રીતે વિહરી રહેલા અન્ય પક્ષીઓને જોઈને પિંજરામાંનું પંખી પાંખો ફફડાવીને વલખા મારી રહ્યું હતું. ક્ષિતિજ ને પાર આથમતા સૂરજને નિહાળી રહેલા, એકલતામાં લીન સરિતા દેવીનું વ્યગ્રતા ભર્યું હૃદય એ પાંખોના ફફડાટનો અવાજ સાંભળીને વધુ જોરથી ધબકવા માંડ્યું. પીંજરાની બહાર આવવા માટે વલખા મારતી એ પાંખોના ફફડાટ અને અંતરની એકલતામાં લીન એ વ્યગ્રતાભર્યા હૃદયના ધબકાર વચ્ચેની જુગલબંધીનો તાલમેલ ઝરોખાના વાતાવરણને વધુ ગમગીન બનાવવામાં પોતાનો ફાળો આપી રહ્યું હતું. અચાનક જ એ સૂરોના તાલમેલમાં વિઘ્ન પાડતા સરીતા દેવીની માનીતી દાસી રેવા એમની પરવાનગી લઈને ઝરૂખામાં પ્રવેશી. રેવાના અંદર પ્રવેશતાની સાથે જ ગમગીનીમાં ગરકાવ થયેલા એ ઝરૂખામાં જાણે એક મનમોહક ઠંડી હવાની લહેર પ્રસરી ગઈ. દેખાવે બિલકુલ સામાન્ય, બે-ત્રણ જગ્યાએથી સાંધા મારેલા કપડા અને નજીવી કિંમતના નામ માત્રના જ આભૂષણથી સજ્જ રેવાના ચહેરા પર એક અલગ જ તેજ હતું. રેવા પોતાના સુખી લગ્નજીવનના દસ વર્ષ પુરા થયાનો અવસર હોવાથી,પોતાના પતિ અને બાળકો સાથે બહાર ગઈ હતી અને ત્રણ ચાર દિવસ પછી પાછી હવેલીમાં પરત થઈ હતી. સુખ અને સંતોષના આભૂષણોથી સજ્જ એના ચહેરોનું તેજ, આજે એના સાદગીભર્યા વ્યક્તિત્વની આભાને ઓર નિખાર આપી રહ્યું હતું. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા જાજરમાન સરિતા દેવીની ઉદાસ આંખો રેવાના ચહેરાના તેજથી જાણે અંજાઈ રહી હતી." તારા આ ચહેરા પરના તેજ નું શું રહસ્ય છે, જે આટલી બધી માવજત અને આભૂષણના શણગાર પછી પણ મારા ચહેરા પર નથી દેખાતું ?" સરિતા દેવી આજે તો રેવાને આ પ્રશ્ન પૂછતા પોતાની જાતને રોકી જ ના શક્યા. પોતાની શેઠાણીના મોઢેથી આવા પ્રસંશનીય શબ્દો સાંભળીને આવક થઈ ગયેલી રેવા એકદમ શરમાઈ ગઈ અને બોલી,"શું શેઠાણી તમે પણ ? ક્યાં તમે, આટલી મોટી હવેલીના માલિક અને ક્યાં હું, એક ગરીબ દાસી. તમારી અને મારી શી તુલના ? સાંભળીને સવિતા દેવી ના ચહેરા પર હતાશાની રેખાઓ ઉપસી આવી. એ મનોમન બોલી ઊઠ્યા,"સાચે જ, તારી અને મારી શી તુલના ? ક્યાં તું પોતાના અસ્તિત્વનો સંપૂર્ણ આનંદ લઈને ભરપૂર જીવન જીવનારી એક સ્વતંત્ર અને સમૃદ્ધ સ્ત્રી. અને ક્યાં હું, કોઈની નજરમાં કેદ, કોઈના ઈશારા પર તાલ મિલાવતી એક કઠપૂતળીથી વિશેષ કશું જ નહીં ! સાચે જ તારી અને મારી કોઈ સરખામણી નહીં." પોતાના મન સાથે વાતો કરતા સવિતા દેવીની નજર અનાયાસ જ પિંજરામાં કેદ પંખી પર પડી. એમણે તરત જ ત્યાંથી ઊભા થઈને પીંજરુ ખોલી નાખ્યું અને પંખીને મુક્ત કરી દીધું... પાંખો ફેલાવીને ખુલ્લા આકાશમાં ઊડવા માટે... પોતાના અસ્તિત્વનો ખરો આનંદ લેવા માટે. બીજી જ ક્ષણે પંખી પાંખો ફેલાવીને દૂર આકાશમાં ઊડી ગયું અને ઝરૂખામાં કેદ સરિતા દેવી દૂરથી એને નિહાળી રહ્યા અને મુક્ત થયેલા પંખીના મનની હળવાશ પોતાના હૃદયમાં અનુભવી રહ્યા.
