તત્વનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ
તત્વનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ
કાંદિવલીમાં રહેતા ૧૦ વર્ષના તત્ત્વ મહેતાનાં માતા-પિતા રિતેશ મહેતા અને સોનિયા મહેતાના. તત્ત્વને જન્મથી બન્ને કાનમાં ૧૦૦ ટકા બહેરાશ હતી અને આજે તે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી એકદમ નૉર્મલ બાળકની જેમ સ્કૂલ જાય છે, ભણવામાં હોશિયાર છે અને અંગ્રેજી અને ગુજરાતી ભાષા બન્ને સારી બોલી જાણે છે. આજે જાણીએ તત્ત્વના જન્મથી લઈને કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યા સુધીની
સફર વિશે.
૨૦૧૧માં મહેતા પરિવારમાં જન્મેલો તત્ત્વ ૪-૫ મહિનાનો થયો ત્યારે તેનાં મમ્મી સોનિયાબહેનને લાગ્યું કે તત્ત્વને કોઈ તકલીફ તો છે. તેમના સમગ્ર પરિવારમાં એક પણ વ્યક્તિને કે બાળકને બહેરાશની કોઈ તકલીફ નથી એટલે તેમના માટે એ વિચારવું કે તત્ત્વને આવી કોઈ તકલીફ હોઈ શકે એ અઘરું હતું. છતાં તેમને લાગતું હતું કે તત્ત્વ અવાજને બરાબર રિસ્પૉન્ડ કરતો નથી. ડૉક્ટરને દેખાડ્યું. તત્ત્વનું ચેક-અપ કરીને, જરૂરી ટેસ્ટ કરીને કડવું સત્ય સામે આવ્યું કે તત્ત્વને બન્ને કાનમાં ૧૦૦ ટકા બહેરાશની તકલીફ છે. પોતાનું બાળક બહેરું જન્મ્યું છે એ વાત સહન કરવી સહેલી તો નહોતી. આ દુઃખ સાથે ઘરના બધા જ લોકો ઘણું રડ્યા, પરંતુ રડીને બેસી રહેવાનું તો નહોતું.
તત્ત્વને સૌથી પહેલાં એક હિયરિંગ એઇડ પહેરાવવામાં આવ્યું. થોડા મહિના જોવામાં આવ્યું કે એનાથી તત્ત્વને કોઈ ફાયદો છે કે નહીં. પરંતુ હકીકતમાં હિયરિંગ એઇડથી કોઈ ખાસ ફાયદો થયો નહોતો. એટલે ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે તત્ત્વ માટે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ જ જરૂરી બનશે. કૉક્લિયર ઇમ્પ્લાન્ટ જેટલું નાનાં બાળકો પર કરો એટલું વધુ કામ લાગે. બાળક બે વર્ષનું થાય એ પહેલાં જ જો આ ઇમ્પ્લાન્ટ થઈ જાય તો એનાં રિઝલ્ટ ઘણાં સારાં મળે છે. એટલે ઇમ્પ્લાન્ટ જલદી કરવું જરૂરી હતું. પહેલાં તો આટલા નાના બાળક પર આ પ્રકારની સર્જરી માટે ઘરના લોકો તૈયાર નહોતા. બધાને ડર લાગતો હતો, પરંતુ ડૉક્ટરના સમજાવ્યા પછી એ વાત ક્લિયર હતી કે સર્જરી ખૂબ જરૂરી છે.
એ સમયની વાત કરતાં તત્ત્વના પિતા રિતેશભાઈ કહે છે, ‘તત્ત્વને જીવનભર બહેરાશ સાથે તો નથી જીવવા દેવાના એ વાત અમે મનમાં દૃઢ કરી હતી. આ બાબતે મેં ઘણું મારી રીતે રિસર્ચ કર્યું. ડૉક્ટરને મળ્યો અને ઉપાયરૂપે મેં વિચાર્યું કે તત્ત્વનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવીએ. એના માટે બેસ્ટ મશીન જે એ સમયનું લેટેસ્ટ મૉડલ હતું એ જ નાખવાનું અમે વિચાર્યું હતું, પણ મોટી તકલીફ હતી એ માટેના પૈસાની કમી.’
એ સમયે રિતેશભાઈ ઑપ્ટિક્સનું કામ કરતા હતા. મિડલક્લાસ પરિવાર પાસે તત્ત્વના કૉક્લિયર ઇમ્પ્લાન્ટ માટે જરૂરી સાડાઅગિયાર લાખ રૂપિયા ભેગા કરવા કપરા હતા, પરંતુ ઈશ્વર પર શ્રદ્ધા રાખીને તેમણે સમાજના જાણીતાં ટ્રસ્ટો અને દાનવીરો પાસે મદદની વિનંતી કરી. તત્ત્વના નસીબે અને તેનાં મમ્મી-પપ્પાના પ્રયાસોના ફળરૂપે તેમને મદદરૂપે ૮૪ ચેક મળ્યા.
આખરે તત્ત્વના બીજા જન્મદિવસના બે દિવસ પછી તત્ત્વનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ થયું અને એ પછી તેની ટ્રેઇનિંગ શરૂ થઈ. કોઈ એક સામાન્ય બાળકને પણ ૯-૧૦ મહિના સતત સાંભળ્યા પછી બોલવાની શરૂઆત થાય છે. જે બાળકોનું કૉક્લિયર ઇમ્પ્લાન્ટ થાય તેમને પણ એટલો સમય તો આપવો જ પડે છે. ધીરજ રાખવી પડે છે. કમ્યુનિકેશન સધાય, તે સાંભળી શકે અને વ્યવસ્થિત બોલી શકે એ માટે સ્પીચ થેરપીની જરૂર રહે છે. તત્ત્વને ઇમ્પ્લાન્ટ પછી તેના સ્પેશ્યલ ક્લાસિસમાં મૂકવામાં આવ્યો જ્યાં તે સાંભળતાં, સમજતાં અને પાછળથી બોલતાં શીખ્યો. ઇમ્પ્લાન્ટ પછીના ૬-૮ મહિનામાં તે નાના શબ્દો બોલતો થઈ ગયો હતો. પાંચ વર્ષની ઉંમર સુધીમાં એ એક નૉર્મલ બાળક જેટલું જ બોલતો-સાંભળતો થઈ ગયો અને એક નૉર્મલ સ્કૂલમાં જવા પણ લાગ્યો.
તત્ત્વ વિશે વાત કરતાં તેનાં મમ્મી સોનિયાબહેન કહે છે, ‘અમને તકલીફ પડી, કારણ કે અમે આ બાબતે કંઈ જ જાણતા નહોતાં. લોકો સુધી આ જાણકારી પહોંચવી જોઈએ. તત્ત્વ પછી અમે ઘણાં માતા-પિતાને આ રીતે અવગત કર્યાં છે કે બાળકને જન્મજાત જો તકલીફ હોય તો વહેલી તકે ડૉક્ટરની સલાહ મુજબ કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવી લેવું જેથી તેનો વિકાસ અટકે નહીં. અમારી પાસે નહોતી માહિતી કે નહોતા પૈસા. જે હતી એ હતી ફક્ત હિંમત અને અમારા બાળક માટેની આસ્થા, જેણે અમને પાર લગાડ્યાં.’
જન્મથી જ સાંભળી ન શકતા અંધેરીના દસ વર્ષના તત્ત્વ મહેતાને બે વર્ષની વયે જ કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલું એને કારણે હવે તે નૉર્મલ બાળકની જેમ જ સાંભળી-બોલી શકે છે.
