Vrajlal Sapovadia

Children Stories Drama

3  

Vrajlal Sapovadia

Children Stories Drama

ટપાલની તાજા ખબર

ટપાલની તાજા ખબર

4 mins
234


થોડા સમય પહેલા પોસ્ટ ઓફિસ જતા રસ્તામાં એક યુવાન મિત્ર મળી ગયા. ઈ મેઈલ, મોબાઇલ, કુરીઅર અને આંગડિયાથી પરિચિત અને ટપાલ ખાતાથી અજાણ એવા મિત્ર કહે અમે તો પોસ્ટનો ઉપયોગ કરતા જ નથી. મેં પૂછ્યું કેમ તો કહે કુરીઅર જેવું સસ્તું અને ઝડપી નહિ. એમના આવા વિધાનથી મને ખુબ આશ્ચર્ય થયું અને હું ટપાલ ખાતાના મારા સુખદ અનુભવોને વાગોળવા લાગ્યો ત્યારે મને એ મિત્રની મનમાં ખુબ જ દયા આવી.

એક જમાનામાં પોસ્ટ કાર્ડ 5-6 પૈસામાં આવતું અને તેની બંને બાજુ ખુલ્લી હોય એટલે એમાં કઈ ખાનગી ના રહે કે એમાં કોઈ કાગળ કે વસ્તુ મૂકી શકાય નહીં. પોસ્ટ કાર્ડથી થોડુંક મોંઘુ 10-15 પૈસાનું આંતરદેશીય કવર આવે જેની અંદર પણ કઈ વસ્તુ રાખી શકાય નહીં પણ લખ્યા પછી તેની ગડી વાળીને બંધ કરી શકાય. 20-25 પૈસાનું કવર આવે જેમાં રાખડી જેવી વસ્તુ કે લખેલ કાગળ કે દસ્તાવેજ રાખીને બંધ કરી શકાય.

5 થી 25 પૈસામાં કાશ્મીરથી કન્યાકુમારી અને મોટા શહેરથી નાના ગામ સુધી સમાચાર પહોંચી જાય તે કાઈં નાની સુણી વાત નથી. એથી વિશેષ ટપાલ ખાતામાં મેં ઘણા ઉમદા માણસો જોયા છે. બિચારાઓનો પગાર તો નાનો પણ દિલ બહુ મોટું, ભણેલ થોડું પણ ગણેલ ખુબ જ. મેં 1972માં મેટ્રિકની પરીક્ષા સારા માર્ક મેળવી પાસ કરી પછી બેંગ્લોરથી ઇન્ડિયન એરોનેટીકલ કંપનીએ મને નોકરી માટે એક કવર લખીને મોકલ્યું પણ સરનામું એસ.એસ.સી. બોર્ડની કચેરીમાંથી મેળવ્યું હશે તેમાં મારા ગામનું નામ જ નહીં અને પિનકોડનો હજી જન્મ નહોતો થયો. જિલ્લાની પોસ્ટ ઓફિસે મારી અટક ઉપરથી અંદાજ લગાવ્યો કે આ ટપાલ ફલાણા ગામની હોય શકે. પોસ્ટ માસ્તર બુદ્ધિશાળી તો હશે જ પણ ઈમાનદાર અને લાગણીશીલ હશે અને એ ટપાલ મને મળી ગઈ.

એક વખત 1971માં મારા એક મિત્રને બાંટવાથી કેશોદ બોર્ડિંગમાં મુકવા ગયેલ અને તેને મૂકીને હું જૂનાગઢ થઇ રાજકોટ મારા મુકામે પહોંચવા બસમાં નીકળ્યો. હું રાજકોટ પહોંચ્યો તે પહેલા મારા મિત્ર જેને હું કેશોદ બોર્ડિંગમાં મુકવા ગયેલ તેણે રડતા રડતા મને ટપાલ લખી કે ઘર બહુ યાદ આવે છે, ફાવતું નથી નથી તો તું મને તેડી જા. એના દુઃખની ટપાલ ખાતાએ એટલી ગંભીર નોંધ લીધી કે ટપાલ મારી પહેલા રાજકોટ પહોંચી ગઈ હતી.

5-10 પૈસામાં આવી સગવડ કુરિયર આપતું હોય એવું તો મને યાદ નથી. અંતરિયાળ નાના ગામમાં તો ટપાલ ખાતા સિવાય કોઈ આવી સેવા ના આપી શકે.

હું રોજ થોકડો એક ટપાલ લખતો અને રોજ એટલી જ ટપાલ આવે. અલગ અલગ જગ્યાએ 20-25 પોસ્ટમેનના સંપર્ક થયા હશે અને બધા જ સારી રીતે ઓળખે. સવારે પોસ્ટ ઓફિસ જવાનો મારો રોજનો નિયમ અને ટપાલી દરેક પ્રકારની ટપાલ તૈયાર રાખે. ક્યારેય ટપાલી રસ્તામાં મળી જાય તો એને પાક્કી ખબર હોય કે તમારી 7 ટપાલ છે. એક મિનિટમાં રસ્તામાં ઉભા રહી ટપાલ કાઢી આપી દે ને ખબર અંતર પૂછી રવાના થાય. થોડા સમય પહેલા ઘરે એક પ્રસંગ હતો એટલે એ ટપાલ આપવા ઘરે આવ્યા એટલે મેં બૂમ પાડી અંદર બોલાવી એમની કંકોતરી આપી એટલે તેમણે કહ્યું પોસ્ટ કરવાની કંકોતરી બધી મને આપી દ્યો હું પોસ્ટ કરાવી દઈશ. એમણે ફ્રેન્કીંગ કરાવી જાતે જ સોર્ટિંગ કરી જે તે પોસ્ટમેનને અને બાકીની બહારગામ પોસ્ટ રવાના કરી દીધી.

પાંચ વરસ હોસ્ટેલમાં ભણવાનું થયું તે દરમ્યાન માસિક ખર્ચ માટે ઘરેથી મનીઓર્ડર પણ પોસ્ટ મેન જ લાવે, ત્યારે નહોતા બેન્ક ખાતા, એ.ટી.એમ. કે ઓનલાઇન ટ્રાન્સફર! તે જમાનામાં આધાર કાર્ડ કે બીજા પરિચય પત્રો હતા પણ નહીં અને જરૂરી પણ નહોતા. એક જ મુલાકાતમાં પોસ્ટમેન ઓળખવા માંડે અને હોસ્ટેલમાં હાજર હોઈએ તો પૈસા અને ગેરહાજર હોઈએ તો સંદેશ મળી જાય કે પૈસા લેવા કાલે હાજર રહેવાનું છે. ખાસ જરૂર હોય અને સંદેશ લઇ પોસ્ટ ઓફિસ જાઓ એટલે પૈસા તરત જ મળી જાય.       

દિવાળી આવે એટલે જથ્થાબંધ દિવાળી કાર્ડ લઇ ને ઘરે આવે, ચા પાણી નાસ્તો કરે અને નાની મોટી બોણીની રકમ આપો તે લઇ લ્યે. થોડા વરસ પહેલા હજી દિવાળીને થોડા દિવસની વાર હતી અને મારે બહાર જવાનું હતું એટલે રસ્તામાં પોસ્ટમેન મળી ગયા તો ટપાલ લઇ ખબર અંતર પૂછી બોણી આપી તો ના લીધી, મામૂલી પગારદાર ટપાલી કહે તમે હવે હાજર નથી તો હવે પૈસા ના લેવાય!

કોઈ ટપાલ ગૂમ થઇ હોય કે ખુબ મોડી મળી હોય તેવું ભાગ્યે જ યાદ છે. ગુજરાત બહારથી ટપાલ લખી હોય ને ગુજરાતી સરનામું કર્યું હોય તો ય ટપાલ મળી હોય અને અમે નાના હતા ત્યારે મુંબઈ ગુજરાતીમાં ટપાલ ને સરનામું લખતા તો ય મળી જતી. 500-1000 રૂપિયા લઇ ટપાલ આવનાર કુરીઅર કંપની કયા ગામમાં કઈ અટક વાળા લોકો રહે છે તે જાણતા પણ નથી હોતા અને તેવી તસ્દી પણ નથી લેતા તેની મને પાક્કી ખબર છે. 

આટલી અંગત સેવા આનાથી કોણ સસ્તું અને ઝડપી આપતું હશે તે સમજાતું નથી.


Rate this content
Log in