STORYMIRROR

Rahul Makwana

Children Stories Inspirational

3  

Rahul Makwana

Children Stories Inspirational

ટોમ એન્ડ જેરી - મારી નજરે

ટોમ એન્ડ જેરી - મારી નજરે

6 mins
86

મિત્રો કાર્ટૂન શબ્દ સાંભળતાની સાથે જ આપણાં મગજમાં અનેક પ્રકારનાં કાર્ટૂનની છબીઓ ખડી થતી હોય છે, જેની સાથે આપણે નાનપણથી જ જોડાયેલા હોય છે, આવા કાર્ટૂન પાત્ર આપણાં હ્રદય સાથે એકદમ નજીકથી જોડાયેલા હોય છે. ઉપરાંત આ પાત્રો આપણને જેટલું ખડખડાટ હસાવવા માટે સક્ષમ છે, તેટલા જ ચોધાર આસુડે રડાવવા અને જીવનની અમુક શીખ, બોધ કે પાઠ શીખવવા માટે પણ સક્ષમ હોય છે. જે વસ્તુ આપણને આપણાં પરિવારજનો કે વડીલો સમજાવી શકતા નથી એ બાબતો ક્યારેક આ કાલ્પનિક કાર્ટૂન સિરિયલોનાં પાત્રો બખૂબી સમજાવી જતાં હોય છે.

આપણે સૌ નાના હતાં ત્યારે આપણે બાળપણમાં અનેક કાર્ટૂન સિરિયલો જોતાં હતાં, અને હાલ પણ ક્યારેક ખૂબ જ દુખી કે ચિંતિત હોયએ ત્યારે પણ આપણે કાર્ટૂન જોતાં હોઈએ છીએ, જે જોયા બાદ આપણે આપણું બધુ જ દુખ, ચિંતાઓ, હતાશા વગેરે પલભર માટે ભૂલી જતાં હતાં, હાલ ફર્ક માત્ર એટલો જ છે કે પહેલાં આપણે એકલા જ કાર્ટૂન જોતાં હતાં, જ્યારે હાલ આપણે આપણાં સંતાનો સાથે કાર્ટૂન સિરિયલો જોતાં હોઈએ છીએ. 

આ કાર્ટૂન પાત્રોએ આપણાં માનસપટ્ટ પર પોતાની એક આગવી ઓળખ ઊભી કરેલી હોય છે જેમાં છોટા ભીમ, મોટું પતલું, પોપાય - ધ સેઇલર મેન, લિટલ ક્રિષ્ના, ધ માસ્ક, બેનટેન વગેરે કાર્ટૂન સિરિયલોનાં નામ મોખરે આવે છે. 

પરતું “જ્યારે મને પૂછવામાં આવે કે તમારું ફેવરિટ કાર્ટૂન પાત્ર કયું છે ?” - ત્યારે તરત જ મારા મોં માંથી અચૂક પણે “ટોમ એન્ડ જેરી” - એવો શબ્દ નીકળી જ જાય, કારણ કે હું પોતે આ બંને કાર્ટૂન પાત્રો સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો છું.

હું નાનો હતો ત્યારે “ટોમ એન્ડ જેરી” સિરિયલનાં બધાં જ ભાગ અચૂકપણે જોતો જ હતો, આ સમગ્ર સિરિયલના મુખ્ય ઉદેશ્ય વિશે જો હું કહું તો એવો થાય છે કે, “તમે તમારા મિત્ર સાથે ભલે ગમે તેટલું ઝગડો, લડાય કરો, માથાકૂટ કરો પરતું જ્યારે તમારા પર કોઈ મુસીબતો આવી પડે, કે તમે કોઈ મુશકેલીઓમાં મુકાય જાવ, કે તમારા પર જ્યારે દુશમનો હુમલો કરે, ત્યારે તમારો એ જ મિત્ર તમને એ કપરા સમયમાં પોતાનાં જીવની પરવાહ કર્યા વિના તમારી મદદે દોડી આવશે, અને દુશ્મનો સામે એ તમારી મજબૂત ઢાલ બનીને તમારું રક્ષણ કરશે !”

આજ બોધ પાઠ મહાભારતમાં પણ આપવામાં આવેલ છે કે, “ભલે તમારે તમારા ભાઈઓ સાથે આપસમાં દૂશમની હોય, પરતું તે બાબતનો લાભ કોઈ ત્રીજી પારકી વ્યક્તિ ના લઈ જવી જ જોઈએ !” - આ બાબત સમજવવા માટે મહાભારતમાં યુધિષ્ઠિરે “વ્યં સંયુક્તા” - એવાં ખૂબ જ સરસ વાક્ય પ્રયોગ કરીને આ બાબત ખૂબ જ સારી રીતે સમજાવેલ છે.. 

આથી જ “ટોમ એન્ડ જેરી” કાર્ટૂન સિરિયલ મારી મનપસંદ કાર્ટૂન સિરિયલ છે, આ બને પાત્રો કાયમિક માટે એકબીજા સાથે લડતા હોય તેવું બતાવવામાં આવેલ છે, જે સો ટકા સાચી વાત છે, તેમ છતાંપણ આ બને પાત્રો એકબીજાથી ક્યારેય વિખૂટા પડયા નથી, કે એકબીજાને છોડીને જતાં રહ્યાં નથી. આટ આટલો ઝગડો, લડાય કે માથાખૂટ થતી હોવા છતાંપણ તે બંને એક જ છત નીચે રહે છે, જ્યારે હાલનાં સમયમાં બે સગા ભાઈઓ વચ્ચે કોઈ નાનકડી બાબતમાં હળવી માથાકૂટ કે મનદુખ થયું હોય તો ઘર છોડીને જતાં રહે છે, અને પોતાનું અલગ ઘર વસાવે છે, જેમાંથી અમુક અમુક કિસ્સાઓમાં તો આ બંને ભાઈઓ આમરણ સુધી એક બીજાને બોલાવતા નથી હોતા તેવું જોવાં મળે છે, જ્યારે અમુક કિસ્સામાં જ્યારે આ બંને ભાઈઓને પોત - પોતાની ભૂલો સમજાય છે, ત્યારે વાસ્તવમાં તેનાં હાથમાંથી સમય રેતીની માફક સારી પડયો હોય છે. તેઓ એકબીજાની માફી માંગી શકતાં નથી જેનો વસવસો જીવનપર્યત રહેતો હોય છે. - આવું ના કરવું એ જ “ટોમ એન્ડ જેરી” કાર્ટૂન સિરિયલનો મુખ્ય હેતુ છે. 

આ ઉપરાંત “ટોમ એન્ડ જેરી” સિરિયલનાં આ પાત્રો પોત - પોતાનાં અભિનય દ્વારા આપણને ખડખડાટ હસાવે છે, તેવી જ રીતે અમુક અમુક એપિસોડમાં આ બંને પાત્ર વચ્ચે એટલી આત્મીયતા કે લાગણીઓ દર્શાવવામાં આવે છે કે આ જ બંને પાત્રો આપણને ચોધાર આંસુએ રડાવી જાય છે. આ ઉપરાંત આ પાત્રો આપણને એ બાબત પણ ખૂબ જ સારી રીતે સમજાવી જાય છે કે, “જીવનમાં સુખ આવે તો ફાટી ના પડવું, અને ખૂબ જ દુખ આવી પડે તો ભાંગી ના પડવું.

“ટોમ એન્ડ જેરી” સિરિયલના બને પાત્રો આપણને એ બાબત ખૂબ જ સારી રીતે સમજાવી જાય છે કે જીવનમાં કેવી કેવી આફતો આવી શકે છે ? આ આફતો કેટલી વિક્ટ કે મોટી હોય શકે ? આ આફતો એકાએક આપણાં જીવનમાં આવી પડે તો શું કરવું ? આ બધી આફતો કે મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો ? દુશ્મનોને ચાલાકીથી કેવી રીતે ધૂળ ચાટતો કરવો ? - એવી વગરે બાબતો “ટોમ એન્ડ જેરી” - આ બે પાત્રો ખૂબ જ સારી રીતે સમજાવી જાય છે, - આથી આ બંને પાત્રો નાનપણથી જ મારા માટે ફેવરીટ રહ્યાં છે. 

આમ “ટોમ એન્ડ જેરી” એ 80 અને 90 નાં દાયકામાં જન્મેલા દરેક બાળકોની પસંદગીની કાર્ટૂન સિરિયલ રહી હશે એવું હું અંગતપણે માનું છું, જેમાંથી હું પણ એક છું જે બાબતનો મને ખૂબ જ આનંદ છે. હાલ ઇતિહાસ ના સૌથી મોટા કાર્ટૂન કેરેક્ટર બનાવનાર એનિમેટર અને ડિરેક્ટર જીન ડાયચ નું નિધન થઈ ગયું છે,તેઓ વૃધાવસ્થાની બીમારીઓ સામે લડી રહ્યા હતા.વર્ષ 1924 માં અમેરિકાના શિકાગો માં જન્મેલ જીન ડાયચ વર્ષ 1959 માં ચેક રિપબ્લિકન પ્રાગમાં જઇ ને વસી ગયા હતા. ટોમ એન્ડ જેરી તેમનું સૌથી ફેમસ કાર્ટૂન પાત્ર રહ્યું હતું. આમ તે સમયે “ટોમ એન્ડ જેરી” એકમાત્ર એવી સિરિયલ કાર્ટૂન સિરિયલ હતી કે જેણે “કાર્ટૂન એનિમેશન” દુનિયામાં ક્રાંતિ સર્જેલ હતી. 

“ટોમ એન્ડ જેરી” સિરિયલમાં જીવનનાં જેવી રીતે ચડાવ ઉતાર દર્શાવવામાં આવેલ છે, તેવાં જ ચડાવ ઉતાર “ટોમ એન્ડ જેરી” સિરિયલે પોતાની શરૂઆતમાં જોયેલાં હતાં.એ સમયે વિલિયમે ટોમ એન્ડ જેરી કાર્ટૂનએ કાર્ટૂનની શોધ કરી હતી, આ કાર્ટૂન સિરિયલને શરૂઆતના સમયમાં “જેસ્પર અને જેનિક્સ” એવું નામ આપવામાં આવેલ હતું, ત્યારબાદ સમયનાં અવિરત પ્રવાહની સાથે આ સિરિયલનું નામ “જેસ્પર અને જેનિક્સ” માંથી બદલીને “ટોમ એન્ડ જેરી” - એવું નવું નામ આપવામાં આવ્યું. શરૂઆતનાં સમયમાં આ કાર્ટૂન સિરિયલને ફ્લોપ માનવામાં આવતી હતી,લોકોને આ ઉંદર-બીલાડીનો ખેલ જૂનો લાગતો હતો, પરતું કહેવાય છે કે સમય જતાંની સાથે લોકોને આ સિરિયલની અહેમિયત સમજાય ગઈ, ત્યારબાદ નાના બાળકો તો ઠીક પરંતુ યુવાન અને વૃધ્ધો માટે પણ “ટોમ એન્ડ જેરી” સિરિયલ ફેવરિટ બની ગઈ. 

 શરૂઆતમાં આ સિરિયલે વિવેચકોનાં કટુ અને કડવા વેણ પણ સાંભળવાની નોબત આવી હતી. વાત તો ત્યાં સુધી પહોંચી ગયેલ હતી કે આ “ટોમ એન્ડ જેરી” સિરિયલની સમગ્ર ટીમ વિરુધ્ધ કોર્ટમાં “આ સિરિયલ બાળકોનાં મનમાં હિંસા વૃતિને પ્રેરે છે !” - એવું કહીને કેસ પણ દાખલ કરવામાં આવેલ હતો. સમય જતાંની સાથે લોકોને એ બાબત ખૂબ જ સારી રીતે સમજાય ગઈ કે,“ટોમ એન્ડ જેરી” સિરિયલની એકાદ નકારાત્મક બાબત જો અવગણીએ, તો તેનાં કરતાં વધુ બોધ પાઠ શીખવી જાણે છે.

“ટોમ એન્ડ જેરી” સિરિયલ આટલી બધી ફેમસ બની એ પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે, “ભાષાથી મુક્તિ” કારણ કે આ સિરિયલ જોવા માટે કોઈપણ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી નથી. “ટોમ એન્ડ જેરી” સિરિયલ જેટલી અભણ લોકો સમજી શકે છે, તેટલી જ ભણેલ ગણેલ શિક્ષિત લોકો સમજી શકે છે. એક ટીવી ઇંટરવ્યૂમાં આ સિરિયલમાં પોતાનો મહત્વનો ફાળો આપનાર બાર્બરાએ કહ્યું હતું કે,’હું સમજું છું કે આ ઉંદર-બિલાડીની રમતને સમજવા માટે કોઈ જ ભાષાની જરુર નહી રહે. કોઈપણ દેશ અથવા ભાષાના લોકો તેની હરકતોથી જ સમજી જશે.’ શરૂઆતનાં સમયમાં લેસ્ટટ ટેકનોલોજીનાં અભાવે “કાર્ટૂન એનિમેશન” બનાવવાનું કાર્ય ખૂબ જ અઘરું હતું, કારણ કે એ સમયે એક એનિમેશન સીન બનાવવા માટે આશરે સાત હજાર જેટલાં ચિત્રો દોરવા પડતાં હતાં, તે સમયે એક સેકન્ડમાં ચોવીસ જેટલાં ચિત્રો આપણી આંખ સમક્ષ પસાર થાય ત્યારે એક સીન સર્જાતો હતો. 

અંતે “ટોમ એન્ડ જેરી” કાર્ટૂન સિરિયલની સમગ્ર ટીમની આકરી મહેનત, આરામ વગરની રાતો, રાત રાતનાં ઉજાગરા, હજારો ચિત્રો દોરવા માટે કરેલ સખત મહેનત અંતે રંગ લાવી, અને “ટોમ એન્ડ જેરી” સિરિયલ રાતોરાત બધાં જ લોકોની મનપસંદ સિરિયલ બની ગઈ. આ સિરિયલની આટલી મોટી વિશાળ સફળતા જોઈને વિવેચકોએ આપમેળે જ પોતાનાં મોઢા સીવી લીધાં હતાં, અને તેમનાં જ સંતાન “ટોમ એન્ડ જેરી” સિરિયલ ખૂબ જ હોંશે હોંશે જોતાં હતાં. 

ત્યારબાદ આ સિરિયલને અલગ અલગ દેશોમાથી એટલો બધો પ્રેમ મળ્યો કે હાલ આ “ટોમ એન્ડ જેરી” સિરિયલ અલગ અલગ 80 દેશોમાં રીલીઝ થઈ ચૂકી છે, અને બાળકો, યુવાન અને વૃધ્ધો આજે પણ આપણાં દેશમાં આ સિરિયલને ઉત્સુકતા સાથે નિહાળી રહ્યાં છે. 

આમ અંતે “ટોમ એન્ડ જેરી” સિરિયલ આપણને એટલું સમજાવે છે કે હાલત ભલે ગમે તેટલા મુશ્કેલ હોય પરતું તમે જે રસ્તો અપનાવેલ છે, એ રસ્તો જો સાચો હોય તો એ રસ્તા પરથી ક્યારે ભટકવું કે ડગવું નહીં, પછી ભલે ગમે તેટલી નિષ્ફળતાઓનો સામનો કરવાની નોબત આવે. અંતે એક સમય એવો આવેશે કે લોકોને તમારી અહેમિયત સમજાય જશે, અને લોકો હસતાં - હસતાં તમારો સ્નેહપૂર્વક સ્વીકાર કરશે જ તે. 

દિલથી સલામ છે “ટોમ એન્ડ જેરી” જેવી કાર્ટૂન સિરિયલ બનાવનાર સર્જનને, તેની ટીમને અને તેઓની દિવસ, અઠવાડિયા, મહિના અને વર્ષોની મહેનતને.


Rate this content
Log in