Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ટીમવર્ક

ટીમવર્ક

6 mins
13.9K


થોડાજ દિવસોમાં લગ્ન કરી હવે સાસરે જવાનું હતું. નવું ઘર, નવું  કુટુંબ, નવું શહેર, નવા મિત્રો, નવો જોબ. એકજ દિવસમાં બધું જ જાણે પાછળ છૂટી જશે. બધીજ સખીઓ એને મળવા આવી ચૂકી હતી પણ સંધ્યા હજી નહીં આવી? બીજી બધી સખીઓ હજી કુંવારી પણ સંધ્યા તો લગ્નનાં બંધનમાં બંધાઈ ચૂકી. લગ્ન થવાને એક વર્ષ થવા આવ્યું હતું. વોટ્સએપ, ફેસબુક પર જરા ડોકાઈ જતી પણ સાથે બેસીને પહેલાની જેમ વાત જ ક્યાં થઈ?

વૈદેહીને થયું જાતેજ જઈ એને મળી આવે. નવા જીવન વિશે મનમાં ઊભરાઈ રહેલી ખુશી અને ચિંતાની મિશ્ર ભાવનાઓને સંધ્યાથી વધુ કોણ સમજી શકશે? 

સંધ્યા વૈદેહીની ખાસ સખી. એની બેસ્ટ ફ્રેન્ડ.

કોલેજ અને યુનિવર્સીટી નો અભ્યાસ બંનેએ સાથે જ પૂરો કર્યો. બંને એકબીજાંનાં ઘરે નિયમિત આવજાવ કરતાં. જાણે કે કુટુંબનાજ સભ્યો. સંધ્યા પણ વૈદેહીની જેમજ અભ્યાસુ, ધગશી. આજની મોડર્ન અને આધુનિક વિચાર શરણી ધરાવતી યુવતી. પુરુષોની જોડે ખભા મેળવીને ચાલવામાં માનનારી.

બંને સખીઓનો જીવન દ્રષ્ટિકોણ એક સમાન. પોતાના અભ્યાસને ફક્ત પુસ્તકો અને ડિગ્રી સર્ટિફિકેટમાં ઢાળી અલમારીના એક ખૂણે બંધ કરીને રાખવામાં એ ક્યાંથી માને? બંનેનું ધ્યેય પોતાની મહેનત, અભ્યાસ અને કુશળતાથી જીવનમાં ઘણું આગળ ઊઠવાનું. માતા પિતા અને સમાજને ગર્વ અપાવવાનું. પોતાની કારકિર્દીને સફળતાથી પાર પાડવાનુંજ.

સંધ્યાનાં માતાપિતાએ પણ વૈદેહીનાં માતાપિતાની જેમજ એના અભ્યાસને કારકિર્દી ઘડવામાં સહૃદય સંપૂર્ણ યોગદાન આપ્યું હતું. પણ જ્યારે લગ્ન માટે એક સદ્ધર પરિવારમાંથી કહેણ આવ્યું કે એમણે પોતાની ફરજ પૂરી કરતા દીકરીને ઠેકાણે પાડી. એક ઉમર થતાં દીકરીઓ તો સાસરેજ શોભે એજ સામાજિક પારંપરિક પ્રણાલીથી દોરાય !

સંધ્યાનાં સાસરે બેઠી વૈદેહીની નજર એને શોધી રહી. સંયુક્ત કુટુંબની સૌથી નાની વહુ કશે દેખાઈ રહી ન હતી. ઔપચારિક ચા નાસ્તો કરી, સંધ્યાની સાસુનાં પ્રશ્નોના ઔપચારિક ઉત્તરો આપતી વૈદેહીની નજર ચારે તરફ ફરી રહી.

થોડા સમય પછી રસોડાનું કામ નિપટાવી આખરે સંધ્યા બહાર નીકળી અને પોતાની સખીને પોતાના ઓરડામાં લઈ ગઈ. સંધ્યા ઘણી બદલાયેલી લાગતી હતી. હંમેશાં નટખટ અને મસ્તીથી ભરેલી સંધ્યા શાંત ને ધીર ગંભીર ભાસી રહી.

ચ્હેરો થાકેલો અને શરીર તો પહેલાં કરતાં કેટલું ઉતરી ગયેલું? લગ્ન પછી બદલાવ તો આવે પણ આટલો બધો? થોડાજ સમયમાં પોતાના લગ્ન પણ લેવાશે તો શું પોતે પણ આમ બદલાઈ જશે? મનોમંથનને હડસેલી એણે વાત શરુ કરી :

"અરે તું તો ખોવાયજ ગઈ, લગ્ન પછી તો મને ભૂલીજ ગઈ?"

"નહીં યાર એવું નથી, બસ નવી જવાબદારીઓ સાથે સંતોલન સાધવા પ્રયાસ કરી રહી છું."

"સંધ્યા, આ ચૂલો બંધ કરવાનો છે?" બહારથી સાસુનો અવાજ ઊંચો થયો કે એ બહાર દોડી. રસોડાનો એક ચક્કર લઈ ફરીથી ઓરડામાં આવી.

"સોરી યાર જરા..." રાહ જોતી વૈદેહીને સંબોધી એ બોલી રહી.

"નોટ એટ ઑલ... આઈ અન્ડર સ્ટૅન્ડ." સંધ્યાનો ઉતરેલો ચ્હેરો નીરખી રહેલી આંખો સાથે વૈદેહી બોલી.

"તો લગ્નની તૈયારીઓ થઈ ગઈ?"

"હા ઑલમોસ્ટ. ફક્ત નવા જીવનની મૂંઝવણોમાં ઘેરાઈ રહી છું."

"હા, લગ્ન પછી તો બધુંજ બદલાઈ જાય... આપણું ઘર તે આપણુંજ ઘર... સાસરે તો ફક્ત ઔપચારિકતાઓ..." સંધ્યાનો ઉદાસ સ્વર ન કહેતા પણ ઘણું પ્રતિબિંબિત કરી રહ્યું.

વાત બદલવાના હેતુસર વૈદેહી એ નવો પ્રશ્ન પૂછ્યો :
"જોબ કેમ ચાલે છે?"
"જોબ છોડી દીધી..."
"વૉટ? જૉબ છોડી દીધી એટલે? તારા કારકિર્દી માટે અંકલ આંટી એ કેટલી મહેનત કરી છે... ને તારાં સાસરેવાળા તો ઓપન માઇન્ડેડ છે. જોબ કરવા દેશે એમ સ્પષ્ટ વાત તો થઈ હતી?"

સંધ્યા કટાક્ષમાં હસી. "હા, વાત થઈ હતી... પણ ઘરે તો મમ્મીનો પૂરેપૂરો સપોર્ટ હતો. આખો દિવસ જોબ પર હોઉં તો ઘર ના કાર્યો ની જરાએ ચિંતા નહીં. મમ્મી બધુંજ સંભાળી લેતાં. રસોઈ, ઘરની સાફસફાઈ, સામાજિક પ્રસંગોની દોડધામ બધુંજ. પપ્પાએ એક કામવાળી રાખી હતી જે મમ્મીને મદદ કરી નાંખતી. ઇટ વોઝ ઍ કમ્પ્લીટ ટીમ વર્ક... પણ અહીં તો બધું જ જાતે કરવું પડે છે... અને જો દોડધામ કરીને કારકિર્દી આગળ વધારું તો પણ બાળકના આવવાં પછી તો બધુંજ સ્માપ્ત... આમ પ્રેગ્નન્ટ..."

મા બનવાની ખુશી જાણે જીવન છૂટી જવાની ભાવનાઓ પાછળ ધકેલાઇ રહી હતી. શું એક મા બની સ્ત્રીનું પોતાનું કોઈ અંગત જીવન, અંગત સ્વપ્નો, અંગત ખુશીઓ, અંગત લક્ષ્ય ન સેવી શકે? જોબ કરવાની 'સ્વાતંત્રતા' આપતાં સાસરીવાળા માતાપિતા જેમ સાથ સહકાર ન આપી શકે? પુરુષની કારકિર્દીમાં સ્ત્રીનો સાથ સહકાર ઝંખતો સમાજ શું સ્ત્રીની કારકિર્દીમાં સાથ સહકાર ન આપી શકે?

વૈદેહીના વિચારો એનાં શ્વાસને રૂંધી રહ્યા...

સંધ્યાનાં પતિ ઓરડામાં પ્રવેશ્યા અને બંને સખીઓ ઔપચારિકતા પતાવી છૂટી પડી...

થોડા દિવસો પછી વૈદેહી પણ સંધ્યાની જેમજ પોતાના સાસરે રસોડામાં ઊભી હતી. લગ્ન, હનીમૂન અને પછી આજે વાસ્તવિક જીવનનો પહેલો દિવસ.

આજે નવી જોબનો પ્રથમ દિન. એ સૌથી પહેલાં ઊઠી ગઈ. પતિ અને સાસુ સસરા આરામથી ઊંઘી રહ્યા હતા. પણ એને તો આખા દિવસનો વ્યવસ્થિત યોજનાનુસાર સમય બદ્ધ ઉપયોગ કરવાનો હતો. ઘરના કાર્યો અને ઓફિસની જવાબદારીઓ બંને ને સમાન ન્યાય આપવાનો હતો. મમ્મીનો ચ્હેરો સામે આવ્યો ને આંખો ભીની થઈ. સંધ્યા સામે દેખાઈ અને આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો. નોકરી ન કરું તો?

"અરે આટલી જલ્દી ઊઠી ગઈ ?" સાસુનાં અવાજથી એ ચમકી. "હા, આજે તો તારી નોકરીનો પહેલો દિવસ ને?" "જી એટલેજ ......."

વૈદેહી આગળ કંઈક બોલે એ પહેલાજ એમણે ચાની તપેલી સ્ટવ પર ગોઠવી. "હું નાસ્તો ને ટિફિન કરું છું... જા તું તૈયાર થઈ જા."

વૈદેહીની આંખો દડદડ વહી રહી. એને લાગ્યું જાણે સામે મમ્મી જ ઊભાં છે. એની વહેતી આંખો જોતા એમણે સ્ટવ બંધ કર્યો.

"અહીં આવ જોઉં..." કહેતા એ વૈદેહીનો હાથ પકડી બાલ્કની ઉપર લઈ ગયા. સૂર્ય બરાબર હજી ઊગ્યો ન હતો. આખું શહેર સૂમસાન.

"હું જ્યારે લગ્ન કરી આ શહેરમાં આવી ત્યારે આંખોમાં ઘણા સપનાઓ સાથે લઈ આવી હતી. જીવનમાં ઘણું બધું કરવું હતું. ઘરની સાથે સાથે કારકિર્દી પર ધ્યાન આપવું હતું. ખૂબ સરસ કમાઈ સ્વિત્ઝર્લેન્ડ જવું એ મારું સૌથી મોટું સ્વ્પ્ન. ત્યાં જઈ આઇસ સ્કી કરવું હતું." મંદ મંદ હસતા એમણે વૈદેહીનો હાથ થપથપાવ્યો.

વૈદેહી ખૂબજ ઘ્યાનથી બધું સાંભળી રહી.

"કારમાં ફરવાની મજા તો પડે પણ સ્ટીઅરિંગ જ્યારે હાથમાં હોય એની મજા તો કંઈક ઑર !" વૈદેહી ઉદાહરણ પાછળનું મર્મ પૂરેપૂરું સમજી રહી.

"આપણો સમાજ આજે પણ આધુનિકતાને નામે પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરે તો છે પણ ફક્ત પોતાના ફાયદા પૂરતોજ. આપણે ત્યાં સ્ત્રીઓને નોકરી કરવાની છૂટ તો મળે છે પણ થાકીને આવેલા પતિ પત્નીમાંથી રસોઈ તો પત્નીનેજ કરવી પડે. જ્યારે અન્ય દેશોમાં ઘરના કાર્યો સમાન પણે વહેંચાય જાય !" નિઃસાસો નાખતાં શ્વાસ સાથે શબ્દો આગળ વધ્યા.

"ઘરનું કામકાજ, બાળકોની જવાબદારી બધુંજ સ્ત્રીને માથે. લગ્ન પછી આ બધી ફરજો વચ્ચે બધુંજ પાછળ છૂટી ગયું. સપનાઓ સપનાંઓ જ રહી ગયા અને મારું ભણતર ને ડિગ્રી એક કાગળની પસ્તી. મને નાસ્તો આપવા કે ટિફિન આપવા હાથ આગળ ન આવ્યા. જો મારી સાસુનો મમતાભર્યો સહકાર સાંપડ્યો હોત તો..." આંખોનાં ખૂણે બાઝેલું પાણી સાફ કરતા વૈદેહીના ખભે એમનાં હાથ મૂકાયા...

"ઈશ્વરે જો દીકરી આપી હોત તો એ મારું સ્વપ્ન જીવત. પણ તું પણ મારી દીકરીજને? તારા જીવનનું સ્ટીઅરિંગ તારા હાથમાં જ રહેશે... એ મારી જવાબદારી... વિ વીલ બી એ ગ્રેટ ટીમ !" એમણે વૈદેહી આગળ હાથ ધર્યો ને વૈદેહી ભીનાયેલી આંખો સાથે શેક હૅન્ડ કરી એમને ભેટી પડી.

સૂર્ય ઉપર ઊઠ્યો ને નવી સવાર આવી ઊભી.

"ચાલ હવે જલ્દીથી તૈયાર થા... હું ચા બનાવું." અને એ નવી ટીમ નવા જીવન લક્ષ્ય સામે ઝઝૂમવા ઉપડી પડી.

દસ વર્ષો પછી...

વૈદેહી અને એનાં સાસુ સ્વિટ્ઝર્લેન્ડમાં હોલીડે ઉજવી રહ્યા છે. આઈસ સ્કી શીખવામાં એક સાથે પડતાં ઊઠતાં ખીલખીલાટ હસી રહ્યાં છે. વૈદેહીને આટલા વર્ષોમાં બબ્બે પ્રોમોશન મળી ચૂક્યા છે. બે ફૂલ જેવા બાળકો જે દાદીનાં જીવનના શ્વાસ છે.

અરે, ફેસબુક પર વૈદેહીએ સાસુનો સ્કીવાળો ફોટો અપલોડ કર્યો... સૌથી પહેલી કોમેન્ટ સંધ્યા એ લખી : "ગ્રેટ ટિમ... લકી યુ..."

વૈદેહીએ તરત જ રિપ્લાઈ લખ્યો :

"યસ આઈ ઍમ :)"

આ મા દીકરીની ટિમ હજી તો સફળતાનાં ઘણા શિખર સર કરશે.


Rate this content
Log in