Shobha Mistry

Others

4  

Shobha Mistry

Others

ટીલડી

ટીલડી

3 mins
335


"બાપુ, તમે મારા માટે ટીલડીને અહીં લઈ આવ્યા ?" ટીલડીને લઈને આવેલા પોતાના બાપુને રૂપાએ પ્રશ્ન કર્યો. 

"હા, દીકરી, મને જમાઈરાજે કહ્યું કે તમે ટીલડી વગર સોરાતા હતાં. ત્યાં ટીલડી પણ રૂપા દીકરી વગર જમતી નહોતી. એટલે પછી મને થયું કે તમે બંને એકમેક વગર રહી શકતાં નથી તો હું ટીલડીને જ અહીં લઈ આવ્યો. હવે બંને શાંતિથી રહેજો." રૂપા જઈને ટીલડીને વળગી પડી. ટીલડી પણ રૂપાને જોઈ ગેલમાં આવી ગઈ અને એના શરીર સાથે પોતાનું માથું ઘસવા લાગી. થોડી વારમાં જ રૂપાનો તાવ ઓછો થઈ ગયો. એ એકીટશે સ્નેહથી ટીલડીને જોઈ રહી. એની નજર સામે પાંચ વર્ષ પહેલાંનો સમય તરવરી ઊઠ્યો. 

રૂપાને જન્મ આપીને એની મા સ્વર્ગે સીધાવી. કુટુંબીજનોના બહુ સમજાવવા છતાં મંગલભાએ બીજા લગ્ન ન કર્યા. રૂપા દાદી, મોટોભાઈ હેમલ અને બાપુના હાથમાં ઉછરવા લાગી. રૂપાળી ઢીંગલી જેવી દેખાતી રૂપા ઘરમાં અને ફળિયામાં બધાની બહુ લાડકી હતી. 

આઠમા ધોરણમાં ભણતી રૂપા એક દિવસ નિશાળથી ઘરે આવી ત્યારે એની પાછળ પાછળ એક નાની વાછડી આવી અને રૂપાના શરીર સાથે પોતાનું માથું ઘસવા લાગી. રૂપાને પણ એનું આમ શરીર ઘસવું ગમ્યું. પહેલાં તો એને એ ન સમજાયું કે એ વાછડી એની પાછળ કેવી રીતે આવી ? એટલી વારમાં રઘાકાકા મહોલ્લામાં પોતાની વાછડી શોધતા શોધતા આવી પહોંચ્યા. એ વાછડી ધણમાંથી છૂટી પડી ગઈ હતી. પછી તો એ વાછડી વારંવાર રૂપાની પાછળ આવી જતી. 

રૂપા પણ એ વાછડીની હેવાઈ થઈ ગઈ હતી. એના કાળા શરીર પર માથે સફેદ ટીલડી હતી એટલે રૂપાએ પ્રેમથી એનું નામ ટીલડી જ રાખી દીધું. પછી તો બધાએ જ એનું ટીલડી નામ સ્વીકારી લીધું. રૂપા જ્યારે એના શરીર પર હાથ ફેરવતી ત્યારે એના શરીરમાંથી જાણે કોઈ ચુંબકીય સ્રોત વહેતો હોય તેવું અનુભવતી. એને પોતાના શરીરમાં પણ સ્ફૂર્તિ લાગતી. હવે તો રઘાકાકાને પણ ખબર પડી ગઈ હતી કે ટીલડી મંગલભાના ઘરે જ હશે. 

સમય વહેતો થયો. રૂપા અને ટીલડી હારોહાર મોટા થવા લાગ્યાં. મંગલભાએ રઘાકાકા પાસેથી ટીલડીને ખરીદી લીધી. રૂપાનો નવરાશનો સમય હવે ટીલડી સાથે જ પસાર થવા લાગ્યો. ટીલડી પણ રૂપાના હાથે જ ઘાસ કે રોટલી ખાય. રૂપાને પણ એના શરીરે હાથ ફેરવતાં ફેરવતાં એને ખવડાવવું ગમતું. ટીલડીના શરીરે હાથ ફેરવતાં એ એક અજાણી ચુંબકીય અસર અનુભવતી. અઢાર વર્ષની થતાં રૂપાના લગ્ન પાસેના ગામના રૂપેશકુમાર સાથે રંગેચંગે થયા. 

રૂપાના સાસરે પાંચ છ ભેંસ અને ચાર ગાય હતી. એમને ગમાણમાં ઘાસ ખવડાવતાં એને ટીલડીની યાદ આવતી અને એની આંખે આંસુના તોરણ બંધાય જતાં. ધીમે ધીમે એની તબિયત બગડવા લાગી. એનું શરીર તાવથી ધગધગવા લાગ્યું. બેભાન અવસ્થામાં એ ટીલડી ટીલડીનું રટણ કરવા લાગી. ડોકટરે કહ્યું, "આ ટીલડી કોણ છે ? એને બોલાવો એના વગર રૂપાનો રોગ સારો નહિ થાય." રૂપેશકુમારે આ સાંભળ્યું અને એમને રૂપાની દવાની ખબર પડી ગઈ. એમણે રૂપાના ઘરે માણસ મોકલી મંગલભાને સંદેશો મોકલ્યો. સંદેશો મળતાં જ મંગલભાને પણ ટીલડીના ન જમવાનું કારણ ખબર પડી ગઈ.

રૂપાના સાસરેથી જેવો સંદેશો આવ્યો એટલે તરત જ તેઓ ટીલડીને લઈ આવી ગયા. ટીલડીને જોતાં જ રૂપાના શરીરમાં જાણે કે કોઈ ચુંબકીય પ્રવાહ વહેવા લાગ્યો હોય તેમ તે ઊભી થઈ બહાર આવી ગઈ. ટીલડીના શરીર પર હાથ ફેરવતાં જ જાણે એના શરીરમાં ઊર્જાનો સ્રાવ વહેવા લાગ્યો અને એનો તાવ ઓછો થવા લાગ્યો. એ પ્રેમથી ટીલડીને વળગીને બોલી, "ટીલડી, મારી ટીલડી." ટીલડી પણ રૂપાના શરીર સાથે પોતાનું માથું ઘસી પોતાનો આનંદ વ્યક્ત કરવા લાગી. એક પ્રાણી અને વ્યક્તિના આ ચુંબકીય સ્નેહે હાજર સૌની આંખોમાં આંસુ લાવી દીધાં. 


Rate this content
Log in