ત્રણના ગુણ એકમાં
ત્રણના ગુણ એકમાં


માલતી આજે બહુ ઉતાવળમાં તૈયાર થઇ રહી હતી, એની ચાલ પણ આજે બદલાયેલી હતી. આજે સવારથી વારે વારે એ મોબાઈલ ઉપર જોતી હતી.જોકે બધા જ એધાણ આનંદનાં હતા. માલતી એટલે હરતું ફરતું ગુલાબ જોઇલો. એના ઘટ્ટ અને શ્યામ કેશ ગુલાબ ઉપર બેઠેલા ‘ભમરા’ જેવા લાગતા હતા. હજી તો હમણાં જ એકવીસ વર્ષ પૂરાં થયાં હતાં ,પણ એતો સત્તર વર્ષની હોય એવી લાગતી હતી.
માલતીનાં કપડાંની પસંદગી એના ગોરા વર્ણને અનુરૂપ હતી. એની બહેનપણીઓ એને જોઇને કપડાં અને સેન્ડલની ખરીદી કરતી. જો એને જોયા વગર ખરીદી કરી દેતી તો હમેશાં ખુબ પસ્તાતી. એના અત્તરની પસંદગી એવી હતી કે કોઈ પણ યુવાન હૃદયને બહેકાવી નાખે એવી સુગંધ હરરોજ એના શરીરમાંથી આવતી, એ વાતની ખબર હજી સુધી એના મિત્ર વર્તુળમાં કોઈને પડી ન હતી,કે અત્તર કે યોજન ગંધા !
આજે પહેલી વાર માલતી ચાલતી થઇ હતી એના મિત્રને મળવા. આમતો ઘણીવાર મળવાનું બનતું એના મિત્ર આશિષને પણ આજે આશિષ સાથે મન ભરીને વાતો કરવાની હતી અને શાયરીઓને મૂર્તરૂપ આપવાનું હતું. ફોનમાં કાયમી મુકવામાં આવતાં ઈમોજી આજે સાક્ષાત યક્ષનું રૂપ ધારણ કરીને આવવાનાં હતા.આજે આશિષ અને એની વચ્ચે કોઈ કોપી પેસ્ટ થયેલા મેસેજ વહેતા થવાના ન હતા પણ ગરમ-ગરમ શ્વાસ એક બીજામાં ભળી જાવાના હતા.
માલતીના વિચારોની તીવ્રતા એવી હતી કે એણે આજે મળવાના સમય કરતાં વહેલી બગીચામાં આવી ગઈ. વિચારો આશિષ સિવાય બીજા કોઈ આવતા જ ન હતાં. માલતીએ ફોન બહાર કાઢીને સ્ક્રીન ચાલુ કરી ફોન ઉપર આશિષનો હસતો, રોમેન્ટિક ચહેરો દેખાયો. ફોન ડાયલ કર્યો તો થોડીજ સેકન્ડોમાં મીઠો મધ જેવો અવાજ સામેથી આવ્યો.
‘ડીયર આવું થોડીવારમાં’
માલતીને એ વાતની ખબર હતી કે એની થોડીવાર એ કેટલી વાર હશે ! એને બગીચામાં આડી અવળી નજર દોડાવી.સામેજ એક નાનો સરખો ફુવારો દેખાયો એ જોતાં-જોતાં વિચારવા લાગી કે એના અંતરમાં પણ આજે એવાજ પ્રેમના ફુવારા ઉડી રહ્યા છે. ક્યારે આશિષ આવે ને એને આ મારા લાગણીઓથી ભરેલા ફુવારાનું અત્તર છાંટી દઉં.
બાળકો માટેની નાની રેલગાડીના પાટા હતાં એને એ એકીટશે જોઈ રહી અને વિચારી રહી કે આ બે પાટા કાયમ નજીકજ રહે છે પણ કમનસીબ એટલા બધા છે કે એમનું ક્યારેય મિલન થાતું નથી. આવા વિચારોં હતી એ સમયે જ આશિષનો કોમલ સ્પર્શ એના શરીરને થયો.
અને ચાલ્યાં એક શાંત જગ્યા શોધવા. કેટલાય સ્ત્રી-પુરુષ પોતાની દુનિયામાં મસ્ત હતાં. હજી તો એમણે એક ઘટાટોપ વ્રુક્ષના છાંયે બેઠક લીધી એટલામાં એક પચાસ પંચાવન વર્ષીય માણસ આવ્યો. એમના હાથમાં એક નાનકડી લાકડી હતી. ઘણા દિવસની વધેલી દાઢી હતી.કપડાં ઘણાં સ્વચ્છ ન કહી શકાય એવાં અને એક જ રંગનાં હતાં.
એને બગીચા અંગેની સૂચનાઓ આપવાની ચાલુ કરી.અહી બેઠાં તો ભલે બેઠાં પણ નાનાં હિંચકાઓ પર બેસતાં નહી. બેસીને એક બીજાં પર ગુસ્સો કરો તો આ લોનને નુકસાન કરતાં નહી. છેવટે આશિષ ગરમ થઇ ગયો અને બોલ્યો 'અ ઈ તું છે કોણ હે !'
પેલાએ બહુ શાંતિથી જવાબ આપ્યો. 'જો ભાઈ સામે શું દેખાય છે બોલ તો ?'
આશિષ કહે : ગાંધીજીના ત્રણ વાંદરા મૂર્તિ સ્વરૂપે બેઠા છે.
આશિષ સામે થોડું ઘુરકાઈ એ પેલો મેલો-ઘેલો બોલ્યો: 'હું એ જ છું !'
આશિષ કહે એટલે ?
'એટલે કે એ ત્રણેય વાંદરાના ગુણ મારામાં ભરેલા પડ્યા છે.'
'એ કઈ રીતે ?' થોડી નિરાશા અને જીજ્ઞાસા સાથે આશિષ બોલ્યો.
પેલા એ એના પીળા પડી ગયેલા દાંત દેખાય એ રીતે બોલ્યો ; 'હું અહી હરરોજ આ લાકડી લઈને આવું છું, જે મારી નજરમાં આવી જાય એને હું અહી પ્રેમ કરવા દેતો નથી, કોઈ પ્રેમ કરે એ જોઈ શકતો નથી, કોઈ પ્રેમની વાતો કરે એ મને સાંભળવી ગમતી નથી.'
આ મુર્ખ માણસની વાતો સાંભળીને માલતી આશિષ ને એમ લાગ્યું કે આ ત્રણ વાંદરા ભાંગીને કોઈ નવો રાક્ષસ સર્જાઈ ગયો છે. બન્ને નવી દુનિયાની શોધમાં બગોચામાંથી બહાર નીકળી ગયાં.