ત્રીજો અવાજ !
ત્રીજો અવાજ !
રામપુરી ચાકુએ તેના ટપોરી અંદાજમાં હાથ–ડોકું હલાવીને બડાઈ મારી : “અબે ઓય...!! આદમીમે અપૂન સબસે ઊંડા ઘાવ કરતાં હૈ... સમજા ક્યાં ?”
“મેરેકું સમજાતા હૈ તું ? હાં ? મેરેકું સમજાતા હૈ...?” તલવારે પોતાની જાતને હવામાં વીંઝી ખુન્નસભર્યા અવાજે ગર્જી ઉઠી, અબે... અપૂન તો આદમી કો કાટ કે રખ દેતા હૈ...! પૂરા ખેલ હી ખતમ…!”
આ બંનેની મશ્કરી ઉડાડતા ત્રીજા અવાજનું ખડખડાટ હાસ્ય તેમનાં કાનમાં ગુંજી ઉઠ્યું.
“તમે બંને કેટલા ભોળા–ભગત છો ! મને તો તમે ભૂલી જ ગયા...”
“કોણ છે તું...? થોબડું બતાય તારું...!!” તલવાર તાડૂકી ઉઠી...
એક કાગળ તેમની વચ્ચે ઉડતું આવીને પડ્યું. કાગળમાં દોરેલા અક્ષરો નાચવા–કુદવા લાગ્યા ! પોતપોતાના વારા મુજબ તે બોલ્યા :
‘અમે બધા શબ્દો છીએ... એકવાર વ્યક્તિના મોંમાંથી નીકળી ગયા પછી પાછા નથી ફરતા. સામેના વ્યક્તિના કાનમાં કટુ વચનોનું ઝેર ઘોળી ઘોળીને તેના માનસમાં એવું ફેલાવી મૂકીએ છીએ, કે એ વ્યક્તિની આખી જિંદગી સુધી એ શબ્દોનું ઝેર તેના રગેરગમાં ઘૂંટાતું રહે ! અમારો ઘા ના કહેવાય અને ના સહેવાય એવો વસમો હોય છે. ભૂલવો હોય તોય ભૂલાય નહીં. તેના મોત સુધી રિબાવી રિબાવીને તેનું જીવતર કડવું કરી મૂકીએ છીએ – એ પણ લોહીનો એકપણ ટશિયો ફોડ્યા વિના...! તમારી ધાર કરતાં અમારા શબ્દો વધુ તીક્ષ્ણ છે! બોલો હવે! શું સમજ્યા ?”
સાંભળીને બંને ગરીબ ગાય જેવા થઈ ગયા. શબ્દોના ઘાથી તેમની ધારો બુઠ્ઠી પડી ગઈ ! બોદું હાસ્ય વેરીને બંને રફુચક્કર થઈ ગયા...
