સ્વપ્ન
સ્વપ્ન
સરહદ માટે જયારે જયારે લડાઈ થાય છે ત્યારે ત્યારે બીના ઘણી ઉદાસ થઈ જતી. માણસને કેટલી જગ્યાની જરૂર હોય છે ? તમે લડાઈ કરીને થોડી વધારે જમીન મેળવશો. એ તમારી જીત હોઈ શકે. પણ ખરી જીત તો લોકોના દિલ જીતી લેવાની હોય છે. થોડા ટુકડા જમીન મેળવવા માટે કેટલો બધો માનવ સંહાર થાય છે ! અને રણ મેદાનમાં મૃત્યુ પામનારને શહીદ થયા કહેવાય.
જાપાન પર જયારે એટમબોંબ નાંખવામાં આવ્યો ત્યારે કેટલાય નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. કહેવાય છે કે જાપાન રપ વર્ષ પાછળ જતું રહ્યું.
બીના આજે જ સ્કૂલમાં આ બધું ભણીને આવી હતી.
જયારે એની મમ્મી એ જમવા બોલાવી ત્યારે એને કહી દીધું, "મને ભૂખ નથી !"
બીનાના મગજમાં એક જ વાત ફરતી હતી કે શા માટે યુદ્ધ કરવામાં આવે છે ?
શું સમગ્ર વિશ્વમાં પ્રેમનું સામ્રાજ્ય ના સ્થાપી શકાય ?
બીજા દિવસે સ્કૂલે ગઈ ત્યારે પણ એ ઉદાસ હતી. એને મનમાં જે વિચારો આવતાં હતાં એ એના શિક્ષકને કહ્યા. શિક્ષકે કહ્યું, "યુદ્ધ ના થાય એ માટે શાંતિ મંત્રણાઓ અવારનવાર થાય છે. કયારેક પરિણામ આવે કયારેક ના પણ આવે. તેથી તો શાંતિ માટે નોબેલ પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે. મધર ટેરેસાને એ પ્રાપ્ત થયું છે. વિશ્વ માટે શાંતિ સ્થાપવા ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે. આપણે ઈચ્છીએ કે આ પ્રયત્નમાં સફળતા મળે.
એ રાત્રે બીના સૂઈ ગઈ ત્યારે એને સ્વપ્ન આવ્યું કે એને પણ બોંબ બનાવ્યો. એની ખાસિયત એવી હતી કે જે પ્રદેશ પર એ ફેંકવામાં આવે ત્યાંના લોકો યુદ્ધ કરવાનું ભૂલીને એકબીજાને પ્રેમ કરવા માંડે. એને બનાવેલા બોંબની દુનિયામાં માંગ વધી ગઈ.
વિશ્વમાં લોકો એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને એ વર્ષનું શાંતિનું નોબેલ પારિતોષિક જાહેર થયું ત્યારે બીનાનું નામ જાહેર થયું. બીના સ્વપ્નમાં ખૂબ ખુશ થઈ ગઈ હતી. એ તો મોટેથી બોલી ઊઠી,"આ બધા પૈસા હું ગરીબોની સેવામાં વાપરીશ."
"બીના આજે સવારની સ્કૂલ છે તારે ઊઠવું નથી ? "મમ્મીનો અવાજ સાંભળતાં જ એ ઊઠી અને મમ્મીને વળગી પડીને બોલી, " મમ્મી હું વિશ્વમાં શાંતિ સ્થાપીશ."
"બેટા, કહેવાય છે કે વહેલી સવારે આવેલું સ્વપ્ન સાચું પડે છે. તું વિશ્વમાં જરૂરથી શાંતિ સ્થાપી શકીશ અને આ પૃથ્વી પર સ્વર્ગ ઉતરશે.
