Shobha Mistry

Children Stories Inspirational

4  

Shobha Mistry

Children Stories Inspirational

સુપરમેન

સુપરમેન

2 mins
305


વિરાટ, હતો તો નાનો રાઈનો દાણો પણ બહુ તેજ. એના સપના બહુ મોટા હતા. એ ટી.વી. પર આવતી કાર્ટુન ચેનલ પર સુપરમેન સિરિયલ જોતો અને પોતે પણ 'સુપરમેન' બનવાના તરંગ લગાવતો. ઊંઘમાં પણ એ પોતે સુપરમેન હોય અને બધાને મદદ કરતો હોય તેવા જ સપના જોતો. એની મમ્મી એને ઘણું સમજાવતી, "બેટા, આ તો બધું સિરિયલમાં બને હકીકતમાં ન બને." પણ માને તો વિરાટ નહીં. 

એના જન્મદિવસ પર એના પપ્પાએ તેને સુપરમેનનો ડ્રેસ અપાવ્યો. વિરાટ તો ખુશ ખુશ થઈ ગયો. એ તો સુપરમેનનો ડ્રેસ પહેરી આંગણામાં ટેબલ પર ચડી ગયો. એની મમ્મી રસોડામાં કામ કરતી હતી અને પપ્પા ઑફિસ ગયા હતા. રસ્તા પરથી એક કૂતરો પસાર થતો હતો. બાજુવાળા હેમંતે એ કૂતરા પર પથ્થર ફેંક્યો. બિચારા કૂતરાને પગમાં ખૂબ વાગ્યું. કૂતરાને મદદ કરવા માટે થઈને એ સુપરમેનની જેમ ઊડવા ગયો. ત્યાં તો ધડામ કરતો નીચે પડ્યો. એના મોઢામાંથી "મમ્મી, મમ્મી"ની મોટી ચીસ નીકળી ગઈ.

વિરાટનો અવાજ સાંભળીને રસોડામાં કામ પડતું મૂકી "શું થયું ?" કરતી એની મમ્મી બહાર આવી. આંગણામાં ઊંધા માથે પડેલા વિરાટને એણે ઊંચકી લીધો. "અરે! આ શું થયું તને ? કેવી રીતે થયું ?" 

"મમ્મી, હેમંતે કૂતરાને પથ્થર માર્યો એટલે કૂતરાને બચાવવા માટે સુપરમેનની જેમ ઊડીને મદદ કરવા જતો હતો, તો પડી ગયો." વિરાટને બહુ વાગ્યું નહોતું એટલે એની મમ્મીએ ઘરમાં લઈ ગઈ. એના ઘા પર દવા લગાવતાં એને સમજાવવા માંડ્યું.

"અરે! બેટા. મેં તને કેટલી વખત સમજાવ્યું છે કે એવું બધું સિરિયલમાં આવે. ખરેખર એવું ન હોય. જો તારે ખરેખર મુશ્કેલીમાં ફસાયેલાને મદદ કરવી હોય તો એના માટે ખૂબ ભણવું પડે. તું ભણીગણીને મોટો પોલીસ ઈન્સપેકટર કે વકીલ બની લોકોને મદદ કરી શકશે, સમજ્યો."

"હં, મમ્મી ! એવું હોય. તો તો હું ખૂબ ભણીશ અને મોટો થઈને ખરેખર સુપરમેન બની લોકોને મદદ કરીશ."

વિરાટની વાત સાંભળી એની મમ્મીએ એને સ્નેહથી છાતીએ વળગાડી દીધો. 


Rate this content
Log in