સરોગસી - ૧
સરોગસી - ૧
રીયા આજ ખુબજ ઉદાસ હતી. તેનું મન ક્યાંય લાગતું ન હતું. રીયા જયારે પણ ઉદાસ થાય એટલે શોંપીગ કરવા ઉપડી જતી. આજે પણ રીયા બેગ અને પર્સ લઈ મોલમાં શોંપીગ કરવા ઉપડી. મોલમાં ફરતી હતી ત્યાં જ પાછળથી કોઈ એ અવાજ માર્યો "રીયા" રીયા એ પાછળ વળી જોયું તો પોતાની આંખ પર વિશ્વાસ કરી શકી નહી. સામે તેની બેસ્ટ ફ્રેન્ડ અંજલી હતી. તેને અચરજ થતું હતું કે આવી રીતે બંને મળશે. એ પણ આટલા વરસે. બંને એકબીજાના ગળે મળી. બંને બહુ ખુશ હતી. સાથે મળી બંને કોફી શોપમાં ગયા. બંને સહેલીઓ ઘણા સમયે મળી તો ખુબ વાતો કરી. રીયાએ પોતાના વિષે બધુ કહ્યું કે તેના પતિ અજીત એક કંપનીમાં મેનેજર છે અને હમણા જ મુંબઈમાં ટ્રાન્સફર થઈ છે. લગ્નનાં દસ વરસ થયા પણ બંને ને કોઈ બાળક ન હતું. ઘણી દવા કરી પણ પરિણામ ન મળતા સમય સાથે બંને સમાધાન કરી પોતાનું જીવન જીવવા લાગ્યા. અજીત આખો દિવસ ઓફિસમાં હોય રીયા એકલી કંટાળી જતી. અંજલી રીયાની વાતો સાંભળતી હતી. પણ પોતાના વિષે કંઈ ન કહ્યું. બંને એકબીજાને મોબાઈલ નંબરની આપ લે કરી બંને ફરી મળવાનું કહી છૂટા પડયા.
***
રીયા અને અંજલી નાનપણની સહેલીઓ હતી. સાથે ભણતા કોલેજ પણ સાથે કરતા. ફિલ્મો જોવા જવું હોય, પાણીપૂરી ખાવા, કે પિકનીક ગમે ત્યાં રીયાને અંજલી એકબીજા વગર કયાંય ન જતા. રીયાનાં મમ્મી એમ કહેતા કે બંને ને એક જ ઘરે પરણાવી છે. અને બધા હસી પડતાં. એકવાર કોલેજમાંથી સાપુતારા પિકનીક ગઈ હતી. રીયા ને અંજલી એ ખુબ મજા કરી. કુદરત નાં ખોળે, વાદળોની હારમાળા, આકાશને આંબીને સજાવેલા સપના બંને એ પોતપોતાના ભાવી વિષે સુંદર સપના સજાવેલા. રીયા કહે હું તો મને જે આખો દિવસ પ્રેમ કરે મને પોતાની પલકો પર બેસાડીને રાખે અને મારી બધી ઈચ્છા ઓ પૂરી કરે તેવો પતિ જોઈએ. જયારે અંજલી કહે મારે બસ જીવનનાં હર પડાવ પર તેનો સાથ હોય અને દરેક મુશ્કેલમાં મારી સાથે હોય તેવો પતિ જોઈએ. અને બંને સાથે હસવા લાગે છે. કોલેજ પૂરી થાય છે.
સમય જતા રીયાનાં લગ્ન અમદાવાદમાં રહેતા અજીત સાથે નકકી થાય છે. અજીત એક કંપનીમાં મેનેજર છે. અજીત ખુબ શાંત ને સરળ સ્વભાવનો હતો. રીયાનું ખુબ ધ્યાન રાખતો. થોડા જ સમયમાં અંજલીના પણ લગ્ન આનંદ સાથે થયા. આનંદ મુંબઈ રહેતો હતો. બંને સહેલીઓ હવે અલગ થઈ. કયારેક કયારેક ફોન પર વાત કરી લે છે. અને આજ દસ વરસ પછી અચાનક આમ મળે છે. જૂની યાદોને સાથે મળીને વાગોળે છે.
