સ્પર્ધા
સ્પર્ધા
પ્રેક્ષકોથી ખચાખચ ભરેલા ન્યુ એરા હાઈસ્કુલના મેદાનનું વાતાવરણ આજે ખૂબ જ રંગીન અને જીવંત લાગી રહ્યું હતું. કોઈપણ શાળાની જેમજ ન્યૂ એરા હાઈસ્કુલ માટે પણ રમત-ગમતનો વાર્ષિક દિવસ એટલે જાણે એક મોટો અવસર બની જતો. રેડ, બ્લુ, યેલો અને ગ્રીન એમ ચાર હાઉસમાં વિભાજીત થયેલા શાળાના તમામ વિદ્યાર્થીઓ મેદાનમાં પોતપોતાના હાઉસના યુનિફોર્મમાં સજ્જ થઈને હારબંધ ગોઠવાઈ ગયા હતા અને પોતાના સબંધિત હાઉસ ના ખેલાડીઓના જુસ્સામાં વધારો કરી રહ્યા હતા. એક પછી એક ક્રમબંધ સ્પર્ધાઓ ચાલી રહી હતી. જીત મેળવતા ખેલાડીઓ અને એમના સમર્થકોની કિકિયારીઓ અને હારેલા ખેલાડીઓ અને એમના સમર્થકોના નિરાશાજનક ઉદગારો વચ્ચે શાળાના મેદાનનું વાતાવરણ ઝોલા ખાઈ રહ્યું હતું. હવે રાહ જોવાઈ રહી હતી ધોરણ ૧૦માં ભણતા રેડ હાઉસના વિદ્યાર્થી યશ અને ગ્રીન હાઉસના વિદ્યાર્થી જય વચ્ચે રમાનારી દોડની હરીફાઈની. છેલ્લા કેટલા વર્ષથી આ બંને ગાઢ મિત્રો અને કટ્ટર પ્રતિસ્પર્ધી વચ્ચે થતી દોડની સ્પર્ધા નિહાળવી રમત-ગમતના પ્રેમી પ્રેક્ષકો માટે એક લહાવો બની જતી. માત્ર એક કે બે સેકન્ડ નો જ ફરક પડતો અંતિમ લાઈન સુધી પહોંચીને વિજયી બનવામાં, જેમાં ક્યારેય યશ તો ક્યારેક જય બેમાંથી એક બાજી મારી જતાં. બંને એકબીજાને ટક્કર મારે એવા પાવરધા ખેલાડીઓ હતા. હંમેશા સાથે જોવા મળતાં આ બે ખાસ મિત્રો જેવા સ્પર્ધાના મેદાનમાં ઉતરતાં એવા એકબીજાને ઔપચારિક શુભેચ્છા પાઠવીને છુટા પડતા અને પછી બંને એક બીજાની સામે કટર પ્રતિસ્પર્ધાના હાવભાવ સાથે બાંયો ચડાવીને ઊભા રહી જતા. પછીની થોડી ક્ષણો માટે મિત્રતા કે દોસ્તી જેવો શબ્દ એમના મનના શબ્દકોશમાંથી જાણે લોપ થઈ જતો. સ્પર્ધાની પ્રારંભથી અંતિમ પડાવ સુધી પહોંચતી વખતે એમના મનમાં અર્જુનને દેખાતી માછલીની આંખની જેમ માત્ર ફિનિશિંગ લાઈન પર પહોંચવાનો એક જ માત્ર લક્ષ્ય દેખાતો. મનમાં એકબીજા ને હંફાવીને જીત મેળવવા સિવાય જાણે બીજો કોઈ વિકલ્પ જ ન રહેતો. પોતાનું નામ જાહેર થતાંં જ યશ અને જય બીજા બે ખેલાડીઓ સહિત મેદાનમાંં ઉતરી આવ્યા.એમના મેદાનમાં આવતાની સાથે જ એમના સમર્થકોએ એમને હર્ષોલ્લાસથી વધાવી દીધા. પોતાના ચહેરા પર જીતવાના ઝનૂન સાથે બંને ગાઢ મિત્રો એકબીજાના પ્રતિસ્પર્ધી બનીને દોડની હરીફાઈ ની સ્ટાર્ટિંગ લાઈન પર આવીને ઊભા રહી ગયા.
સીટી ના અવાજ સાથે,"ગેટ સેટ ગો... થતાં જ બંને જણાએ હરણફાળ લગાવી ને છલાંગ મારી. પ્રેક્ષકોમાંં બેઠેલા આચાર્યશ્રી, તમામ શિક્ષકો,વિદ્યાર્થીઓ અને હાજર રહેલા વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા. પ્રેક્ષકોમાંથી આવતા' કમોન યશ' અને 'કમોન જય 'ના અવાજો તેમના જીતવાના ઝનૂન ને બમણો કરી રહ્યા હતા. ક્યારેક યશ એક ડગલું આગળ તો ક્યારેક જય. સ્પર્ધા ની કટોકટી ચરમસીમા પર હતી. અંતિમ પડાવ પર પહોંચવાની તૈયારી જ હતી અને યશ માત્ર બે ડગલા જયથી આગળ હતો.. સ્પર્ધાની રસાકસીમાં ઓતપ્રોત થયેલા પ્રેક્ષકોની એકાગ્રતામાં ખલેલ પાડતી એક કારમી ચીસથી મેદાનમાં સન્નાટો છવાઈ ગયો. બધાંની આંખો પહોળી થઈ ગઈ. ખૂબ જ ઝડપથી દોડવાને કારણે યશના પગમાં મોચ આવી ગઈ અને એના મોંમાંથી ચીસ નીકળી ગઈ અને એ જોરથી જમીન પર પટકાઈ ગયો. તકનો લાભ ઉઠાવતો જય સહેજ પણ વિચલિત થયા વિના પોતાના ગાઢ મિત્રના મુખ માંથી નીકળેલી વેદનાભરી ચીસને અવગણતા તેજીથી જઈને, જેવો ફિનિશિંગ લાઈન ને પાર કરી ગયો તેવા જ બધા પ્રેક્ષકો એ પોતાના સ્થાનથી ઊભા થઈને એને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. એના ચહેરા પર જીતનો આનંંદ સમાતો ન હતો. એના પક્ષીય અન્ય વિદ્યાર્થીઓ ઉલ્લાસ માં આવીને મેદાનમાં ધસી આવ્યા અને એને શુભેચ્છાઓ પાઠવવા માંડ્યા. બીજી તરફ યશના ચિંતિત સમર્થકો પોતાના હાઉસના હીરોને જમીન પર પડતા જોઈનેે મેદાનમાંં દોડી અને એને પ્રાથમિક સારવાર આપવાની તૈયારીમાંં લાગી ગયા. સમગ્ર મેદાનમાં જીત અને હારની મિશ્ર પ્રતિક્રિયા નું વાતાવરણ સર્જાઈ ગયું. પ્રેક્ષકોમાં બેઠેલા આચાર્ય મહોદય એ પણ દૂરથી પોતાની ખુરશી પર બેસીને જ માઈક પર જય ને શુભેચ્છા પાઠવી. વર્ષોથી શાળામાં આચાર્યના પદ પર રહેલા શ્રીમતી પાઠક નિવૃત્તિને આરે હતા અને આચાર્યના પદ પર બેસીને વાર્ષિક રમતોત્સવ નિહાળવાનો આ એમનો અંતિમ અવસર હતો. શાળાના દરેક વિદ્યાર્થીથીઓની સંવેદનાઓ સાથે જોડાયેલા એમના લાગણીસભર મનમાં એ રમતગમતનું મેદાન જાણે પડદા પર ફિલ્મ ચાલી રહી હોય એવું અનુભવવા માંડ્યું અને ફ્લશબેક મા જઈને એક પછી એક ભૂતકાળના દ્રશ્ય એની નજર સમક્ષ ફરવા માંડયા. વર્ષો પહેલાં પણ આજ રમતગમતના મેદાનમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો. એમને હજી યાદ છે, કેજીમાં ભણતા નાનકડા ખાસ મિત્રો યશ અને જય એ વખતે પોતાના જીવનની પહેલી સ્પર્ધા રમી રહ્યા હતા. આજ રીતે દોડતા દોડતા યશ નીચે પડી ગયો હતો અને એને ઘૂંટણમાંં વાગ્યું હોવાથી જોરથી રડવા માંડ્યો હતો. જય પોતાના મિત્રને રડતો જોઈને ઊભો રહી ગયો હતો. એ બાળકને ક્યાં હારજીતની પડી હતી એને તો માત્ર એના મિત્ર સાથે કદમથી કદમ મિલાવીને રમતનો નિર્દોષ આનંદ ઉઠાવો હતો..એણે ફટાફટ યશ ને પોતાનો હાથ આપ્યો અને ઊભો કર્યો અને પછી બંને મિત્રો હાથ પકડીને સાથેે દોડ્યા અને અંતિમ પડાવ પાર કરી ગયા. આખા મેદાનમાં હાસ્ય નું મોજું ફરી વળ્યું હતું અને બધાએ એમને તાળીના ગડગડાટથી વધાવી દીધા હતા. બંનેને પહેલું ઈનામ મળ્યું અને બંને ના ચહેરા પર એક જ સરખો આનંંદ હતો. આચાર્યશ્રી વિચારી રહ્યા, કેે આપણે જીવનમાં દોડની શરૂઆત તો આ રીતે જ કરીએ છીએ પણ પછી કોણ જાણે કેવી રીતે આપણે હોડમાં પ્રખર રહેવા માટે બીજાને હંફાવીને ,એમની વેદનાઓને અવગણીને પણ આગળ નીકળી જઈએ છીએ. અને આ જ માનસિકતા શાળાના મેદાનની બહાર પણ જીવનની દરેક હરીફાઈમાં લાગુ પડી જાય છે. જીવનમાં જીતવું એટલે શું માત્ર બીજાને હરાવી ભીડથી આગળ રહેવુંં કે પછી ભીડથી ઉપર ઊઠીને બીજાને પણ ઊઠવામાંં મદદ કરવી ?
મનમાંં અનાયાસે જ ઉઠેલા આ પ્રશ્નનો જવાબ વર્ષોના અનુભવી પીઢ આચાર્ય પાસે પણ ન હતો.
