Dina Vachharajani

Others

4.5  

Dina Vachharajani

Others

સંકેત

સંકેત

3 mins
243


"બેટા, મને તારામાં ભરોસો તો છે. પણ આપણે સ્ત્રીની જાત. એકવાર છંડાઇએ પછી લોકોને ફેંદતા વાર ન લાગે ને તું તો તારા ભાઈ -ભાભી પાસે શહેરમાં છું. જો એમનું દિલ દુભાય એવું ન કરવું -મર્યાદા માં જ રહેવું. . . . . 'માં આ લખતી હતી!!? એ પણ? ને જાણે એ શબ્દોની ભૂરી શાહી વાદળ બની નિરજાની આંખમાં ઉભરાઇ. એની ધૂંધળી નજર દૂર ભૂતકાળમાં તાકી રહી. . .

એક નાનાં શા ગામની ઓસરીમાં તોરણ બંધાણા છે. ઢોલ ઢમકે છે. ને વીસ વર્ષ ની, હજી હમણાં સુધી સખીઓ સાથે કોલજની અલ્લડ જિંદગી જીવતી નિરજા નાં લગ્ન લેવાય છે. બાજુનાં જ શહેરમાં એક મોભાદાર કુટુંબ મળ્યું છે. પોતાના બધા સપના. . આશાઓ પાનેતરનાં પાલવમાં સમેટી નિરજા સાસરે આવી. પણ થોડા જ સમયમાં જીવનનું વરવું સ્વરૂપ વાસ્તવિક બની એની સામે ઊભું રહ્યું. એની સાથે વિશ્વાસઘાત થયો હતો. એનો પતિ 'માણસમાં 'જ નહોતો. . નકારી ન શકાય એવું કારણ હોવાથી મા-બાપ એ હિંમત કરી ને એના છૂટાછેડા થઇ ગયાં . જીવનનાં આ સિમિત અનુભવે એની આંતરચેતનાનાં ફલકની સીમા વિસ્તૃત કરી દીધી. એણે MBA કર્યુ. . ખૂબ વાંચ્યું. . વિચાર્યું ને ભાઇ ને ત્યાં શહેરમાં રહી કોરપોરેટ જોબની સીડી પણ સર કરતી રહી. હવે એની આધ્યાત્મિક ને આર્થિક ક્ષિતીજ વિસ્તરી રહી હતી પણ હજી સંબંધના કોઈ સંકુચિત ઢાંચામાં બંધાવા એનું મન તૈયાર ન હતું.

ત્યાં હવાની લહેરખી ની જેમ નિરવ એના જીવનમાં આવ્યો. બંને એક જ ઓફિસમાં કામ કરતાં. એક બીજાને ખૂબ સારી રીતે સમજતા. હવે તો ઓફિસ બહારના કામમાં પણ એકમેકને સહાયરૂપ થતાં. ખૂબ બધું વાંચેલું શેર કરતાં. . એકમેકના જીવનની સમસ્યાઓ પણ શેર કરતાં. પણ નિરજા પોતાની લાગણી બાબતે પહેલેથી જ સ્પષ્ટ હતી. એને તો ફક્ત નિર્ભેળ મિત્રતા જ જોઇતી હતી. નિરવ પણ એની લાગણી સમજી એનું માન રાખતો. પણ દુનિયા એમ ક્યાં સમજે? ઓફિસમાં લોકોની અર્થસભર નજરોથી એ અકળાઈ જતી. બહાર ક્યાંય સાથે જતાં તો પણ અનેક નજરોનો સામનો કરવો પડતો. અહીં સુધી તો એનું મન મજબૂત હતું. પણ હવે તો ભાઇ-ભાભી પણ ટોણાં મારતાં . 'માં' ના કાન પણ એમણે જ ભર્યા હશે? એટલે આજે 'માં 'પણ આવું લખે છે!! ઉપરથી કડક લાગતા એના મનમાં જાણે અસંખ્ય સળ પડી ગઈ. બસ હવે નિરવ સાથે વાત જ નહીં કરું. . . . એટલે બધાને શાંતિ. . . .

નિરવની ઉપેક્ષા કરતાં આજે ચાર દિવસ વીત્યા. નિરજા જાણે સાવ એકલી થઈ ગઇ. પોતાની માન્યતાથી વિરુધ્ધનું વર્તન કરતાં એ હતાશ હતી. એને થતું, ક્યાંકથી કોઇ ઉકેલ મળે તો કેવું સારું? ત્યાં અચાનક એની નજર પડી ઘરનાં શોકેઇસ માં રાખેલ ગાંધીજી ના ત્રણ વાંદરા પર. . એને લાગ્યું જાણે એ કંઈક કહી રહ્યાં છે. . . . અને એમનો સંકેત સમજાતાં જ એ હળવી થઈ ગઈ. . . . . એ જાણે કહેતાં હતાં. . . લોકોની નજર ખોટું ને બૂરું જુએ છે. એમનું મોંઢુ ન બોલવાના વેણ બોલે છે. . . બંધ કરવા દે એમને એમના આંખ ને મોઢાં. . . પણ એમના એવા શબ્દો ન સાંભળતા તું બંધ કરી દે તારા કાન.

બીજી જ ક્ષણે એ નિરવનો નંબર ડાયલ કરતી હતી !


Rate this content
Log in