Mittal Purohit

Others

1.6  

Mittal Purohit

Others

'સંઘર્ષ માટે '

'સંઘર્ષ માટે '

4 mins
14K


"એકલતા સાથે સંઘર્ષ"

"સાંજના છ થવા આવ્યા,ફરી એક અંધારી રાત. ટીવી,ડીવીડી કે રેડિયો આ બધું હોવા છતાં એકાંત આ રાત કરતાં ય વધુ તીક્ષ્ણ હતું. એક નિસાસો નાંખી મીરાં એ રેડિયો ઓન કર્યો, આ એકલતા સાથે રોજ લડીને એ હવે ખૂબ થાકી ગઈ હતી. ઘરની બાલ્કનીમાં રાખેલી આરામ ખુરશી અને રેડિયો બસ આ બે જ તો એના સાથી. આ જીવનની નીરસતા અને એકલતાનો થાક તેના શરીર ઉપર પણ હવે દેખાવા લાગ્યો હતો. આંખો બંધ કરીને એણે ઉંઘવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો ત્યાં જ રેડિયોમાં વાગતાં ગીતાના શબ્દો એ તેના વિચારો ઉપર જોરદાર પ્રહાર કર્યો,

'જિંદગી કે સફર મે જો ગુજરાતે મુકામ વો ફિર નહિ આતે હૈ'

એક ઊંડો નિસાસો તેનાથી નીકળી ગયો. પોતાના જીવનની સફરમાં એણે સજાવેલા સ્વપ્નો ફક્ત સ્વપ્ન જ બની રહ્યા અને સુવર્ણકાળ હાથમાંથી સરકી ગયો. આવું કેમ થતું હશે ? જે આપણું હોય એ જ કેમ છોડીને ચાલ્યું જાય ? મીરાં ભુતકાળમાં ખોવાઈ ગઈ.

'મોહન, મારું સાંભળતો ખરા, કોઈપણ નિર્ણય લેતાં પહેલાં આપણા બે માસુમ બાળકોનો તો વિચાર કરો ! તમે આમ મને, બાળકોને કે બા-બાપુજીને છોડીને કઈ રીતે જઈ શકો ?'

'જો મીરાં... હું જે કરી રહ્યો છું એમાં આપણા બધાનું જ ભલું છે. તને શું લાગે છે કે હું તમને બધાંને છોડીને જાઉં તો ખુશ છું ? ના મીરુ, પણ આપણા બાળકોના સુવર્ણ ભવિષ્ય માટે જ મેં આ નિર્ણય લીધો છે, બસ આ પાંચ વર્ષ ! પછી તો આપણે અને બા-બાપુજી ,બધાય સુખી. તું જાણે છે કે, મારી નોકરી છુટી ગઈ છે અને કોઈ ધંધા માટે પૈસા આપવા પણ તૈયાર નથી, તો આ એક તક મળી ભવિષ્ય સુધારવા તો તું સમજતી કેમ નથી ?'

'હું સમજું છું બધું જ મોહન, આપણે સાથે મળીને કોઈ ઉપાય શોધીશું, સાથે હોઈશું તો દરેક મુશ્કેલીઓનો સામનો કરીશું. મારી વાત માની જા.

'બસ મીરાં હું જાઉં છું એ નક્કી જ છે, તું સ્વીકારી લે. અને મને જવા દે'.

અને એ મક્કમ ડગલાં ઘરની બહાર સડસડાટ નીકળી ગયા. મીરાં  સ્તબ્ધ બની બસ એ પડછાયાને જોતી જ રહી. દસ વરસની બંસરી અને સાત વરસના કેશવને હવે મીરાં એ જ સાચવવાના હતાં અને સાસુ-સસરાની સેવા પણ.

દિવસો, મહિનાઓ અને ધીમે-ધીમે વરસો પણ પસાર થવા લાગ્યા. મોહન વિદેશમાં ખૂબ પૈસા કમાવા લાગ્યો અને પૈસા મોકલ્યા પણ જેનાથી મીરાં એ બાળકોના અભ્યાસ અને ઘરવખરીમાં પણ ભવ્યતા કરી. સાસુ-સસરાની સેવા ખૂબ ભાવથી કરી. જમાના પ્રમાણે બંગલો લીધો, બધી સુવિધાઓથી ઘર ભર્યુ.અને આ બધાંની સેવા એ જ મીરાંનો નિત્યક્રમ બની ગયો. આમ પણ એના માટે એનું હતું કોણ ?

એક પછી એક પસાર થતાં વરસો ક્યારે એની લાગણીઓને ઓગાળતા ગયા એનો એને ખ્યાલ જ ના રહ્યો. પરિવારનું સુખ અને બાળકોના સ્વપ્નોને રંગીન બનાવવામાં એના કાળા લાંબા વાળ ક્યારે સફેદ બન્યા એ ધ્યાન જ ન રહ્યું. જ્યારે પણ કોઈ યુગલને હાથમાં હાથ રાખી ફરતાં જોતી ત્યારે એના હાથની આંગળીઓ નો ખાલીપો સરવરી ઉઠતો જેને એ આંખોમાં છુપાયેલા આંસુથી ભરી લેતી.

મોહનના ફોન નિયમિત આવતા, બધાયની ખબર પૂછતો,મા-બાપ સાથે બધી વાતો કરતો, દીકરી અને દીકરાને શું-શું જોઈએ એ પણ પૂછતો અને મીરાંને બસ એટલું જ કે, 'બોલ કેટલા પૈસા મોકલુ ? મમ્મી-પપ્પા માટે આ લાવજે બાળકોના માટે તે લાવજે, જે જરુર હોય તે બોલ' ..અને મીરાં અકળાઇ ઉઠતી, "તેને થતું કે કહી દઉં કે, પાછા આવી જાઓ, આ પૈસા મારી એકલતા દૂર નથી કરી શકતા'.પણ મોહન એને ક્યાં પૂછતો કે તારે શું જોઈએ ?

હવે તો વરસો પણ ઉંમરલાયક થવા લાગ્યા, દીકરી બંસરીના લગ્ન લેવાયા. મીરાં એ એકલી જ બધી તૈયારીઓ કરી, મોહને ત્યાંથી જ આશીર્વાદ આપ્યા. મોહન સાથે ન હોવાથી બાળકો પાછળ એકલી જીવતી માતાને કન્યાદાન પણ નસીબ ના થયું, દીકરીની વિદાય પછી ખાલીપો વધુ ધારદાર બન્યો, સમય જતાં સાસુ-સસરા પણ સ્વર્ગ સિધાવ્યા. મોહને કેશવને પણ ત્યાં પોતાની પાસે બોલાવી લીધો..

હવે તો આ મોટી હવેલીમાં રહે છે ફક્ત મીરાં અને તેની એકલતા. હવે તો મોહન આવે તો પણ મીરાં શરીર, મન અને ઇચ્છાઓથી બિલકુલ વૃધ્ધ થઈ ચુકી છે. દીકરીને ત્યાં પણ ૫-૫  વરસના બે સંતાનો આવી ગયા પણ, મોહન ના પાંચ વરસ હજુય પૂરા થતા નથી. ખબર નહિ ત્યાં કોઈ રાધા મળી ગઈ કે હજુ વધુ પૈસા નો મોહ...

"બેન ! હું જાઉં છું જમી લેજો " શબ્દો કાનમાં અથડાતાં જ મીરાં વર્તમાનમાં આવી. ઘરનાં નોકરો પણ હવે ઘરે રાહ જોતાં પરિવાર પાસે ગયાં. મીરાંની ઈચ્છાઓની ભૂખ (અધૂરપ) મરી ચુકી હતી એમ પેટની ભૂખ પણ ઠરી ચુકી હતી. થાળી પાછી ઢાંકીને મીરાં ફરી આંખો બંધ કરી આંસુ ઓને રોકવાનો પ્રયત્ન કરતી 'એકલતા સાથેના સંઘર્ષ 'માં ઝઝૂમવા લાગી. ફરી ગીતના અંતિમ શબ્દો એ મનોમન ગાવા લાગી...

'જિંદગી કે સફર મે જો ગુજરાતે મુકામ વો ફિર નહિ આતે હૈ...'


Rate this content
Log in