સમય
સમય
સમય શાશ્વત છે. એ સતત ચાલ્યો જાય છે. એની ગતિ તો એકધારી છે. પણ કયારેક આપણને લાગે છે એ ઝડપથી સરકી રહ્યો છે. તો કયારેક એની ગતિ મંદ પડી ગઈ હોય એવું લાગે છે. એ તો સર્વ વિશેષણોથી પર છે. એને કોઈ વિશેષણ લાગતું નથી છતાં આપણે એને સારો કે ખરાબ કહીએ છીએ. એ પક્ષાપક્ષીથી પર છે. જગતમાં જે ઘટના બને છે એ બાબતે સમયને કોઈ લેવા-દેવા નથી. તો પણ કોઈ ઘટના બાબતે આપણે એના પર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ. સમય જ એવો છે શું કરીએ? અત્યારે ખરાબ સમય ચાલી રહયો છે. કેવો સમય આવ્યો છે વગેરે વગેરે.
સમય બળવાન પણ નથી અને નિર્બળ પણ નથી. સામર્થ્ય તો મનુષ્યનું લક્ષણ છે. છતાં આપણે કહીએ છીએ સમય સમય બળવાન નહી મનુષ્ય બળવાન.
સમય કયારેય કોઈના પર વાર નથી કરતો. એને કોઈના સાથે દુશ્મની નથી ન દોસ્તી. સમયના વારથી કોઈ મરતું નથી. સમય વૈદ પણ નથી કે પડેલા ધા રુઝાવી શકે. સમય પાસે વિસ્મૃતિની કોઈ દવા નથી કે ગમે તેવા આઘાતને ભૂલાવી શકે.
ગ્રહોની ચાલ પ્રમાણે સમય બદલાતો પણ નથી. સમય કોઈ પણની અસરથી અલિપ્ત છે. સમયના કોઈ ભાગ એટલે કે સમયગાળો નથી એ તો એકધારો છે. સતત છે. એકલપંથી છે. એને કોઈ સહપ્રવાસી નથી.
સમય ગોળ કે લંબગોળ નથી એને કોઈ આકાર નથી. સમય રંગહીન છે એને રંગ નથી. સમય અજય છે હજારો અશ્વમેધ યજ્ઞ કરવા છતાં જીતી શકાતો નથી.
સમય કોઈ ખેલાડી નથી કે આપણે એના પ્યાદાં પણ નથી. સમય સમ્રાટ નથી, તો કોઈનો ગુલામ પણ નથી. શુભતા કે અશુભતાથી પર છે. એ કોઈના વિચારોથી પ્રભાવિત થતો નથી કે કોઈને પ્રભાવિત કરતો નથી. તે કોઈ પ્રવાહ નથી કે એની ઝડપમાં વધધટ થાય.
સમયને ધડિયાળમાં કેદ કરી શકાતો નથી. એ કયારેય પુરો થતો નથી તોય કહીએ છીએ એમનો સમય પુરો થયો. એ ખૂટતો નથી તોય કહીએ છીએ સમય ખુટ્યો. એ વીતતો નથી કે આવતો નથી.
સમય શું છે ?ગીતામાં બતાવેલાં કોઈ સ્થિતપ્રજ્ઞ જેવો છે કે પછી. . . . . .
સમય આખરે છે શું?