Nayanaben Shah

Children Stories

4.8  

Nayanaben Shah

Children Stories

સિનોર

સિનોર

2 mins
601


વારંવાર જવું ગમે એવા સ્થાનની વાત આવે એટલે માનસપટ પર પહેલું નામ આવે સિનોર. વડોદરાથી માત્ર ૬૦ કિ.મી. ના અંતરે આવેલું મારા મોસાળનું ગામ. 


જયારે ભગવાન પાસે ઘણો સમય હશે ત્યારે નવરાશની પળે બનાવેલું ગામ એટલે જ સિનોર. નર્મદા નદીને કિનારે વસેલું ગામ. ત્યાં ના મકાનોની અદભૂત કોતરણી. અસલ મલબારી સાગના લાકડાંથી બનેલી હવેલીઓ.  નદી કિનારે જવા માટે ગામમાંથી નીચે લગભગ ૨૦૦ પગથિયાં ઊતરી એ એટલે નદી આવે.


શરુઆતમાં તો કમરે ડબ્બો બાંધીને તરતા. પછી તો તરતા આવડી ગયું. તેથી સવાર સાંજ નદીએ નહાવા જતુ રહેવાનું. પગથિયા ચઢતાં વચ્ચે હનુમાનજીનું મંદિર, ગણેશજીનું મંદિર તથા મહાદેવનું મંદિર આવે. ત્યાં દર્શન કરી થોડા ઊપર જઈએ ત્યાં પીપળો આવે એમાં નર્મદાજળ રેડવાનો વણલખ્યો અમારે નિયમ થઈ ગયેલો. કેાણ જલદીથી પગથિયાં ચઢી જાય છે એની પણ શરત લાગે. પાણીના હોજમાં નહાવા કરતાં નદીમાં નહાવાની મઝા જ કંઈક જુદી હોય.


બપોરે તો કોઈને ઊંઘ આવે નહિ. બધા ભેગા થઈને રમતો રમ્યા કરીએ. થોડીવાર નિશાળમાં આવેલા પુસ્તકાલયમાં જઈ પુસ્તકોપણ વાંચીએ. કયારેક ૪ કિ.મી દૂર આવેલા માલસર ગામમાં આંબાવાડીના રસ્તે જઈએ.  ઘરમાં તો ઘણી કેરીઓ હોવા છતાં ત્યાં પથ્થર મારીને કેરી પાડવાની અને એ કેરીઓ ખાવાની, એમાં અમને ખૂબ આનંદ મળતો. ત્યાં પણ નર્મદાજી એટલે કપડાં લઇને જવાનું નહાવાથી ચાલવાનો થાક પણ ઊતરી જાય. શહેરમાં એરકન્ડિશનમાં સૂઈ જવું પડે પણ ત્યાં તેા અગાસીમાં જઈને વહેલા પથારી પાથરી દેવાની. સૂતી વખતે પથારી એકદમ ઠંડી થઈ જાય. રાત્રે ઠંડો પવન આવે એ તો એરકન્ડિશનના પવન કરતાં ઘણોજ સારો કારણ કે એ કુદરતી હોય. રાત્રે તારા અને ચંદ્રમાંના દર્શન કરતાં કયાં સવાર પડી જાય એજ ખબર ના પડે. સવારે કુકડાના અને કોયલ ના અવાજથી જ સવાર પડે. 


કયારેક ૧ કિ.મી દૂર ભંડારેસ્વર જઈ ત્યાં જતાં રસ્તામાં ઝૂલતો પુલ આવે ત્યાં ઊભા રહીને પુલ હલાવવાની મઝાનું તેા વર્ણન થઇજ ના શકે. કયારેક તો લગભગ બારબાર ફૂટ લાંબા મગરો નદી કિનારે સૂતા હોય. ત્યાં તમે ગમે તેટલું ચાલો તો પણ થાકજ ના લાગે. બપોર પછી નાવમાં બેસી સામે પાર સિસોદરા જઈએ ત્યાં તો ઠગુપાણી હોય ત્યાં પણ નહાવાની મઝા આવે. 

આવા સ્થાને વારંવાર જવું કોને ના ગમે ? જરૂર જવું ગમે.


Rate this content
Log in