સિકંદર અને સંન્યાસી
સિકંદર અને સંન્યાસી
સિકંદર જ્યારે વિશ્ર્વવિજેતા બનવા નીકળી પડ્યો હતો. એ વખતે તેના લશ્કર સાથે ભારતના એક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે તેણે એક સંન્યાસી જોયો. તે સંન્યાસી વૃક્ષના છાંયડે આડો પડ્યો હતો અને આંખો મીંચીને સૂતા-સૂતા કશુંક બોલી રહ્યો હતો.
સિકંદરે તેના કાફલાને રોક્યો અને તેણે દુભાષિયાની મદદથી તે સંન્યાસીને પૂછ્યું 'તમે કોણ છો ?'
તે સંન્યાસીએ કહ્યું કે ‘હું કોઈ નથી.’
સિકંદરને આશ્ચર્ય થયું કે ‘આ માણસ કોઈ નથી’ એટલે શું ? દરેક માણસ કશુંક તો હોય જ ને ! તેણે ફરી પૂછ્યું, ‘તમારું નામ શું છે ?’
સંન્યાસીએ કહ્યું, ‘મારું કોઈ નામ નથી, મારું કોઈ શરીર નથી, મારી કોઈ ઈચ્છા નથી. મારી કોઈ ઝંખના નથી. હું પ્રકૃતિનો એક હિસ્સો છું.’
પછી તેણે દુભાષિયાને પૂછ્યું કે ‘આ કોણ છે ?’
દુભાષિયાએ કહ્યું કે ‘તેઓ એલેકઝાન્ડર ધ ગ્રેટ છે, સિકંદર. તેમણે અડધી દુનિયા જીતી લીધી છે અને આખી દુનિયા જીતીને તેઓ મહાન બનવા ઈચ્છે છે.’
તે સંન્યાસીએ સિકંદરને પૂછ્યું, ‘મહાનથી પણ મહાન બનવાનું વિચાર ભાઈ !’
સિકંદરે આશ્ર્ચર્યચકિત બનીને પૂછ્યું ‘મહાનથી પણ મહાન કોણ હોય ?’
સંન્યાસીએ કહ્યું, ‘મહાનથી મહાન એ હોય જે કોઈનાથી પણ ડરે નહીં. તમે ડરો છો કોઈથી ?’
સિકંદરે કહ્યું, ‘મને ડરાવી શકે એવો કોઈ માણસ આ દુનિયામાં પાક્યો નથી.’
એ વખતે તે સંન્યાસીની બાજુમાં પથ્થરોનો કામચલાઉ ચૂલો કરીને તેનો કોઈ શિષ્ય કશુંક પકાવી રહ્યો હતો. સંન્યાસીએ એ ચૂલામાંથી એક સળગતું લાકડું ઉઠાવ્યું. અને તે સિકંદર તરફ ધસી ગયો. તરત જ સિકંદરના સૈનિકો વચ્ચે પડ્યા.
સંન્યાસીએ કહ્યું કે ‘તારો સમ્રાટ કોઈનાથી ડરતો નથી. તો આ અમસ્તા બળતા લાકડાથી કેમ ગભરાઈ રહ્યો છે !’
સિકંદરે કહ્યું, ‘સળગતાં લાકડાંથી તો કોઈને પણ ડર લાગે જ ને !’
સંન્યાસીએ કહ્યું, ‘તો તું ભીરુ માણસ છે!’ એટલું કહીને તે સળગતાં લાકડાંથી પોતાનો હાથ બાળવા લાગ્યો!
સિકંદરને કમકમાટી આવી ગઈ તેણે બૂમ પાડી, ‘અરે આ શું કરી રહ્યા છો ?' તેણે આદેશ આપ્યો એટલે તેના સૈનિકોએ તે સંન્યાસીના હાથમાંથી સળગતું લાકડું ઝૂંટવી લીધું અને દૂર ફેંકી દીધું.’
સાધુએ સિકંદરને કહ્યું કે ‘તેં જે યુદ્ધો કર્યા છે તે યુદ્ધોથી ઘણું મોટું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. અને એ યુદ્ધભૂમિમાં સૌથી મહાન યોદ્ધા અર્જુનના સારથિ બનેલા કૃષ્ણએ અંતિમ સત્ય કહ્યું હતું કે આત્માને શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ સૂકવી શકતો નથી. આત્મા અજય છે.’
સિકંદરે કહ્યું, ‘તો આત્મા ક્યાં છે ?’
સાધુએ કહ્યું કે ‘એ તારામાં છે, મારામાં છે, તારા આ દરેક આ સૈનિકમાં છે, આ વૃક્ષમાં છે, એના પાંદડામાં છે, આ ધૂળના દરેકેદરેક કણમાં છે.’
નાની-નાની વાતે લડવા નીકળી પડતા લોકોને જોઈને આ વાત યાદ આવતી રહે છે. આપણે આત્માને ભૂલ્યા વિના માત્ર આપણા શરીરને, આપણા હું’ને કેટલું બધું મહત્ત્વ આપીને આખી જિંદગી બોજ સાથે જીવતા રહીએ છીએ !
