શ્વેત-શ્યામ
શ્વેત-શ્યામ


“ગંગા- જેવું નામ એવું જ રુપ હોં! મારી વહુ હીરો છે હીરો.”
કંચન પોરસાઈ પોરસાઇને ઓટલા પરિષદમાં પચ્ચીસ દિવસ પહેલાં પરણાવેલા દિકરા મનોજની વહુ ગંગાના બે મોઢે વખાણ કરતાં થાકતી નહીં.
“અલી કંચી, તું તો એમ વખાણ કરે છે કે જાણે અમારે તો ઘેર ઠીબડું પરણીને આવ્યું હોય.”
કંચન પોતાને કાબુમાં કરતાં સહેજ મલકાઇને કહેતી,
“મેં ક્યાં બીજાની વહુઆરુને ઠીબડું કીધું!”
અને ઓટલા પરિષદ સમાપ્ત થતી.
સાસુ-વરને ગરમ રોટલે જમાડતી ગંગાના ઝાંઝરની ઝીણી ઘુઘરીના રણકારથી ઘર સૂરીલું બની જતું.
મનોજ તો દિવસ રાત ગંગા પાસે હોય ત્યારે એના સંગમાં ઓતપ્રોત અને પાસે ન હોય ત્યારે એના જ વિચારોમાં ખોવાયેલો રહેતો.
પડોશની વાલીમાસી તો મ્હેણું ય મારી લેતી,
“લ્યા ભારે વહુઘેલો થઈ ગ્યો છે ને કાંઈ!”
મનોજ શરમાઇને પસાર થઈ જતો.
છ મહિના તો ક્યાં ચપટી વગાડતાં પસાર થઈ ગયા તે કંચનના પરિવારને ખબર જ ન પડી.
એ દિવસે પણ રોજની જેમ ગંગા વહેલી ઉઠી. રોજિંદો નિત્યક્રમ પતાવીને સુઘડ તૈયાર થઇને દર્પણની સામે સેંથી પૂરવા ઉભી રહી. પોતાને જોઇને સહેજ મલકી જવાયું. સૂતેલા મનોજને જોઇને સ્વગત્ બોલી પડાયું,
“આ મારો પાગલ પ્રિયતમ રોજ કહે કે,
ગંગા તું દર્પણની સામે ન ઊભી રહે. દર્પણની નજર તને લાગી જશે.
ધત્ એમ થોડી હોય!”
અને સિંદૂરની સરસ ડબ્બીમાંથી ચપટી ભરીને સિંદૂર જ્યાં સેંથીમાં પૂરવા જાય ત્યાં કપાળના એક છેડે સહેજ ડાઘ જેવું દેખાયું.
“આ શું?”
જરા ઘસી ઘસીને સાફ કરવાનો પ્રયાસ કર્યો પણ સ્પષ્ટ થયેલો સફેદ ડાઘ ગંગાને થરથરાવી ગયો.
“આ શું હશે? ક્યાંક...!”
તરત મનોજને હલબલાવી નાખ્યો.
“એય ઉઠો તો!”
મનોજ ગંગાની સુગંધમાં તરબતર થતો માંડ ઉઠ્યો.
ગંગાએ સહેજ અસ્વસ્થતાથી મનોજને હલાવીને કહ્યું,
“અરે, જાગો તો ખરા!”
મનોજ રોજની જેમ હળવા મુડમાં હતો.
“બોલ મારી ગંગારાણી, આજ કેમ આમ ધાડ પાડતી હોય એમ જગાડ્યો? દિલ પર તો ધાડ પાડી દીધી. હવે શું જોઇએ છે?”
આજ પહેલી વાર ગંગાને કંટાળો આવ્યો.
પણ એ મનોજ સ્વસ્થ જાગે એની રાહ જોઈ રહી.
મનોજ મોઢું ધોઇને બહાર આવ્યો.
“બોલ વ્હાલી, શું છે? કેમ જરા ગભરાયેલી લાગે છે? રોજ તો ઢેલની જેમ કળા કરતી હોય છે ને!”
ગંગાએ મનોજને ભય સાથે કપાળ પરનો ડાઘ બતાવ્યો. મનોજના ચહેરા પરના ભાવ અચાનક પલટાયા. પણ એણે સ્વસ્થતા કેળવીને કહ્યું,
“આપણે ડોક્ટરને બતાવી આવશું.”
કંચનને જણાવવાની બંનેમાંથી કોઇની હિંમત ન ચાલી એટલે મંદિરના બહાને ડોક્ટર પાસે પહોંચ્યા.
બધી તપાસ કરીને ડોક્ટરે એ ડાઘ કોઢનો છે એમ નિદાન કર્યું.
“જુઓ, હવે આ રોગથી ડરવા જેવું જરાય નથી.”
મનોજને ચક્કર આવી ગયાં અને ગંગાની મનોસ્થિતિ તો બહુ જ ખરાબ હતી. ભાંગેલ હૃદયે બંને ઘેર આવ્યાં. ધીરેથી કેળવીને કંચનને રાતે વાત કરી.
ત્યારે તો કંચને ઔપચારિક દિલાસો આપ્યો પણ એના મનમાં પુત્રવધૂની માનસિક સ્થિતિ કરતાં પડોશી અને સમાજ સામે કેવું લાગશે એ વધુ ફિકર હતી.
રાતે મનોજ સંકોચમાં હતો.
“તું તો સમજદાર છો ગંગા, આ રોગ.. મને.. ચેપ..”
અને ગંગાએ પોતાની પથારી નીચે પાથરી દીધી.
પણ મન અને મગજ બંનેમાં પ્રેમ શબ્દ પર ડાઘ લાગી ચૂક્યો હતો.
રાત જેમતેમ પસાર થઈ. સવારે ગંગા રોજના નિયમ પ્રમાણે તૈયાર થઇને બહાર આવી ત્યારે કંચન ચા બનાવી રહી હતી.
“બા, તમે કેમ આજે ચા બનાવો છો ? હું બનાવું જ છું ને?”
“હા તું તો બનાવે જ છે પણ.. આજથી ..ક્યાંક ચેપ..”
અધૂરાં અધ્યાહાર વાક્યોનો મતલબ સમજુ ગંગા બરાબર સમજી ગઈ. આંસુને પાણી સાથે ઉતારવાના પ્રયાસમાં પાણિયારે પહોંચી.
“અરે અરે ગંગા જો તારો પ્યાલો ત્યાં ઊંધો વાળ્યો છે. આ તો આખા ઘરની સલામતી માટે હોં!”
બહાર મોસમ બદલાવાની સાથે ઘરની મોસમમાં જબરદસ્ત ફેરફારના એંધાણ ગંગાને જણાતાં હતાં.
પંદર દિવસ પછી મનોજ જે મોરલા જેવી ડોકના વખાણ કરતાં ધરાતો નહોતો, એ કમનીય ડોક પર હળવેથી આંગળીઓ ફરતી રહેતી- એ ડોક પર ડાઘ દેખાયો.
પછી તો જેમ જેમ ડાઘ વધતા ગયા એમ એમ ગંગા પર નિયંત્રણો પણ વધતાં ગયાં.
સામાજિક પ્રસંગોએ એને લઇ ન જવા માટે બહાનાં બતાવવામાં આવતાં. ઘરની બહાર મનોજને ગંગા સાથે નીકળતાં સંકોચ થવા માંડ્યો.
આમ ને આમ સમયની સાથે ગંગાના શરીર પરના ડાઘ પ્રસરતા ગયા.
કોઈ વાર કંચન મનોજને કહેતી એ સંભળાઈ જતું અથવા એને સંભળાય એમ વાર્તાલાપ થતો,
“મનોજ નાની ઉંમરમાં તારે આ બોજ આવી પડ્યો. તારી તો હજી જિંદગી માણવાની ઉંમર કહેવાય. આ જિંદગી પરના સફેદ ડાઘને ફારગતિ આપ તો બીજી સુંદર વહુ લાવું. સમાજમાં આપણું કુટુંબ ઊંચું છે તે કન્યા તો આમ ચપટી વગાડતાં મળી જશે. આજે તો તું ગંગા સાથે ચોખ્ખી વાત કરી જ લેજે. એ કદરુપી સાથે તારી આખી જિંદગી કેમ જાય?”
પણ મનોજને એક જમાનામાં પોતે પાગલની જેમ ગંગાને ચાહી હતી અને ગંગા તો આટલી ઉપેક્ષા પછી પણ મનોજની અને ઘર આખાની એટલી જ કાળજી લેતી એ શરમ નડતી રહેતી.
ઓટલા પરિષદમાં પણ વાતનો ગંગાના ડાઘ સિવાય બીજો વિષય બહુ ન જામતો. એકાદને છોડીને દરેકને મનમાં તમાશો જોવાનો આનંદ આવતો,
“લે બહુ વહુના વખાણ કરતી તે હવે સહુથી વધુ કદરુપી એની જ વહુ થઈ.”
વાલીમાસીને જરા સાચી સહાનુભૂતિ તે આજે કહી રહ્યાં હતાં,
“કંચન, ગામમાં એક વૈદ્યરાજ આવ્યા છે.ગંગાને બતાવ તો ખરી.”
મને કમને કંચને મનોજને વાત કરી અને મનોજ મહાપરાણે ગંગાને લઇને વૈદ્યરાજ પાસે ગયો.
નાડ તપાસીને વૈદ્યરાજે દવાઓ, ઉકાળાઓ અને પરેજી પાળવાની આપી.
કહ્યુ,
“જુઓ, કોઈ પણ પ્રકારના રોગને ચૂસ્ત પરેજી, નિયમિત દવાઓનું સેવન, પરિવારની કાળજી અને પ્રેમાળ હૂંફ અને રોગીનું પોતાનું મનોબળ આ જ નિયમથી જીતી શકાય છે.”
પરિવારની હૂંફના વિકલ્પને બાજુએ મુકીને ગંગાએ કડક નિયમસર દવા ચાલુ કરી.
ઘરમાં હજી અછૂત જેવો વ્યવહાર ચાલુ જ હતો.
“જો દિકરા, આ કોઢી સાથે આખી જિંદગી ન નીકળે. એ મટે તોય બીજી વાર નહીં થાય એની શી ખાતરી? મને તો હવે રુપાળી રાધા જેવી બીજી વહુ જ ગમશે.”
કંચનનો મનોજને ગંગાને છૂટાછેડા આપવાનો આગ્રહ પણ પૂરજોશમાં ચાલુ હતો.
રોજનાં મ્હેણાં, ઉપેક્ષિત વ્યવહારને નજરઅંદાજ કરે જતી ગંગા પોતાના પ્રદૂષિતપણાને નાબૂદ કરવા એકચિત્તે સારવાર કરતી રહી. અને પરિણામસ્વરુપ ડાઘાઓએ હાર સ્વિકારીને અદ્રશ્ય થવાનું શરુ કર્યું.
મનોજ ગંગાએ આપેલા રોગના પરાજયથી ખુશ હતો.
વૈદ્યરાજે ગંગાને આશિર્વાદ આપતાં કહ્યું,
“જા બેટા, આજથી તું ફરી નિર્મળ છો. તારામાં આવેલું પ્રદૂષિતપણું જડમૂળમાંથી નાબૂદ થઈ ગયું છે.”
અને મનોજ ગંગાને લઇને ઘેર આવ્યો ત્યારે ઓટલાપરિષદ ભરાઈ ચૂકી હતી.
ગંગા પહેલાં કંચનને પગે લાગી. વાલીમાસીને તો ભેટી જ પડી.
“તમે મારા પર લાગેલ ડાઘના ગ્રહણના નિવારણનું નિમિત્ત છો. હું જિંદગીભર રુણી રહીશ.”
રાતે મનોજે શયનખંડમાં આવીને ગંગાને ઉપર પોતાની પાસે સૂવાનું કહ્યું,
“જો વ્હાલી, હું તો પહેલેથી જ જાણતો હતો કે આ રોગ મટે એવો છે. ડોક્ટરે પણ કહ્યું જ હતું ને ! વાલીમાસી મને વહુઘેલો જ કહે છે ને !”
ચાસણીમાં બોળેલા શબ્દોએ અહલ્યા બની ગયેલી ગંગાને બહુ અસર ન કરી.
રાત પસાર થઈ.
કંચન અને મનોજ જાગ્યાં ત્યારે પહેલાંની જેમ ગંગા પોતાના બેદાગ રુપ સાથે ચા બનાવતી હતી.
કંચને ચા નો કપ લેતાં કહ્યું,
“મારી વહુ તો હીરો છે હીરો.”
બંનેને ચા આપીને ગંગાએ કહ્યું,
“એક ડાઘ - માત્ર એક ડાઘ જ તો હતો. તે પણ મારા હાથમાં જે નહોતું એનો દોષ મારા પર આવ્યો. પ્રેમ અને પરિવાર એ કસોટીમાં મને સાથ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા. હા, એ સફેદ ડાઘે મને માણસના કાળા મનની ઓળખાણ કરાવી દીધી. હું તમને બંનેને મારી જવાબદારીમાંથી મુક્ત કરું છું.”
કંચન અને મનોજ મહાભિનિષ્ક્રમણ આદરી રહેલી પવિત્ર ગંગાને રોકી ન શક્યાં.
પાંચ વર્ષ પછી ગંગાકિનારે વૈદ્યરાજના આશ્રમમાં ગુરુમા ચર્મરોગના દર્દીઓની સારવારમાં વ્યસ્ત હતાં. ગંગા એક સંતાનની મા નહીં અનેકની ગંગામા બની ચૂકી હતી.