શિયાળભાઈ નેતા અને તેમના વચનો
શિયાળભાઈ નેતા અને તેમના વચનો
જંગલમાં એક વાર શિયાળભાઈને નેતા બનવાનો વિચાર આવ્યો. તેણે બધા પ્રાણીઓની સભા બોલાવી અને પોતાને નેતા બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો. બધા પ્રાણીઓ કહે, તમે અમારા નેતા બનશો તો શું કરશો ?
શિયાળભાઈએ તો પોતાના વચનોની યાદી કાઢી વાંચન શરૂ કર્યુ,..
એણે કહ્યું: "હું કાગડા ધોળા કરીશ."બધા માની ગયા."સાચી વાત છે." "એ કરશે જ." "બહુ તાકાતવાળો છે એ."બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા.એણે કહ્યું: "હું કૂતરાની પૂંછડી સીધી કરીશ."બધા કહે: "અરે વાહ, આ તો દેવનો અવતાર." "તમે ન હોત તો અમારું શું થાત ?" "સાચે જ તમે તો મહા-દેવ."બધા અંદરોઅંદર એની પ્રસંશા કરવા લાગ્યા. એણે કહ્યું: "એ લોકોએ ગધેડાંને અન્યાય કર્યો છે જેમ ભેંસને, જેમ ગાયને, જેમ બકરીને એમ ગધેડાંને પણ શિંગડાં હોવાં જોઈએ."બધા કહે: "સાચી વાત છે આપણને તો આ વાતની ખબર જ ન હતી."એણે કહ્યું, "તમે બારણે બાવળ વાવજો હું એ બાવળ પર કેરીઓ લગાડી આપીશ."કોઈએ એની વાત પર શંકા ન કરી. કોઈએ એમ પણ ન પૂછ્યું કે તમે અમારા માટે શું કરશો? બસ આમ જ સમાજમાં અત્યારે ચાલે છે.
