શિયાળ બન્યું ઘેટુ
શિયાળ બન્યું ઘેટુ


એકવાર એક શિયાળે વિચાર્યું કે તે જો ઘેટાનો વેશ પહેરીને તેમના ટોળામાં ભળી જશે તો આરામથી તે ઘેટાઓનો શિકાર કરી શકશે. આમ વિચારી શિયાળે ઘેટાનું ચામડું શરીરે ઓઢ્યું અને તે ઘેટાઓનાં ટોળામાં જઈ ભળી ગયું. ઘેટાના પહેરવેશમાં તે ઘેટાઓની સાથે હરતું ફરતું હોવાથી ભરવાડ પણ તેને ઓળખવામાં થાપ ખાઇ ગયો.
ભરવાડનો એક નાનો દીકરો હતો અને તેને ઘેટા સાથે રમવાનું ખૂબ ગમતું હોવાથી, રાતે ઘેટાઓને વાડામાં બંધ કરવા પહેલા ભરવાડ તેમાંથી એક ઘેટુ પસંદ કરી પોતાના દીકરા માટે ઘરે લઇ જતો અને બાકીના ઘેટાઓને વાડામાં બંધ કરી દેતો.
હવે, ભરવાડના ગયા પછી પેલું લુચ્ચું શિયાળ ઝુંડમાંના એક ઘેટાને મારી તેને ખાઈ જતો. આમ તેના દિવસો આરામથી પસાર થવા લાગ્યાં પરંતુ એકદિવસ તેના પાપનો ઘડો ભરાઈ ગયો. બન્યું એવું કે ભરવાડે પોતાના દીકરા સાથે રમવા માટે જે ઘેટુ પસંદ કર્યું તે દુર્ભાગ્યે શિયાળ નીકળ્યું ! ઘેટાના વેશમાં શિયાળને જોઈ ભરવાડ રોષે ભરાયો અને તેણે ડંગોરા વડે તે શિયાળને ફટકારી ફટકારી મારી નાખ્યો.
બોધ : ક્યારેક બીજાને ફસાવા જતાં આપણે પોતે જ ફસાઈ જઈએ છીએ.