શિયાળ અને ઘોડો
શિયાળ અને ઘોડો
એકવાર એક શિયાળ ખોરાકની શોધમાં ચણાના ખેતરમાં પહોંચ્યું. શિયાળે ખેતરમાંના ચણા ચાવી જોયા પરંતુ શિયાળને તે ક્યાંથી ભાવે ? તેથી શિયાળે ચણાના ખેતરમાં સમય બગાડવા કરતા આગળ વધવું યોગ્ય સમજ્યું. માર્ગમાં ઉભેલા એક ઘોડાએ શિયાળને જતા જોઈ પૂછ્યું,
“અરે ! શિયાળભાઈ ક્યાં ચાલ્યા?”
શિયાળે ઘોડાને પોતાના ઉપકાર નીચે દબાવવા કહ્યું, “ઘોડાભાઈ, હું તમને જ શોધવા નીકળ્યો હતો.”
ઘોડાએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું “મને !એ કેમ ?”
શિયાળે કહ્યું “મેં તમારા માટે એક ચણાનું ખેતર શોધી રાખ્યું છે. હું જાણું છું કે તમને ચણા ખૂબ ભાવે છે. ઘોડાભાઈ તમારા સમ. મેં તમારો વિચાર કરીને એ ખેતરના એક પણ ચણાને અડક્યો નથી. જાઓ જલ્દી ખેતરમાં ચણા તમારી રાહ જોઈ રહ્યા છે.”
ઘોડાએ હસીને કહ્યું “શિયાળભાઈ, હું તમને સારી પેઠે ઓળખું છું. તમને ચણા ભાવતાં હોત તો તમે મને એ ચણાના ખેતરની આસપાસ પણ ફરકવા દીધો ન હોત!”
બોધ : જેઓ પોતાની નિરુપયોગી વસ્તુ બીજાને આપી દે છે તેમણે શાબાશીની અપેક્ષા ક્યારેય રાખવી ન જોઇએ.