સબંધ આવો પણ હોઈ શકે
સબંધ આવો પણ હોઈ શકે
કવિતા અને પંક્તિ શાળાજીવનથી જ એક બીજાના ગાઢ મિત્ર. બંને એક જ સોસાયટીમાં રહે. બંનેના પારિવારિક સંબંધો પણ ઉષ્માપૂર્ણ. ધોરણ એકથી બાર એક જ શાળામાં એક જ બેંચ પર બેસી ભણતાં હતા. એકબીજા વગર જરા પણ નહી ચાલે. લડતા ઝગડતાં પણ પ્રેમથીજ. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પસાર કર્યા પછી બંને જણીઓએ અમેરિકા જ આગળ ભણવા જવાનું નક્કી કર્યું. એ વન ગ્રેડ મળ્યો હતો એટલે અમેરિકાની યુનિવર્સીટીમાં પ્રવેશ પણ તરત જ મળી ગયો. સોફ્ટવેર એન્જીનીયર બનવું હતું બંનેને. અને બંને પરિવારોએ આ બે દીકરીઓને અમેરિકા ભણવા માટેની મંજુરી આપી દીધી, અને બંને ઉડી ગઈ અમેરિકાના આકાશ તરફ.
અમેરિકામાં તેઓ એક એપાર્ટમેન્ટમાં પેઈંગ ગેસ્ટ તરીકે ભાડે રહેવાં લાગ્યાં. કોલેજ તેમની ખુબ જ નજીક હતી. ચાલતાં જઈ શકાય એટલી નજીક હતી. ફલેટનો માલિક ચિત્રકાર હતો. ઉચ્ચ દરજ્જાના ચિત્રો બનાવતો હતો. શનિવાર રવિવારના દિવસે એ જાહેર પીકનીક પોઈન્ટ પર જઈ પોતાની કળા પ્રદર્શિત કરતો હતો. અને એની કલાની કદર રૂપે લોકો ડોલર આપતાં હતાં. આમ બાકીના પાંચ દિવસની કમાણી આ રીતે બે દિવસમાં કરી લેતો હતો. આ ઉપરાંત તે તેના ઘરમાં જ સ્ટુડીઓ પણ ચલાવતો હતો. અને એમાં જ રાતે રહેતો હતો. એની પત્ની એના જ ખાસ મિત્ર સાથે લીવ ઇન રિલેશનશિપમાં એને છોડીને રહેતી હતી. આમ એ એકલો જ હતો.
નામ એનું જ્હોન હતું કવિતા અને પંક્તિ એમને જ્હોન અંકલ કહીને બોલાવતી હતી. જ્હોન અંકલની ખૂબી એ હતી કે એ કોઇપણ વસ્તુનું ચિત્ર બનાવે તો લોકો થાપ ખાઈ જતા કે એ ઓરીજનલ છે કે ચિત્ર ! કવિતા અને પંક્તિને આ અંકલ જોડે સારું ફાવી ગયું હતું. એક વખત વોશિંગ્ટન શહેરમાં સખ્ત બરફ વર્ષા થઈ. કોલેજ શાળા ઓફીસ વહેલી છૂટી ગઈ. કવિતા અને પંક્તિ માટે આ પહેલો અનુભવ હતો બરફ વર્ષા જોવાનો અનુભવવાનો. બંને સખીઓ ખુબ જ ખુશ થઇને બરફ વર્ષામાં દોડી ગઈ અને નાના બાળકોની જેમ રમવા લાગી. એક બીજા પર બરફના ગોળા બનાવી નાખવા લાગી. એક બીજાના શરીર પર પણ બરફ નાખવા લાગી.
બર્ફિલા પવનો જોરથી ફૂકાવા લાગ્યા, તાપમાન માઈનસ ૧૪ ડીગ્રી થઇ ગયું. જ્હોન અંકલ તેમને બોલાવવા નીકળ્યા કે છોકરીઓ અંદર આવો આ તમારું ભારત નથી. અહીના તાપમાનથી તમારું શરીર હજુ ટેવાયું નથી. માંદા પડશો. પણ કવિતા પંક્તિ આજે તોફાને ચડ્યા હતા, તેમણે ઉલટાના જ્હોન અંકલ તરફ બરફની ગોલાબારી કરી તેમની સાથે મસ્તી કરી. અંકલે તેમને ખીજવાઈને ઘરમાં લીધાં ને એમના ફ્લેટમાં મોકલી આપ્યા. રમતા તો બંને જણા એ ખુબ રમી લીધું પણ આ હવામાન કવિતાના શરીરને માફક નહી આવ્યું. તે તરત જ માંદી પડી ગઈ. આખા શરીરે ઠંડી ચડી ગઈ. આખું શરીર ધ્રુજવા લાગ્યું. તાત્કાલિક એને હોસ્પીટલમાં દાખલ કરવી પડી. ત્યાંના ડોકટરે જાહરે કર્યું કે કવિતાને ન્યુમોનીયા થઇ ગયો છે અને બચવાના ચાન્સીસ બહુ ઓછા છે.
હોસ્પીટલમાં કવિતાને જ્યાં સુવડાવેલી ત્યાં તેની પથારીને અડોઅડ એક ઝાડ હતું. જેનાં પર્ણો ભારે પવનને લીધે જોરથી બારી સાથે અથડાતાં હતા ને ખરતાં જતાં હતા. જેને કવિતા એકીટસે જોયા કરતી હતી. રોજ બારી પાસે બેસીને આ વૃક્ષના પર્ણો જોયા કરતી હતી. અને એક વહેમ એના મનમાં ઘુસી ગયો કે જેટલા આ વૃક્ષના પાંદડા છે એટલા જ એની જિંદગીના દિવસો છે, આખો દિવસ ઝાડના પાંદડાઓ જ ગણ્યાં કરતી હતી. પંક્તિ ને રોજ કહ્યા કરતી હતી કે જયારે આ ઝાડ પર એક પણ પર્ણ નહી રહે ને તે દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. પંક્તિ એને વારતી હતી કે એવું કઈ નથી તું સારી થઈ જ જઈશ. અહીના વાતાવરણ સાથે અનુકુલન સંધાય જશે એટલે સારી થઇ જ જશે તું. નકારાત્મક વિચારો કાઢી નાખ.અને સુઈ જા.” પંક્તિને થયું કે કવિતા મોતના વિચારને કારણે નકારાત્મક વિચાર કરે છે. સાથે સાથે એણે એ પણ નોંધ્યું કે એને વૃક્ષ સાથે પણ પ્રેમ થઇ ગયો છે એટલે જ એ એના શ્વાસો સાથે પર્ણનો નાતો જોડે છે. અને જો ખરેખર પાનખરને કારણે જો બધા જ પર્ણો ખરી જશે તો એ એના આઘાત થી જ મૃત્યુ પામશે કઈક કરવું પડશે.
અને એ દોડી ગઈ જ્હોન અંકલ પાસે. જ્હોન અંકલ એક ચિત્ર બનાવવાની તૈયારી કરી રહ્યાં હતાં. એ ઓબ્જેક્ટ શોધતા હતા. શીર્ષક તૈયાર હતું. એમણે શીર્ષક પણ એમની એક ડાયરીમાં લખી રાખ્યું હતું. “મોત, તું એક કવિતા છે.” પંક્તિએ કહ્યું કે “ અંકલ, તમારે એક જણની જિંદગી બચાવવાની છે તમારી કળાથી.” અને એણે કવિતાની બધી વાત કરી. અંકલે કહ્યું “ઓબ્જેક્ટ મળી ગયો. જા દીકરા કવિતાને કઈ નહી થાય.” અને રાત્રીનો સમય થયો કે ફરી પાછું બરફનું તોફાન શરુ થયું .કવિતા બેડ પરથી ઝાડને જોયા કરતી હતી એને થયું કે હવે ઝાડ પર એક જ પર્ણ બાકી રહ્યું છે, એ જો ખરી પડશે તો મારા શ્વાસ પણ ખરી પડશે. પણ આશ્ચર્ય ! ભારે બરફની વર્ષામાં પણ એક પાંદડું ટકી રહ્યું હતું એને જોઈને એનામાં જીવવાનો સંચાર શરુ થયો. અને દવા પણ હવે અસર કરવા લાગી હતી. એટલે ધીમે ધીમે એ સારી થવા લાગી. અને એને હોસ્પીટલમાંથી રજા આપતાં જ હતાને એની રૂમમાં એક નવા દરદીને લઈને સ્ટ્રેચર દાખલ થયું. એમાં પેશન્ટ તરીકે જ્હોન અંકલ હતા.
કવિતા અને પંક્તિ એ પૂછ્યું” ડોક્ટર, આમને શું થયું છે ? “ ડોકટરે કહ્યું કે, ”આ તમારા અંકલે ભારી બરફ વર્ષામાં તોફાની પવનો વચ્ચે એક પર્ણનું ચિત્ર બનાવ્યું છે. કવિતા, તારો જાન બચાવવા માટે એમણે એમનો જાન આપી દીધો.અને ચિત્રનું શીર્ષક પણ તો જો કેવું સૂચક છે, 'મોત તું એક કવિતા છે.' તું જે પર્ણને જોઈને જીવતી હતી તે હકીકતમાં ચિત્ર જ હતું. આ ડાયરી એમણે તમને આપવાનું કહ્યું છે. પંક્તિ અને કવિતાએ સજળ નેત્રે ડાયરી વાંચવા માંડી.
“પીડાનો સામનો કરવાની દરેક વ્યક્તિની અનોખી રીત હોય છે “ બીજા પાના પર લખ્યું હતું. ”દુઃખને નરી આંખે જોવું એટલે હદયના ઊંડાણમાંથી પીડાનો અનુભવ..” ત્રીજા પાને લખ્યું હતું...”તમારા દુઃખનું સન્માન કરો.” અને છેલ્લે લખ્યું હતું... “ મોત , તું એક કવિતા છે.” અને કવિતા એ વ્રુક્ષ તરફ જોઈ ડાયરી બંધ કરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બહાર જોયું તો પેલું ચીતરેલું પર્ણ ખરતું હતું.