રૂમ ન.13
રૂમ ન.13


આ એજ શાળા છે કાર્તિક જયાં તમે 5થી 10 ધોરણ ભણ્યા છો. આજે તમે એક જાહેર પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે અહીં આવ્યાં છો. શાળાના દરેક વર્ગમાં પરીક્ષા ચાલી રહી છે. તમે એક પછી એક વર્ગનું નિરીક્ષણ કરી રહ્યા છો. દરેક વર્ગખંડ પર રુમ નંબર લખેલાં છે. રુમ નંબર 13માં તમે પ્રવેશો છો. આ એજ રુમ છે જેમાં બેસીને તમે 10મું ધોરણ ભણ્યા હતાં. રુમમાં પ્રવેશતાની સાથે જ એ વખતના સંસ્મરણોએ તમારો ધેરો ધાલી દીધો. તમે એને મન ભરીને નીરખવા લાગ્યા. આ એ જ રૂમ છે જેમાં બેસીને તમે ડોકટર બનવાના સપના જોયા હતાં. તમારી ગણના શાળાના ટોપ ફાઈવ વિદ્યાર્થીઓમાં થતી હતી. તમે સારા ગુણ મેળવી સારી શાળામાં 11-12 સાયન્સમાં પ્રવેશ મેળવશો એવી સૌને, શાળાના આચાર્યને, શિક્ષકોને,તમારા સહપાઠીઓને,તમારા માતા-પિતાને અને તમને શ્રદ્ધા હતી.
એ વખતે અહીં વિજ્ઞાન પ્રવાહની એક પણ શાળા ન હતી. એ માટે તમારે અહીંથી 60 કીમી દૂર શહેરમાં ભણવાં જવું પડે એમ હતું. ગરીબ પિતા પાસે એટલી સગવડ ન હતી પણ દિકરા માટે કંઈ પણ કરી છૂટવાની તૈયારી ખરી. તમે પણ દિલોજાનથી રાત-દિવસ એક કરી અભ્યાસ કરતાં હતાં. અભ્
યાસની બાબતમાં તમારાથી કોઈને કશી ફરિયાદ ન હતી. પ્રથમ પરીક્ષામાં તમારો દેખાવ અપેક્ષા મૂજબ ન રહ્યો. ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવનાર તમે 60 ગુણજ મેળવી શકયાં. આ જ પરિસ્થિતિ બીજી પરીક્ષામાં પણ પુનરાવર્તન પામી. ગણિતે તમારું ગણિત બગાડી નાંખ્યું. બોર્ડની પરીક્ષામાં પણ તમે 60 થી આગળ ન વધી શક્યાં. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાના તમામ સમીકરણો ખોટાં પડ્યાં. તમારે આર્ટસમાં અભ્યાસ કરવાની ફરજ પડી. આ એ જ રૂમન. 13 છે જેમાં તમારું એક સપનું ભાંગીને ભૂકકો થઈ ગયેલું પડ્યું છે.
હા કાર્તિક, દરેકના દરેક સપના પૂરાં નથી થતાં. તમે હોંશિયાર હતાં એટલે આજે સરકારી અધિકારી તરીકે આ શાળામાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર છો. અલબત્ત એક વાત કહેવાની રહી ગઈ કાર્તિક. રેખા આજ વર્ગમાં તમારી સાથે ભણતી હતી યાદ છે ને તમને. જે હવે તમારી જીવન સંગીની છે. તમારો અને રેખાનો દીકરો જય 12 સાયન્સની પરીક્ષા આપી ચૂકયો છે. પરિણામની પ્રતીક્ષા છે. આન્સર કી જોતાં એ મેડીકલમાં એડમીશન મેળવી લેશે એ પાકું છે. તમારુ સપનું સાકાર થવાની તૈયારીમાં છે. બેસ્ટ ઑફ લક કાર્તિક.