રુદનનો સાક્ષી
રુદનનો સાક્ષી
હેત્વી અને તેના સાસુ રેખાબેન બપોરે ઘરનું કામ પરવારી ટીવી જોતા હતાં. ત્યાં બાજુવાળા મીનાબેન હાથમાં પેંડાનું બોક્સ લઈ ખૂબ હરખાતા હરખાતા આવ્યા.
"લ્યો, રેખાબેન મોં મીઠુ કરો. અમારે ઘરે નવું મહેમાન આવવાનું છે. ભગવાન જાણે તમને આવી ખુશખબર ક્યારે સાંભળવા મળશે ? હવે તો લગ્નના સાત વર્ષ થવા આવ્યા"- તેઓ હેત્વી સામે જોઈને બોલ્યા.
હેત્વીને હવે આવું સાંભળવાની જાણે આદત થઈ ગઈ હોય તેમ કોઈ પણ ખરાબ ભાવ પોતાના ચહેરા પર લાવ્યાં વગર તેમને અભિનંદન આપી તેમના માટે ચા-નાસ્તો લેવાં રસોડામાં ચાલી ગઈ. મીનાબેન થોડીવાર પછી તેમના ઘરે જતાં રહ્યાં.
પોતાના રૂમમાં જઈ દરવાજો બંધ કરતાં જ હેત્વીની આંખો છલકાઈ ગઈ અને ફરી એકવાર તેનો બંધ રૂમ તેનાં રુદનનો સાક્ષી બન્યો.
