રેવંત ભાગ ૧
રેવંત ભાગ ૧
કાલખંડ અજ્ઞાત
સ્થળ - કૈલાસ પર્વત
કૈલાસ પર્વતની બાજુમાં માનસરોવરની કાંઠે એક વ્યક્તિ દુઃખી મુદ્રામાં બેસેલી હતી. તેની બાજુમાં નાના ચપટા પથ્થરોનો ઢગલો પડ્યો હતો. થોડીથોડી વારે તે પથ્થર ઉપાડતો અને સરોવરમાં નાખતો અને કેટલા ટપ્પા પડ્યા તે ગણતો. આમ તો આ વ્યક્તિ થોડાક દિવસથી જ આવતી હતી અને આ તેનો નિત્યક્રમ બની ગયો હતો.આપણે નજીક જઈ જોઈએ તે વ્યક્તિ કોણ છે અને કેમ દુઃખી છે.
તે વ્યક્તિ સ્વગત બબડી રહી હતી. "શું સમજે છે તે પોતાને વારે વારે મારુ અપમાન કરવાનો શું મતલબ ? ઠીક છે હું રંગે કાળો છું તો શું થયું મને કાળીયો કાળીયો એમ કહેવાનું પોતાનું હાથીનું મુખ નથી દેખાતું ? મજાક ઉડાડવાની કોઈ હદ હોય નેનો બાળક સમજીને કઈ કહેતો નથી એટલે માથે ચડી બેસવાનું ? અને કઈ કહીશ તો બનેવીને ખોટું લાગશે ઠીક છે મારો સગો ભાણો નથી પણ શું થયું મારો ભાણો તો કહેવાય ને ? હું પણ શું નાની વાતમાં ક્રોધિત થઇ જાઉં છું. ચલ ઠીક છે આ વખતે માફ કરું છું તેને બીજી વખત આવું કઈ કરશે તો પછી હું તેને દેખાડી દઈશ કે હું કોણ છું. તેને મારી હેસિયતની ખબર નથી ?
પોતે મનમાં ને મનમાં ક્રોધિત થતી અને પોતાને સમજાવતી તે વ્યક્તિ ઉભી થઇ અને આકાશ તરફ હાથ કરીને બોલી "તેને શું ખબર હું છું રેવંત, બ્રહ્માપુત્ર પ્રજાપતિ દક્ષ અને મનુપુત્રી પ્રસુતિનો પુત્ર, માતા સતીનો ભાઈ અને મહાદેવ શિવનો સાળો, ગણો માં પ્રમુખ. અને હાલમાં આવેલ મહાદેવનો પુત્ર ગણપતિ મારી મજાક ઉડાવે છે. હું એક વખત તો બનેવીને જઈને ફરિયાદ કરીશ. અને માતા પાર્વતીને પણ કહીશ તે પણ મારી બહેનનો અવતાર કહેવાય છે" એમ કહીને રેવંત કૈલાસ પર્વત તરફ આગળ વધ્યો તેની રહેવાની ગુફા કૈલાસની તળેટીમાં હતી. મહાદેવ થોડા ઉપરની તરફ રહેતા હતા. રેવંતને પાછા ફરતા સાંજ પડી ગઈ હતી. ગુફામાં પહોંચીને તેને ચૂલો સળગાવ્યો અને ખૂણામાં પડેલા કંદમૂળ એક હાંડીમાં મૂકીને ચૂલે ચડાવ્યા. તેને યાદ આવ્યું કે આજે પ્રમુખગણ રાત્રે મળવાના હતા. આમ તો બધા રોજ મળતા હતા પણ આજે નંદી એ કહેવડાવ્યું હતું કે કોઈ સમસ્યા આવી ગઈ છે તેથી આજે મહત્વપૂર્ણ બેઠક મળવાની હતી. ગરમાગરમ હાંડી ચુલેથી ઉતારતા તેના આંગળા થોડા બળી ગયા. મનમાં જ ગાળ બોલ્યો અને હાંડી નીચે મૂકી દીધી અને બોલ્યો અને કરતા તો હું પિતાને ત્યાંજ રહ્યો હોત તો સુખી હોત. લગ્ન થઇ ગયા હોત અને પત્ની મારા માટે પકવાન બનાવતી હોત.
આટલું બોલીને તે અતીતમાં સરી પડ્યો. તેને દેખાવા લાગ્યો એક સુંદર મહેલ.
અતીતમાં રેવંત ને દેખાયો એક સુવર્ણમહેલ તેમાં રહેતા પ્રજાપતિ દક્ષ અને તેની પત્ની પ્રસુતિ. પ્રજાપતિ દક્ષ પ્રજાભિમુખ રાજા અને એટલાજ પ્રેમાળ પતિ અને પિતા. તેમને હતી સોળ પુત્રી અને એક પુત્ર. રેવંતને તેની બહેનો ખુબ પ્રિય હતી તેમાં સતી પ્રત્યે તેને વિશેષ પ્રેમ. સતી પણ રેવંતને ખુબ પ્રેમ કરતી હતી. માતા તેને જે કોઈ પકવાન ખાવા આપે તે રેવંતને આપી દેતી. માતા પ્રસુતિ પણ રેવંતને ખુબ પ્રેમ કરતી હતી. પિતા દક્ષ પ્રેમળ હતા પણ રાજકાજના કામમાંથી તેમને ઓછી ફુરસદ મળતી હતી અને જે સમય મળતો તે તેઓ પોતાની પુત્રીઓ સાથે વિતાવતા. પિતાના ભાગનો પ્રેમ સતી તેને આપતી હતી.
નદીને કાંઠે તેમનો સ્વર્ણ મહેલ દેશ વિદેશમાં પ્રખ્યાત હતો. તેની પૂર્ણ કારીગરી પ્રથમ વિશ્વકર્મા એ કરેલી હતી. મહેલ એટલો સુંદર હતો કે લોકો અને રાજાઓ દુરદુરથી જોવા આવતા હતા. મહેલનો દીવાનખંડ જેમાં દક્ષ રાજકાજનું કામ કાજ જોતા હતા તેમાં ચંદનના લાકડા નો ઉપયોગ થયો હતો તે સુદૂર દક્ષિણથી મંગાવ્યું હતું. ફર્શનો આરસપહાણ પણ ખુબ દૂરથી મંગાવવામાં આવ્યો હતો. કુલ મળીને મહેલ ૧૦૮ ખંડોનો બનેલો હતો. તેમાં બ્રહ્માજીનું અને શક્તિ માતા નું મંદિર પણ હતું. મહેલની આગળ એક વિશાળ બગીચો પણ હતો જેમાં વિવિધ રંગો ના ફૂલો અને વિવિધ ફળો ના વૃક્ષો હતા.
બગીચામાં ઉગતા ગુલાબો તેને ખુબ પ્રિય હતા તે રોજ જુદા જુદા રંગોના ગુલાબો ભેગા કરીને સતીને આપતો. નેનો હતો ત્યારે મોટાભાગનો સમય તે બગીચામાં વિતાવતો. તેની બધી બહેનો ગોરી હતી પણ રેવંત પોતે કાળો હતો. તેને પોતાના રંગની ખુબ શરમ આવતી. તેની બાકી બહેનો તેને રંગ પરથી ચીડવતી પણ સતી તેમને વઢતી અને રેવંતને લાડ કરતી. બધા કહેતા હતા કે સતી શક્તિ માતાનો અવતાર છે તે શિવને પરણવા માટે જ જન્મ લીધો હતો. સતીને શિવ પ્રત્યે આરાઘ્યભાવ હતો તેમના મહેલમાં શિવ નું મંદિર ન હતું તો તે જંગલમાં જઈ શિવની આરાધના કરતી હતી. પિતા દક્ષ શિવને પસંદ કરતા ન હતા.
રેવંત થોડો મોટો થયો તો પિતા દક્ષે તેની શિક્ષા દીક્ષાની વ્યવસ્થા કરી. તેનું ચિત્ત ભણવામાં ઓછું ચોંટતું હતું. તેને યુદ્ધકળા પ્રત્યે ખુબ આકર્ષણ હતું. જેમજેમ મોટો થયો તેમ શક્તિશાળી થતો ગયો. તેનું શરીર આખલા જેટલું મજબૂત થઇ ગયું હતું. તે યુદ્ધ કળામાં પ્રવીણ થઇ ગયો પણ બાકી વિદ્યાઓમાં કાચો હતો. નીતિશાસ્ત્રમાં તેને ખબર પડતી ન હતી. ગણિત અને જ્યોતિષશાસ્ત્રમાં તેને ટપ્પો પડતો ન હતો. વેદોમાં તેની રુચિ ન હતી. તેને ગમતું હતું ફક્ત અખાડામાં જઈ મલ્લવિદ્યાનો અભ્યાસ કરવાનું અને જુદા જુદા શસ્ત્રો ચલાવવાનું. તેની બહેનો મોટી થઇ ગઈ હતી તેથી પિતાએ યોગ્ય વર શોધવાનું શરુ કર્યું.
ક્રમશ: