રાજ્યાભિષેકમાં સમયપાલન
રાજ્યાભિષેકમાં સમયપાલન


પાકટ વયે રાજા સ્વર્ગે સિધાવ્યા અને કુંવરનો રાજ્યાભિષેક કરવાનું મુહૂર્ત નીકળી ગયું હતું. રાજ્યમાં સમય પાલનનો કડક કાયદો હતો. કોઈ સમય પાલન ના કરે તો ત્વરિત કડક સજા કરવામાં આવતી હતી. વિજ્યા દશમીના સવારના ૧૦:૩૯ વાગે રાજ્યાભિષેક કરવાનું હતું.
વિશાળ મંડપ સુશોભિત કરવામાં આવ્યો હતો. દેશ વિદેશથી રાજવીઓ અને નગરશેઠ પધાર્યા હતા. રાજગોર વિજય પુરોહિત પૂજાનો સામાન તૈયાર કરી ઇન્તજાર કરી રહ્યા હતા પણ હજુ સુધી કુંવર સાહેબ પધાર્યા નહોતા અને મુર્હૂતનો સમય નીકળી જશે તેવી ભીતિ હતી. પ્રધાન ખુબ અસ્વસ્થ જણાતાં હતા. તપાસ કરતા ખબર પડી કે કુંવર સવારે મોડા ઉઠ્યા હતા અને હજુ નાસ્તા પાણી બાકી હતા. ૧૦:૩૯ પછી ૧૧ પણ વાગી ગયા હતા. મહેમાન રાહ જોઈને કંટાળ્યા હતા. ૧૨ વાગ્યે પણ કુંવર પધાર્યા નહીં એટલે નવું મુહૂર્ત બપોરના ૨:૩૬ કાઢવામાં આવ્યું એટલે મહેમાનને ભોજન પીરસી જમાડી દેવામાં આવ્યા.
કુંવર પણ જમ્યા પછી આરામ ફરમાવવા ચાલ્યા ગયા. થોડું વધારે ઝોંકે ચડી જવાયું એટલે બપોરના 2.36નું મુહૂર્ત પણ જતું રહ્યું હતું એટલે રાજ પુરોહિત નવો સમય નક્કી કરે એના કરતા એ કામ કુંવર ઉપર છોડવામાં આવ્યું હતું. કુંવરે સાંજના ૯વાગે રાજ્યાભિષેકનો સમય નક્કી કરવા સંદેશ મોકલ્યો અને તે પ્રમાણે તેઓ વાજતે ગાજતે હાથીની અંબાડી ઉપર વિરાજમાન થઇ ૮ વાગે ને ૫૦ મિનિટે મંચ ઉપર પધાર્યા અને બિરાજમાન થયા પછી રાજ પુરોહિતને પૂછ્યું કે કેટલા વાગ્યા છે ? રાજ પુરોહિતે પોતાના કાંડે ઘડિયાળ જોઈ કહ્યું ૮:૫૯ વાગ્યા છે અને એક મિનિટમાં આપનો રાજ્યાભિષેક શરુ થશે.
કુંવર બાજોઠ ઉપર પધાર્યા પણ શરીરે જરા જાડા હોવાથી એકાદ મિનિટ લાગી ગઈ. રાજ પુરોહિતને પણ ઘડિયાળમાં જોવામાં એકાદ મિનિટની ભૂલ થઇ ગઈ. એકંદરે ૯:૦૨ વાગે રાજ્યાભિષેક થઇ ગયો. શરણાઈ, બ્યુગલોના સુર અને તોપોની સલામી વચ્ચે રાજ્યાભિષેક પૂરો થયો.
સવારમાં ખરાબ સમાચાર આવ્યા કે પાડોશી રાજાએ ચડાઈ કરી મહત્વના નગર કબ્જે કરી લીધા હતા. નવા નિયુક્ત રાજાએ તાત્કાલિક મંત્રીઓની સભા બોલાવી અને યુદ્ધના કારણોની તપાસ માટે આદેશ આપ્યા. પાડોશી રાજા જોડે સુલેહ સંધિ કરી તેમણે જીતેલા નગર તેઓ પાછા નહીં આપે એ શરતે યુદ્ધ વિરામ થયો.
મંત્રીઓએ તપાસ કરી તારણ આપ્યું કે રાજ્યાભિષેકમાં રાજ પુરોહિતની ઘડિયાળમાં સમય જોવાની ભૂલના કારણે ૧ મિનિટ મોડું થવાથી ગ્રહો મહારાજ ઉપર વક્રી થયા છે. રાજ્યના સમય પાલનના કડક કાયદા પ્રમાણે રાજ પુરોહિતને ગુનેગાર ઠરાવવામાં આવ્યા અને તેમનો તાત્કાલિક પહેરેલ કપડે દેશ નિકાલ કરવામાં આવ્યો.
રાજ પુરોહિતે દલીલ કરી કે કુંવર ખુદ બે વખત મુહૂર્ત સાચવી શક્ય નહીં અને કલાકો મોડા આવ્યા જયારે મારી તો ઘડિયાળ જોવામાં ૧ મિનિટની ભૂલ થઇ છે તો મને માફ કરવામાં આવે. તેમની વિનંતી ઠુકરાવી દેવામાં આવી અને વધારામાં આવી દલીલ કરવા બદલ વગર કપડે દેશ નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો.