રાહિલનો રાહ
રાહિલનો રાહ
બે વર્ષ પહેલાંની આ વાત છે. ગામમાં વાલી મુલાકાતમાં જવાનું થયું હતું. એ દરમિયાન મારી નજર ટૂંટીયું વાળીને તૂટેલા ખાટલામાં સૂતેલી એક દીકરી પર પડી હતી. પૂછ્યું તો એનું નામ 'રાહિલ' હતું.
હું રાહિલના ઘરે ઊભો રહ્યો. મે એની સામે જોયું,તેના ચહેરા પર ગજબનું સ્મિત હતું, એના ચહેરા પર વિસ્મયના વાદળો ઘેરાયેલા હતા એને આપણને ઘણું કહેવું હોય એવી નજરે એ જોતી હતી. એના ઘરે એના દાદા-દાદી હતા.
મેં રાહિલ સામે જોઈને પૂછ્યું :
'બેટા તું કેમ સૂઈ રહી છે ? : એ કંઈ બોલી નહીં. '
દાદીએ જવાબ આપ્યો : 'સાહેબ, એને તકલીફ સે'
'એને સલાતું ની મે,બોલાતું ની મે'
'આને ભણવા નથી મોકલતા ?' : ના
'દાખલ કરી છે ?' : ના
મેં જન્મ તારીખનો દાખલો માંગ્યો પણ તરત મળ્યો નહીં. મેં દાદીને જન્મ તારીખનો દાખલો લઈ નિશાળમાં આવી આચાર્યને મળવા જણાવ્યું. આ દીકરીના ઘરનાં દીકરીને ચાલવામાં, બોલવામાં તકલીફ હતી એટલે શાળામાં દાખલ કરવા બાબતે કાળજી ન્હોતી લીધી. એમના મનમાં એમ કે,આને શાળામાં મૂકીને શું કરીશું. આને શું ભણાવવાની. એ કેવી રીતે ભણશે ? કદાચ એમના મનમાં આવા સવાલો હશે.
મેં એમને વિકલાંગ બાળકો માટેની સહાય વિશે જણાવ્યું અને એમને સમજાવ્યું કે જો એના વર્ષ થતા હોય તો એને શાળામાં દાખલ કરી દો. થોડા સમય તેને ઊંચકીને શાળામાં મૂકવા આવજો.
એક દિવસ એના વાલી જન્મનો દાખલો લઈને શાળામાં આવ્યા. દાખલો જોયો તો વર્ષ થઈ જતા હતા. એ દીકરીને શાળામાં દાખલ કરી. અમુક દિવસ એને ઊંચકી કરીને તેના વાલી મૂકવા આવ્યા.
થોડા દિવસ પછી એને વ્હીલચેર મળી ગઈ.
પછી તો બીજા ગામમાં ભણતી રાહિલની મોટી બહેન રોશની પણ અમારી શાળામાં દાખલ થઈ. પછી તો રોશની એને વ્હીલચેરમાં બેસાડી શાળામાં લઈને આવતી થઈ. રાહિલને ચલાવવાની પ્રેક્ટિસ કરતા હતા તો તે ધ્રૂજતી ધ્રૂજતી ચાલતી. બિલકુલ સંતુલન રહેતું નહીં. અસન્તુલનના કારણે પડી જતી. પણ એ પ્રયત્નશીલ હતી. એને ચાલતા જોતા એવું લાગતું કે તે એક દિવસ ચોક્કસ ચાલતી થશે, વ્હીલચેર વિના પણ એ ચાલી શકશે. મેં રોશનીને થોડી થોડી પ્રેક્ટિસ કરાવવા જણાવ્યું. કહ્યા મુજબ રોશની એને પ્રેક્ટિસ કરાવતી.
એક દિવસ રસ્તા પર મે રાહિલને તેની મોટી બહેન રોશની સાથે વ્હીલચેર વિના રોશનીનો હાથ પકડીને શાળામાં આવતી જોઈ. આ દ્રશ્ય જોઈને મને ખૂબ ખુશી થઈ. આ ખુશીની વાત મે શિક્ષકોને પણ કરી. મે મનોમન વિચાર્યું આવનારા સમયમાં રાહિલ મુક્ત ઉડાન ભરે તો નવાઈ નહીં.
હું જ્યારે એની આસપાસથી પસાર થાઉં છું ત્યારે એની ઈચ્છા એવી હોય છે કે હું તેને હસાવું,એની સાથે કંઈક સંવાદ કરું અને એ હું કરતો હતો. એને ખૂબ મજા આવતી. હું ઉચ્ચત્તરનો શિક્ષક હોવા છતાં ઘણીવાર નીચેના બાળકોને ભણાવવા જતો હતો.
આજે રાહિલ ત્રીજા ધોરણમાં આવી ગઈ છે. ઈશ્વરીય શક્તિ ઘણો કે જે ઘણો તે જે રાહિલને ચલાતું ન્હોતું,બોલાતું ન્હોતું
એ રાહિલ આજે માત્ર ચાલતા જ નહીં, મન મૂકીને દોટ મૂકે છે. તેને હવે વ્હીલચેરની જરૂર રહી નથી.
રાહિલના બેઠી થવાના તેમજ ચાલતા થવાના આત્મવિશ્વાસમાં ક્યાંક શાળા, શિક્ષણે મહત્વની ભૂમિકા ભજવી છે એમ કહી શકાય એવું હું માનું છું.
આ સમય દરમિયાન ત્રણ-ચાર વાર ફોન પર રાહિલના ખબર અંતર પૂછ્યા હતા. એની મોટી બહેન રોશની કહેતી: 'સાહેબ,હવે રાહિલ એકડા બોલે છે'
આજે રાહિલને મળવા ગયો હતો. તે તેની મમ્મી સાથે ખેતરમાં ગઈ હતી. તેનો ભાઈ સાઈકલ લઈને તેને બોલાવી લાવ્યો. તેને સાઈકલ પર આવતી જોઈ તો તેના અંતરનો આનંદ તેના ચહેરા પર જોવા મળતો હતો.
