Vibhuti Desai

Others

4  

Vibhuti Desai

Others

પૂજ્ય પપ્પાને પત્ર

પૂજ્ય પપ્પાને પત્ર

2 mins
167


વ્હાલા પપ્પા,

તમારા લાડલા પુત્રના સાદર પ્રણામ. 

 આ પત્ર હું ક્યાં પોસ્ટ કરવાનો ? તમે ક્યાં છો એ મને ક્યાં ખબર છે ? નથી તો આ પત્ર હું પોસ્ટ કરી શકવાનો, નથી તમને મળવાનો, એટલે તમે ક્યાંથી વાંચવાનાં ! આ પત્ર તો મારી પાસે જ રહેવાનો છતાં પણ આ પત્ર હું લખું છું.

 હું છાત્રાલયમાં રહીને ભણતો ત્યારે તમે મને કહેતાં, "બેટા, કોઈ દિવસ તો પત્ર લખ. પત્ર હોય તો વારંવાર વાંચી શકાય." પરંતુ હું કાયમ ફોન પર જ વાત કરતો.આજે એ વાત યાદ આવતાં હૈયું વલોવાય છે. હું અબુધ તમારી લાગણી, પ્રેમ સમજ્યો જ નહીં. અરે ! સમજવાની વાત તો દૂર પણ લાગણી ઠુકરાવતો રહ્યો. એવું જ સમજતો કે પપ્પા એટલે જરૂરિયાત પૂરી કરનાર વ્યક્તિ. કેટલું દુઃખ પહોંચાડ્યું ! 

 આજે જ્યારે હું દીકરાનો બાપ બન્યો અને મારો દીકરો પણ મારી લાગણી, ભાવનાને ઠુકરાવી રહ્યો છે ત્યારે મને તમારી લાગણીનો ખ્યાલ આવી રહ્યો છે.

મારાં જન્મનાં સહભાગી તમે, મારાં ઉછેરમાં માતાને સહાય કરનાર, તમારી જરૂરિયાત પર કાપ મૂકીને મારી માંગણી પૂરી કરી.

હું કેટલો સ્વાર્થી કે મને તમારો વિચાર જ ન આવ્યો ! તમે વાતવાતમાં જિંદગીનાં પાઠ કેટલી સહેલાઈથી સમજાવતાં ! કાયમ કહેતાં કે ત્રેવડ ત્રીજો ભાઈ છે. કરકસરથી રહેવાની વાત મને કાયમ ખૂંચતી, ત્યારે હું કરકસર અને કંજૂસાઈનો ભેદ ન સમજેલો. તમે મને પૈસા વાપરવા આપતા જેનો હિસાબ લખીને આવક જાવક મેળવવાનું કહેતાં એ તો મને બિલકુલ ગમતું નહીં. પરંતુ આજે તમારી આ બધી જ સલાહ મારે માટે ઉપયોગી નિવડી છે.

 પપ્પા, ખરેખર તમે કેટલું બધું શીખવ્યું છે અનિચ્છાએ શીખવું પડતું પરંતુ એ જ આજે કામ આવી રહ્યું છે.

તમારી જીવનશૈલી, લોકો સાથેનો પ્રેમભર્યો વ્યવહાર, સંબંધ બધું જ યાદ આવે છે,જે હું મારા જીવનમાં ઉતારી તમારાં પગલે ચાલી રહ્યો છું, તમે જ તો મારાં આદર્શ છો.

અંતે પ્રભુને પ્રાર્થના કે એનાં દરબારમાં તમને સુખ-શાંતિથી રાખે.

લિ. લાડલા પુત્રના સાદર પ્રણામ.


Rate this content
Log in