પસ્તી
પસ્તી


ત્રીજા માળ પરની બાલ્કનીમાંથી કોઈ પૂછી રહ્યું હતું.
“પસ્તીનો ભાવ શું ચાલે છે?”
સાંવરિયાએ ઊંચું જોઈને જવાબ આપ્યો.
“સાહેબ પંદર રુપિયે કિલો”
“અરે જા જા વીસ રુપિયા તો ઓલો વિરમ આપે છે.”
સાંવરિયો સહેજ મુંઝાયો. મનમાં શેઠ માટે નારાજગી આવી.
હું શેઠને કહી કહીને થાક્યો કે બધા વીસનો જ ભાવ આપે છે તે આપણેય વધારો.
પણ નિલુશેઠ સાંભળે છે ક્યાં?
સાંજે માંડ દસેક કિલો પસ્તી ભેગી કરીને શેઠની દૂકાને પહોંચ્યો ત્યારે શેઠના એકના એક દિકરા પાંચ વર્ષના પરિયાને સ્કુલમાં મૂકવાનો નિર્ણય કરવા શિક્ષકને બોલાવ્યા હતા, એની સાથે નીલુશેઠની ધડ ચાલતી હતી.
“સાહેબ, તમારી સ્કુલના નખરાં તો જુઓ!
ટેક્સ્ટબુક એકલી નહીં પાછી એની સાથે પ્રેકટીસબુક, રફ અને ફેરનોટનાં મોટાં લિસ્ટ
આપ્યાં છે.”
“જુઓ બાળકને જેટલી વધુ લખવાની પ્રેકટિસ આપીએ એટલું સારું પરિણામ આવશે.”
શિક્ષકની અડધા કલાકની સલાહકથા પછી કંટાળેલા શેઠ પરસેવો લૂછતા લૂછતા સાંવરિયા સામે ફર્યા.
“હવે તું મોકાણ માંડ. કેટલી પસ્તી લાવ્યો? ચપટી જેટલી જ હશે મને ખાતરી છે.”
“હા શેઠ આપણો ભાવ બહુ ઓછો છે તે કોઈ ઝટ પસ્તી આપતું નથી.”
પણ...
બીજી જ પળે ખૂણામાં સંકોચાઇને બેઠેલા સાંવરિયાના મનમાં ક્યારનો અધકચરો સમજાયેલો અને ઉથલપાથલ થતો વિચાર બહાર ખાબક્યો..
“તે શેઠ, આપણે પસ્તી ઓછી આવે છે તે પરિયાભાઇને મોંઘી સ્કૂલમાં બેસાડોને!
એની વધુ ચોપડીઓ આવશે તો આપણે પસ્તીય વધુ થશેને ! આપણે તો પંદર રુપિયે કિલો હોય કે વીસ રુપિયે કિલો હોય શું ફેર પડવાનો?”
શિક્ષક અને શેઠે એકબીજા સામે જોવાનું માંડી વાળ્યું.