પશુ પક્ષી અને વડવાગોળ
પશુ પક્ષી અને વડવાગોળ


એક વખત પશુ-પક્ષી વચ્ચે લડાઈ થઇ. તે વખતે વડવાગોળે વિચાર કર્યો કે હું પક્ષી જેવો દેખાઉં છું પણ છું સસ્તનવર્ગનો પ્રાણી. વળી મારો ચહેરોમહોરો ઉંદરને મળતો આવે છે. તો કેમ ન આ તકનો લાભ લઉં ? હું દુરથીજ લડાઈની મજા લઈશ અને જે પક્ષ જીતવા લાગશે એમાં ભળી જઈશ.
ઘણા સમય સુધી મારામારી અને કાપાકાપી ચાલી ત્યાંજ એને લાગ્યું કે પશુઓની જીત નક્કી છે. તેથી તે પાખો ફફડાવતું પશુઓના ટોળામાં ભળી ગયું. અને મોટે મોટેથી કહેવા લાગ્યું. “અરે! પક્ષીઓ સાંભળી લો... હું મારા બચ્ચાને દૂધ પીવડાઉ છું તેથી હું પશુ છું. તેથી તમને હું નહીં છોડું.”
એ આમ બોલતુંજ હતું ત્યાં તો ગરુડની ટોળીએ ઉપરથી પથ્થરનો વર્ષા શરૂ કરી, બધા પશુઓ ડરીને નાસભાગ કરવા લાગ્યા અને આમ અચાનક પક્ષીઓની જીત થઇ. તે સમયે વડવાગોળ પોતાનો જીવ બચાવવા ત્યાંથી નાઠું અને ઝાડના પોલાણમાં તથા ફાટોમાં સંતાઈ રહેવા લાગ્યું. હજીપણ તે બધા પક્ષીઓ પોતાના માળામાં સુઈ જાય એટલે બહાર ફરવા નીકળે છે.