પ્રશ્ન પાણીનો
પ્રશ્ન પાણીનો
એકવાર સોહન અને મનોહર નામે બે ખેડૂતો અકબર રાજાના દરબારમાં ન્યાય માંગવા આવ્યા. સોહન બોલ્યો “મહારાજ મેં આ મનોહર પાસેથી કૂવો વેચાતો લીધો હતો. પરંતુ આજે સવારે જયારે હું કૂવાનું પાણી લેવા ગયો ત્યારે આ મનોહરે મને રોક્યો અને મારી પાસે પાણીના પૈસા માંગવા લાગ્યો.”
આ સાંભળી મનોહર બોલ્યો, “સાચી વાત છે મહારાજ કારણ મેં આ સોહનને માત્ર કૂવો વેચ્યો હતો તેની અંદરનું પાણી નહી!”
અકબરે બીરબલ તરફ જોયું.
બિરબલે ઊભા થઈને મનોહરને પૂછ્યું, “કૂવો તો સોહનને વેચી દીધો છે ને?”
મનોહર મક્કમતાથી બોલ્યો “હા”
બીરબલે કહ્યું, “તો ભાઈ, તું એમાં તારું પાણી કેવી રીતે મૂકી શકે છે? હવે એકદિવસની અંદર સોહનના કૂવામાંથી તારું પાણી કાઢી લે નહિતર બીજા દિવસથી તારે રોજના હિસાબથી કૂવામાં પાણી મુકવા બદલ સોહનને ૧૦ સોનામોહર ભાડા પેટે આપવા પડશે.’
પોતે જ પોતાની ચાલમાં આબાદ ફસાઈ ગયો છે એ વાત ધ્યાનમાં આવતા મનોહર ગભરાઈ ગયો તેણે બે હાથ જોડીને બિરબલની માફી માંગતા કહ્યું, “બિરબલજી, મને માફ કરો... હું લાલચમાં આવી ગયો હતો.”
બીરબલે કહ્યું, “મનોહર, તને માફી કેવી રીતે અપાય? હમણાં તું તારી ચાલાકીમાં ફસાયો એટલે માફી માંગી રહ્યો છું બાકી તું તો આ ગરીબ સોહનને બરાબરનો છેતરવાના ઈરાદે દરબારમાં આવ્યો હતો. જો આજે તને માફ કરી દીધો તો કાલે સહુ કોઈ છેતરપિંડી કરતા નહીં ગભરાય. ટોડરમલજીને વિનંતી કે રાજ્યને ગેરમાર્ગે દોરવાં બદલ આ મનોહર પાસેથી ૨૦૦ સોનામહોરો દંડ પેટે લેવી તથા તેમાંથી અડધી સોનામહોરો આ સોહનને જે માનસિક ત્રાસ થયો છે એ બદલ ચૂકવવી.”
આખો દરબાર બીરબલના જયજયકારથી ગુંજી રહ્યો.