પરિશ્રમનું પરિણામ
પરિશ્રમનું પરિણામ
હોસ્પિટલના બેડ પર નિષ્ક્રિય થઈ ને સૂતેલી સુધા નું સપનું ચકનાચૂર થઈ ચૂક્યું હતું. ચારે બાજુ અંધકાર વચ્ચે ક્યાંય પણ એક આશાની કિરણનું નામોનિશાન ન હતું. આખરે,જ્યારથી એ સમજણી થઈ ત્યારથી એણે એના જીવનમાં એક જ તો સપનું જોયું હતું. નૃત્ય કલામાં પારંગત સુધા માટે નૃત્યથી વિશેષ બીજું કશું વિચાર્યું જ નહોતું. નૃત્ય કરવું એ એના જીવનનો પહેલો અને છેલ્લો પ્રેમ હતો. પરંતુ એક્સિડન્ટમાં પોતાનો એક પગ ગુમાવ્યા પછી નૃત્ય કરવું એ એના માટે માત્ર એક સપનું બની ને રહી ગયું હતું. કેટલીય કઠોર મહેનત અને મક્કમ નિર્ધાર પછી સુધાએ નૃત્યના ક્ષેત્રમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કેટલાયે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ અને મેડલ મેળવ્યા પછી હવે એને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત નું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળવાનો હતો પરંતુ એક્સિડન્ટમાં પોતાનો એક પગ ગુમાવ્યા પછી એનું વર્ષોથી જોયેલું સ્વપ્ન તૂટી ગયું હતું. સુધાને માટે જીવન જીવવાનું હવે કોઈ કારણ જ નહોતું રહ્યું. પોતાના જીવનનો અંત લાવવા સિવાય એને કોઈ બીજો વિચાર જ નહતો આવતો. સુધા આમ તો નાનપણથી ખૂબ જ મહેનતુ અને સાહસિક છોકરી હતી. એના પિતા એને હંમેશા કહેતા કે પરિશ્રમ નો બીજો કોઈ વિકલ્પ નથી અને એણે પોતાના જીવનમાં એ જ સિદ્ધાંત અપનાવ્યો અને સફળતાની કેટલીએ શિખરો સર કરી. સુધાનું સપનું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નૃત્યના ક્ષેત્રમાં એ ભારતનું નામ રોશન કરે અને એનું એ સપનું સાકાર થવાનો સમય લગભગ નજીક આવી ગયો હતો પણ ત્યાં જ તો એના જીવનમાં એક અણધાર્યો વળાંક આવી ગયો અને એને દિશાશૂન્ય બનાવી ગયો.
સુધા શૂન્યમનસ્ક થઈને હોસ્પિટલની બારીની બહાર તાકી રહી હતી. એને પોતાના જીવનનો અંત લાવી દેવા સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો દેખાતો. સુધાને હતાશ થયેલી જોઈને એના પિતાજી, જે હંમેશા એના જીવનમાં પ્રેરણા બનીને રહ્યા, એ ઊંડા વિચારમાં પડી ગયા. એમને નિર્ણય કરી લીધો હતો કે એ આ રીતે સુધાને હિંમત નહી હારવી દે. સુધા પહેલાની જેમ ચાલી શકે અને નૃત્ય કરી શકે એ માટે એ એની સારવારમાં કોઈ પણ કસર બાકી નહીં છોડે. એમણે કેટલાય સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને મળી ને સુધાની આગળ સારવાર માટે પ્રયત્ન કર્યા. પોતાના પિતાને આ રીતે પ્રયત્ન કરતા જોઈને સુધા ના મનમાં પણ થોડી હિંમત જાગી. એના જીવનમાં છવાયેલા અંધકારમાં ક્યાંક એક આશાની કિરણ જન્મી.
આખરે એક ડોક્ટરે એમને ખાતરી આપી કે નકલી પગ લગાવવાથી સુધા ફરી પહેલાની જેમ જ હરી ફરી શકશે. ધીરે-ધીરે સુધા ની અંદર ફરી ખોવાયેલ આત્મવિશ્વાસ જાગ્યો અને એની હિંમત વધી. ઓપરેશન બાદ સુધા ધીમે ધીમે હરતી ફરતી થઈ. થોડા સમય પછી એણે ફરી નૃત્ય કરવાની શરૂઆત કરી. શરૂ શરૂ માં એને ખૂબ જ તકલીફ પડી. નૃત્ય કરવાથી એને પગમાં ખૂબ જ પીડા થતી અને ક્યારેક એના પગમાંથી લોહી પણ નીકળતું. પરંતુ તેણે હિંમત ના હારી. એનું વર્ષોથી જોયેલું સપનું એકવાર તૂટી ગયા પછી ફરી એકવાર જોડાયું હતું અને હવે એ આ અવસરને હાથમાંથી જવા નહતી દેવા માંગતી, એણે પુરા જોશ સાથે રાત દિવસ એક કરી દીધા અને ફરી પાછી નૃત્યમાં લાગી ગઈ. એની મહેનત રંગ લાવી અને આખરે એ દિવસ આવ્યો જ્યારે એને ભારત દેશને પ્રતિનિધિત્વ કરવાનો ગૌરવ પ્રાપ્ત થયું. એ સ્પર્ધામાં ભાગ લેવા વિદેશ ગઈ અને સ્પર્ધામાં પ્રથમ આવીને ભારતનું નામ રોશન કરી ને પાછી ફરી. એવોર્ડ લઈને પોતાના દેશ પાછી ફરેલી સુધાને, પોતાના ધ્યેય પ્રાપ્ત કરવા માટે એની હિંમત અને સાહસ જોઈને લોકો એનાથી પ્રભાવિત થઈ ગયા અને સરકારે એને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો.
