Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Kantilal Hemani

Others

3  

Kantilal Hemani

Others

પ્રેમની છત્રછાયા

પ્રેમની છત્રછાયા

3 mins
120


સવારના છાપાના કારણે આખા ઘરમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. સમાચાર એવા હતા અને ખાસ કરીને આ ઘરનેજ લાગુ પડતા હતા. છાપું તો દરરોજ આવતું, છાપા સાથે ચા અને નાસ્તો ચાલુ રહેતો, હસી મજાક અને ખુશનુમા વાતાવરણમાં આ સમય પસાર થતો. પણ આજે એવું ન થયું. ચા-નાસ્તો થયો પણ વાતાવરણમાં જેવો જોઈએ એવો આનંદ ન દેખાયો.

સવારમાં ઉઠીને નિત્યક્રમ મુજબ છાપું આજે પણ માલતી બહેન લાવ્યાં હતાં. સવારમાં ઉઠીને બહાર નજર કરીએ એટલે બોરસલી ઉપર પક્ષીઓ બોલતાં હોય, સામેના પીળા મકાન ઉપર સોનેરી તડકો પડતો હોય. આવું જ દ્રશ્ય જોઇને છાપું લઈને અંદર આવી જાવાનું. દરવાજો બંધ કરી કાયમની જગ્યાએ મૂકેલાં ચશ્માં લઈને છાસઠ વર્ષીય માલતી બહેન છાપું વાંચવા બેસતાં.

આજના છાપામાં આવેલી એક રંગીન જાહેરાતે એમનું ધ્યાન ખેંચ્યું, ધ્યાન ઝડપીથી આવવા નું કારણ એમાં છપાયેલો ફોટો હતો. એ ફોટો એમના વ્હાલા પૌત્ર વિક્રમનો હતો. એની બાજુમાં મધુ માલતીની વેલ જેવી છોકરીનો પણ ફોટો છપાયેલો હતો અને લખેલું હતું. “લગ્નગ્રંથીથી જોડાયા” છે. આટલું જોયા પછી માલતી બહેન અને વિક્રમના જોડાયેલા તારમાં ધ્રુજારી આવી ગઈ. આ ધ્રુજારી હાલ પુરતીતો માલતી બહેનના હૃદયમાં સમાઈ ગઈ પણ એમને એ વાતની બીક રહી કે વિક્રમના દાદાને એ વાત કઈ રીતે કહેશે ?

વિક્રમના દાદા એટલે વ્રજ્લાલભાઈ, પડછંદ શરીર, વૃધાવસ્થા એમના નજીક ફરકી પણ ન હતી. ધ્યાન અને યોગના લીધે ચમકતી ચામડી, લાંબી દાઢી,આંખોમાં ચમકતું આધ્યાત્મનું તેજ. વ્રજલાલ એમનો મોટા ભાગનો સમય એમના પોતાના રૂમમાં જ ગાળતા. એમના ટેબલ પર અલગ-અલગ પ્રકારનાં પુસ્તકોનો ઢગ રહેતો. એમના રૂમની સફાઈ કરતી વખતે કોઈ પણ વસ્તુ આડી અવળી થઇ તો એ વ્યક્તિનું તો આવી જ બન્યું સમજો. નાસ્તો કરવા કામવાળી પુષ્પા અને એમનાં પત્ની માલતી ત્રણેય સાથે બેસતાં. પણ આજે નાસ્તો છાપું આવતાં પહેલાં કરી દીધો હતો. એટલે પ્રાણ પ્રશ્ન બની ગયો હતો કે આ મહા સમાચાર એમના રૂમમાં આપવા કોણ જાય ?

વિક્રમનો સંપૂર્ણ ઉછેર વ્રજલાલ ભાઈએજ કરેલો. આજ્ઞાકારી અને વિવેકી પુત્ર એના જીવનનું આવું મહત્વનું કામ વડીલોને પૂછ્યા વગર કરે , આ કામના પડધા તો પડવાના, આવા અનેક વિચારો સાથે માલતી બહેને પુષ્પાને બોલાવી. પુષ્પા પણ આ વાત સંભાળીને ચિંતામાં પડી ગઈ. અંતે એવા નિર્ણય ઉપર આવ્યા કે બપોરના ભોજન પછી વ્રજલાલ દાદાનો મૂડ જોઇને પુષ્પાની હાજરીએ માલતી બહેન વાત કરશે.

માલતી બહેન એમનાં ધર્મ પત્ની હતાં,જીવનની અનેક ખટમીઠી વાતો એમને વ્રજલાલ ને કરેલી પણ આજના મુદ્દામાં વ્રજલાલ એમને વજ્ર જેવા લાગતા હતા. છેવટે એ સમય પણ આવી ગયો. બપોર થઇ ગયા. કામવાળી પુષ્પા દાદાના રૂમમાં જઈને દાદાને જમવા આવવાનું કહી આવી. જમતી વખતે દાદાનું ધ્યાન જમવામાં હતું પણ પુષ્પા અને માલતી બહેન એક બીજાના ચહેરા પર વારા  ફરતી જોતી રહેતી હતી.

ભોજન પૂરું થાતા જ માલતી બહેને નાનો ટુવાલ વ્રજ્લાલને હાથમાં આપતાં બોલ્યાં:

વિક્રમને આજકાલ ફોન કર્યો હતો ?

વ્રજલાલ હાથ સાફ કરતાં-કરતાં બોલ્યાં : હા કાલે રાત્રે મોડી વાત થઇ.

મારે તમને કહેવું જ હતું કે આપણા વિક્રમે લગ્ન કરી લીધાં. “યુવાનો પોતાના જીવનના નિર્ણય જાતે લે એટલું સારું”

નાનો ટુવાલ પાછો આપતાં બોલ્યાં મેં ફોન પર આશીર્વાદ આપી દીધા છે તમે આપી દેજો.

માલતી અને પુષ્પા અવાચક નજરે વ્રજલાલને જતાં જોઈ રહી.


Rate this content
Log in