Shalini Thakkar

Others

4.5  

Shalini Thakkar

Others

પ્રેમ

પ્રેમ

3 mins
480


આજની વાર્તાનો વિષય હતો 'પ્રેમ'. માત્ર અઢી અક્ષરનો શબ્દ પ્રેમ, જેના પર લખવું કેટલું સરળ હતું. વર્ષોથી કેટલીયે પ્રેમ કથાવાળી પિક્ચરો જોઈ હશે અને કેટલીયે પ્રેમ પર આધારિત પુસ્તકો વાંચી નાખી હશે. કંઈ કેટલાય પાત્ર વાસ્તવિક જીવનમાં આવ્યા હશે, જેના પ્રેમ જીવન પર આધારિત વાર્તા લખી શકાય એટલો સરળ વિષય હતો. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશેે જેને જીવનમાં ક્યારે પ્રેમ ના થયો હોય, એમ વિચારીને જેવી હુંં ઘરની શાંત વાતાવરણવાળી બાલ્કનીમાં કાગળ અને પેન લઈનેે બેઠી એટલે તરત જ મારી કોલેજકાળની ખાસ મિત્ર સપના યાદ આવી ગઈ. 'પ્રેમ' શબ્દનું સંબોધન થતા જ પહેલુંં નામ એનું જ યાદ આવે એટલું રોમાંચક પ્રેમ કથા જેવું એનું જીવન હતું.

કોલેજકાળ દરમિયાન સપના વિધર્મી વ્યક્તિ સાથે ગળાડૂબ પ્રેમમાંં પડી અને પછી આખા સમાજની વિરુદ્ધ જઈને એ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. એ વ્યક્તિ માટે પોતાનું સર્વસ્વ છોડી અને એને અપનાવી લીધી. પહેરવેશથી માંડીને ધાર્મિક વિધિઓ, ખાવા-પીવાની ટેવોથી માંડીનેે રીતરિવાજ અને ભાષા સુધીનું બધું જ બદલાઈ ગયું. પોતાનું અસ્તિત્વ મિટાવીને બીજાના અસ્તિત્વમાં એકરૂપ થઈને આખા જીવનની દિશા બદલી દીધી. પોતાના લોકોએ લગભગ સાથ છોડી દીધો અને સામે પક્ષે હૃદયથી અપનાવવામાં ના આવી. છતાં પણ માત્ર એક જ વ્યક્તિને મેળવીને જાણે જીવન સંપૂર્ણ થઈ ગયું હતું. જીવનના તમામ સપનાઓ એ નામ પર જઈને પૂરા થઈ ગયા હતા. સપના ને માત્ર એના હૃદયના ધબકારામાં જ પોતાનું જીવન જીવી જવું હતું અને એણે એ જ કર્યું હતુંં. બધું જ ગુમાવીને પોતાનો બહુમૂલ્ય પ્રેમ મેળવી લીધા નો સંતોષ હતો એના ચહેરા પર. પ્રેમ પર લખવા માટે એના જીવન વિશેે જ લખવું જ પર્યાપ્ત હતુંં, એમ વિચારીને જેવી મેં પેન હાથમાં લીધી એવો તરત જ નજર સામે એક બીજો ચહેરો આવી ગયો. એ ચહેરો હતો મોનિકાનો. મોનિકા જે પણ વ્યક્તિ પર પોતાની પ્રેમભરી દ્રષ્ટિ નાખે, એ વ્યક્તિ કદાચ જીવનભર એનો ગુલામ થવા તૈયાર થઈ જાય એટલી ખૂબસૂરત ! એની ખૂબસૂરતીનું વર્ણન કરવા માટે આનાથી વધુ તો શું કહી શકાય. અનેે પ્રેમ થયો પણ તો કોની સાથે ? એક અંડરવર્લ્ડનો કહી શકાય એવી વ્યક્તિ સાથે. પ્રેમ કંઈ મુરત કે ચોઘડિયા જોઈને થોડો થાય છે. ખોટા વ્યક્તિ સાથે પ્રેમ કર્યો અનેેે એના પ્રભાવમાં આવીને પોતે પણ કેટલાક ખોટા કામ કરી બેઠી. અને અંતમાં જેલના સળિયા ગણતા એ વ્યક્તિ પાછળ એની પ્રતીક્ષામાં બહાર કુંવારી બેસી રહી.

સમાજમાંથી 'ચારિત્ર્યહીન' અને'ચાલુ' જેવા કેટલાય ઉપનામો ઈનામમાં મળ્યા, જેને હસ્તે મોઢે સ્વીકારી લીધા. સમાજની દ્રષ્ટિએ એ વ્યક્તિ ખોટી હતી, એણે અપનાવેલા રસ્તાઓ પણ ખોટા હતા પરંતુ એનો પ્રેમ તો સાચો જ હતો ને. વિદ્રોહ ખોટો હોઈ શકે પણ પીડા તો સાચી જ ને ! અને એટલેે જ તો બધું જ ગુમાવ્યા પછી પણ ચહેરા પર કોઈ રંજ નહોતો. હા, એના વિષય પર પણ એક સરસ વાર્તા લખી શકાય એમ વિચારતા અનાયાસે જ નજર ઘરની સામેવાળા ફ્લેટની ચોથા માળની બાલ્કનીમાં આછા રંગના કપડાં પહેરીને શૂન્યમનસ્ક બેઠેલી મીરા પડી. માતૃભૂમિ ના નામ પર શહીદ થયેલા જશવંતસિંહની વિધવા હતી એ મીરા. જેના લગ્નના બીજા જ અઠવાડિયે ખુશવંતસિંહ ને સરહદ પર પોસ્ટિંગ માટે કોલ આવ્યો હતો. અને ચહેરા પર માતૃભૂમિના પ્રેમની ખુમારી સાથે બંને એક બીજા ની વિદાય લઈને છુટા પડયા હતા, કદાચ ફરી ક્યારેય ન મળવા માટે. પોતાની માતૃભૂમિ પર હસતા મોઢે કુરબાન થનારા ખુશવંતસિંહનો પોતાના વતન માટેે નો પ્રેમ દુનિયાના દરેક પ્રેમ સંબંધ કરતા ઉપર હતો જેની સરખામણી કોઈ સાથે ના થઈ શકે. હા, લખી તો ઘણું બધું શકાય એના માતૃભૂમિ પ્રત્યે ના પ્રેમ પર. પણ જો એના માટે લખીએ તો એ શહીદની યાદમાં આજીવન કુંવારી રહેલ મીરા ના પ્રેમનું શું ? શૂન્યમનસ્ક થયેલા મીરાના ચહેરા પર પોતાના વીર પતિના શહાદતની ખુમારી તો હતી જ, અને એટલે જ તો એને ફરી જીવન શરૂ કરવાની ક્યારેક જરૂર ન લાગી. એનેે તો જાણે એના વીર પતિ સાથે વિતાવેલ બે પળ ના સાથમાં પણ જાણે સદીઓના સાથની અનુભૂતિ થઈ ગઈ હતી જેની યાદ શેષ જીવન વિતાવવા માટે પૂરતી હતી. મીરા નો પ્રેમ પણ તો અજોડ અને અનન્ય હતો.

કોના વિશે લખું ? મનમાં પ્રશ્ન ઉઠ્યો. જવાબ માત્ર એટલો જ મળ્યો કે અઢી અક્ષરનો શબ્દ પ્રેમ જેટલો બોલવામાં સરળ છે એટલો જ કોઈ ચોક્કસ વ્યાખ્યા માં એનેેે બંધ બેસાડવો અઘરો છે. કદાચ પોતાનું આખું અસ્તિત્વ ઓગાળીને બધું જ હારી ગયા પછી પણ અંતરમાં કંંઈક જીતી ગયા નો ભાવ થાય, એ જ સાચો પ્રેમ !


Rate this content
Log in