પરબિડિયું
પરબિડિયું


કેસરિયાળો સાફો અને રાતી ચુંદડીના સુભગ મિલનની વેળ આવી પહોંચી. રુજુ મિશ્ર લાગણીમાં ઘેરાયેલી હતી. પપ્પા-મમ્મી કાળજાના કટકાની વિદાયના ડૂસકાં આંખમાં સમાવીને કન્યાદાન કરી રહ્યાં હતાં. અને ચિંતનની અર્ધાંગના બનીને રુજુ સાસરે વિદાય થઈ. મહેમાનો પણ બે-ત્રણ દિવસમાં પોતપોતાના સ્થાને રવાના થયા. પાછળ રહ્યું એક ઘર જેના હર એક ખૂણે કોયલના ટહુકાના હજી
ભણકારા વાગી રહ્યા હતા. એક મા જેને હજી પ્રસવવેદના અનુભવાઈ રહી હતી પણ હા, હવે એ દીકરીની વિદાયની વસમી લાગણીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. અને...એક બાપ જે ન તો રડી શક્યો, ન કહી શક્યો કે દીકરીના આગમનની પળે જેટલી અગણિત ખુશી મળી હતી એટલી જ કરુણ વિયોગની ઘડી લાગી હતી. ખોબો ભરીને જેટલું હસ્યા હતાં,કૂવો ભરીને રોઈ રહ્યાં હતાં..
“રુજુના લગ્નને દસ દિવસ થઈ પણ ગયા નહીં!”
“હા, તમે તો ઓફિસ જાવ એટલે તમારો દિવસ તો પસાર થઈ જાય પણ મારો સમય તો જાણે થંભી જ ગયો હોય એમ લાગે.”
“હું સમજું છું કે તને રુજુની વધુ ટેવ હોય. ચોવીસ કલાક મા સંતાનો સાથે જ જીવતી હોય પછી એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ.”
“ના ના એમ તો તમને પણ રુજુની એટલી જ માયા હોય જ. તમે તો રુજુનાં લગ્ન નક્કી થયાં તે દિવસે જ કેટલા ભાંગી પડ્યા હતા! અને યાદ છે? રુજુનો હાથ પકડીને તમે કહ્યું હતું કે, તને નાનપણથી અલી ડોસાની પોસ્ટઓફિસ વાર્તા સંભળાવતો આવ્યો છું એનું કારણ આ પળના આગમનની ભીતિ જ હતી બેટા.”
“હા મેં તે દિવસે રુજુને એ વાર્તાની પરોક્ષ ઉપમા દ્વારા કહ્યું તો હતું પણ આ ડિજીટલ યુગમાં છોકરાંઓ પત્ર વિશે ક્યાં સમજવાનાં?”
“હા હોં! પણ એ ટપાલના જમાનાનો એક અલગ જ રુઆબ હતો. આજકાલ તો મોબાઇલની દૂનિયા થઈ ગઈ. રુજુને કહીએ કે ટપાલ લખજે તો આપણી મશ્કરી જ કરે ને!”
આમ જ મા-બાપ દીકરીને યાદમાં જીવવાની ટેવ પાડવાનો પ્રયાસ કરતાં રહ્યાં હતાં.
એક સવારે મોબાઇલ રણક્યો.
“હલ્લો,આ તારકભાઈનો નંબર છે?”
“હા હું જ તારક. તમે ક્યાંથી બોલો છો?”
“હું સીટી પોસ્ટઓફિસમાંથી બોલું છું.”
તારકને નવાઈ લાગી.
“શું કામ હશે?”
“હલ્લો તારકભાઈ, વાત જાણે એમ છે કે તમારા નામનો પત્ર આવ્યો છે. હવે છેલ્લા કેટલાય વખતથી ટપાલ વ્યવહાર તો સાવ નામનો જ રહી ગયો છે એટલે અમે સ્ટાફ પણ બે જણાનો જ કરી નાખ્યો છે. એક પોસ્ટમેન છે જે આજે રજા પર છે તો તમે આવીને તમારી ટપાલ લઈ જશો?”
તારક આતુરતા સાથે ટપાલ લઈને પરત આવ્યા.
પત્ની પણ લાંબા સમય પછી કોઈના પત્રને જોઈ અચંબામાં હતી.
પરબિડિયું ખુલ્યું..
“પ્રિય પાપા અને વ્હાલી મમ્મી,”
સંબોધન વાંચીને બંનેની આંખે ભીનાશ પકડી.
પાપા, તમારી કહેલી પોસ્ટઓફિસ વાર્તા અને એ વાર્તા પાછળનો તમારો હેતુ મને બરાબર સમજાયો. પહેલાં તો મનેય થયું કે આ મોબાઈલના જમાનામાં પાપા અલીડોસા જેવી વાર્તા મને શું કામ કહેતા હશે? પણ અહીયાં આવી પછી કોણ જાણે તમારી બહુ યાદ આવતી રહી છે. મમ્મી સાથે તો બહુ બધી ખાટી મીઠી તીખી કડવી પળ વિતાવી. એ યાદ ન આવે એવું તો હોય જ નહીં પણ તમને મુકીને આવી પછી તમારી સાથે જીવવાની રહી ગયેલી પળ બહુ કનડવા માંડી.
પહેલાં તો મોબાઈલ જ હાથમાં લીધો ત્યાં તો મરિયમના પત્રની પ્રતિક્ષા કરતો અલી ડોસો નજર સમક્ષ તરવર્યો. એટલે નક્કી કર્યું કે બને એટલા પત્ર જ લખીશ. શરુઆત તો સહેજ કંટાળાથી કરી કેમકે અમારી પેઢી તો ડિજીટલ જ જીવે છે પણ જેમ જેમ લખતી ગઈ એમ એમ હું તમારી સાથે ફરી જીવતી ગઈ. લાગ્યું કે પાપા સાથે ન જીવાયેલી અધૂરી બધી પળ પત્ર દ્વારા જીવાઈ જશે. બહુ સંતોષ થયો. તમે બંને તબિયતનું ધ્યાન રાખશો. જાતે લખવામાં કેટલી લાગણી વણાતી જાય અને મોબાઈલમાં ટાઈપ કરવામાં કેટલી લાગણી રોબોટ બની જાય એ ફર્ક મને આજે સમજાય છે.
લિ. તમારી રુજુ જે મરિયમના રોલમાં આવી ગઈ.
તારકની પાંપણ પર બેસી ગયેલા ઝાકળે બહુ રાજીપા સાથે ગાલ પર કૂદકો માર્યો.
છેલ્લા દસ મહિનાથી અલી ડોસાના સરનામે નિયમિતપણે આવતી ટપાલ પોસ્ટઓફિસમાં પણ ચર્ચાનો વિષય બની છે.