પકાની પીગીબેંક
પકાની પીગીબેંક
કરુણાશેઠાણીને ત્યાં દિવાળીની ધમધોકાર સફાઈ ચાલી રહી હતી. “એ સવિ, બાબાના રુમમાં એકદમ ચોખ્ખુંચણાક કરી નાખજે હોં કે!”
“હા ભાભી.”
“અને હા જો બાબાના રમકડાંનો કબાટ ખોલ ત્યારે મને બોલાવજે. એમ કર ચાલ અત્યારે જ હું આવું. આપણે જોઈ લઈએ. એમાંથી કાઢી નાખવાનાં રમકડાં તું તારા પકા માટે લઈ જા.”
સવિને દીકરાને રમકડાં મળશે એ વાતથી સફાઈનો ઉત્સાહ વધી ગયો. કબાટ ખોલાયું. છલોછલ ભરેલાં રમકડાં જોઈને સવિને મનોમન રોમાંચ થયો. પકાને આમાંથી બે ચાર રમકડાંય મળે તો રાજી થઈ જશે.
કરુણાશેઠાણી એક પછી એક રમકડાં જોવા વાગ્યાં. સાયકલ, ટ્રેન, ગાડીઓનો ઝમેલો, સુપરમેન, બેટમેન, રમતોના ખોખાં આવાં કંઈ કેટલાંય રમકડાં હતાં. એમાંથી જૂનાં જૂનાં બે પાંચ રમકડાં શેઠાણીએ સવિને પકા માટે આપ્યાં. સવિએ બધાં રમકડાં આનંદથી ભેગાં કર્યાં. એ એક પછી એક રમકડું જોતાં જોતાં થેલીમાં મૂકવા લાગી. એમાં ગુલાબી રંગની ભૂંડના આકારની પીગીબેંક હાથમાં આવી. સવિએ નવાઈથી શેઠાણીને પૂછ્યું,“હેં ભાભી, આ શું છે?”
“એ પીગીબેંક કહેવાય.”
“એટલે શું?”
“એમાં બાળકો પોતાની પાસે રહેલા પૈસા નાખે અને ભેગા કરે. જોજે એમાં પૈસા ભરાય પછી તારો પકો ખખડાવશે તો એને મજા પડશે.”
સવિ વિચારમાં પડી. “અલી ક્યાં વિચારે ચડી ગઈ?”
“એંહેં.. ના પણ હું એમ કહું કે ભાભી, અમારે તો રોજ સાંજે રુપિયાના સિક્કા ખખડાવીને એના લોટ-શાક-દૂધ લાવવાના હોય તે પકાને આમાં નાખવાના સિક્કા ક્યાંથી આપીશ? એમ કરો આ મોંઘું રમકડું નથી લઈ જવું. નક્કામો પકો સમજે નહીં અને જીદ કરે તો એના બાપુના હાથનો માર ખાશે.”
સવિએ પીગીબેંક આમતેમ ફેરવતાં ચચરતા જીવે આઘી મૂકી. “ચાલો હવે કામે વળગું. સાંજે જઈને રસોઈ બનાવીશ ત્યારે પકો અને એના બાપુ ખાવા ભેગા થશે.”
સાંજે સવિ કામથી પરવારીને શેઠાણીની રજા લેવા આવી.“ભાભી, હું જાઉં. કાલે આવી જઈશ.”
“તેં રમકડાની થેલી લીધી ?”
“ના કાલે લઈ જઈશ.”
“સાંભળ સવિ, જો પેલી ગુલાબી પીગીબેંક લાવ તો !”
“ના ભાભી, એ નથી લઈ જવી. પકો પૈસા નાખવાની જીદ કરે તો ક્યાંથી લાવવા ?”
“અરે! તું લાવ તો ખરી !”
સવિએ જરા અણગમાથી પીગીબેંક શેઠાણીને આપી.
કરુણાએ પીગીબેંક ખોલીને એમાં સો રુપિયાના સિક્કા નાખ્યા.“લે, તારા પકાને આપજે. એને પીગીબેંક ખખડાવવાની બહુ મજા પડશે.”
સવિ ગળગળી થઈ ગઈ. “ભાભી તમે દિવાળી સુધારી દીધી.”
“હા પણ જો એમાંથી તમારે તમારા માટે વાપરવાના નથી. પકા માટે વાપરજો. એને ગમતું ખાવાનું લઈ આપજે. ખાલી થાય ત્યારે કહેજે. ફરી ભરી આપીશ. પકાની પીગીબેંક હવે ક્યારેય ખાલી ન રહેવી જોઈએ. સમજી?”
સવિએ ઉત્સાહભેર કહ્યું,“હા હોં, બરાબર સમજી ભાભી.”
