Rahul Makwana

Children Stories Drama Fantasy

4  

Rahul Makwana

Children Stories Drama Fantasy

પિતૃત્વ

પિતૃત્વ

7 mins
289


  અકબર દિવાનખંડનાં ઝરૂખામાં આવેલ આસન પર બિરાજમાન હતાં, ઝરૂખાની બહાર મોટો આલીશાન બગીચો આવેલ હતો. બગીચામાં રહેલાં અવનવાં રંગબેરંગી પુષ્પો બગીચાની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. આકાશમાં પક્ષીઓ ઊંચે ઊંચે ઊડીને સુમધુર કર્ણપ્રિય સૂર રેલાવી રહ્યાં હતાં. એવામાં બિરબલની નજર બગીચામાં કામ કરી રહેલાં માળી પર પડી, માળી થોડી વાર વૃક્ષોને પાણી પીવડાવી રહ્યો હતો અને થોડીવાર પોતાનાં બાળકને રમાડી રહ્યો હતો. આ જોઈને અકબરને મગજમાં કઈ સૂઝયું હોય તેવી રીતે પોતાનાં બે હાથ વડે તાળીઓ પાડે છે. એટલીવારમાં બે દ્વારપાલ આવે છે અને પોતાનું મસ્તક ઝુકાવીને રાજા અકબરની સામે ઊભા રહી જાય છે. 

“જી ! જહાંપનાં !” - સૈનિકો પોતાનું મસ્તક ઝુકાવતાં બોલે છે. 

“બિરબલ ક્યાં છે ? બિરબરને બોલાવો ?” - અકબર સૈનિકોને આદેશ આપતાં બોલે છે. 

“જી ! જહાંપના !” - આટલું બોલીને સૈનિકો બિરબલને બોલાવા માટે જાય છે. 

  થોડીવારમાં બિરબલ રાજા અકબર સામે હાજર થઈ જાય છે. હાલમાં તેનાં મનમાં અલગ અલગ ઘણાં બધાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં હતાં. કે શાં માટે જહાંપનાએ પોતાને બોલાવ્યો હશે ? જહાંપનાને એકાએક મારી શું જરૂર આવી પડી હશે ? શું જહાંપના પોતાને કોઈ ઠપકો આપવા માટે તો નહીં બોલાવ્યો હશે ને ?” આમ બિરબલના મગજમાં એકસાથે ઘણાં બધાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં હતાં તેનાં ઉત્તરો તો અકબરને મળ્યા પછી જ મળે તેમ હતાં. 

“જી ! જહાંપના ! આપનો પરમ સેવક બિરબલ તમારી સેવામાં હાજર છે.” - બિરબલ અકબર સામે પોતાનું મસ્તક ઝુકાવતાં બોલે છે.

“આવ ! બિરબલ..!” - અકબર પોતાની સામે રહેલ આસન પર બેસવા માટેનો ઈશારો કરતાં બોલે છે. 

“જહાંપના ! હું તમારી શું ખિદમત કરી શકુ છું?” બિરબલ આસન પર બેસતાં બોલે છે. 

“બિરબલ ! તમારા ધર્મ મુજબ સૌથી મહાન કોણ છે ?” અકબર બિરબલની સામે જોઈને પૂછે છે. 

“જી ! અમારા ધર્મ મુજબ પરમ કૃપાળુ ઈશ્વર કે પરમાત્મા સૌથી મહાન છે.” બિરબલ પોતાની બુધ્ધિમત્તા મુજબ અકબરને ઉત્તર આપતાં જણાવે છે. 

“તો ! શું તમારા પરમ કૃપાળુ ઈશ્વર કે પરમાત્મા પોતાનાં સંતાનનું રક્ષણ કરે છે ?” અકબર પોતાની મૂળ વાત પર આવતાં આવતાં પૂછે છે. 

“હા ! ચોક્કસ પરમ કૃપાળુ ઈશ્વર કે પરમાત્મા રક્ષણ કરે છે.” પોતાનું માથું હલાવતાં અકબર બોલે છે. 

“તો ! પરમ કૃપાળુ ઈશ્વર કે પરમાત્મા શાં માટે તેમનાં સંતાનોને બચાવે છે ? તે ધારે તો બીજા કોઈને મદદ માટે ના મોકલી શકે ?” અકબર મનમાં કાંઇક વિચાર્યા બાદ બિરબલને પૂછે છે.

“જી ! જહાંપના, આપનાં પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપવાં માટે મારે થોડા સમયની જરૂર પડે તેવું છે, સમય આવ્યે હું આ વાત તમારી સમક્ષ સાબિત કરી આપીશ !” બિરબલ વિનંતીસહ બોલે છે.

“ઠીક છે ! બિરબલ !” અકબર પોતાની સહમતી દર્શવતા બોલે છે. 

“આપનો ખૂબ ખૂબ આભાર, જહાંપના !” બિરબલ અકબરનો આભાર માનતાં બોલે છે. 

   ત્યારબાદ બિરબલ પોતાનાં રૂમમાં પરત ફરે છે, એટલીવારમાં દાસીઓ અકબર રાજાને જમવા માટે આમંત્રણ આપવાં માટે આવે છે. આથી અકબર જમવા માટે પોતે જે આસન પર બેસેલાં હતાં, ત્યાંથી ઊભા થઈને જમવાં માટે જાય છે. 

***

ત્રણ મહિના બાદ 

  રાજા અકબર પોતાનાં દરબારમાં બેઠેલાં હતાં, દરબારમાં અલગ અલગ વ્યક્તિઓ પોત પોતાની રજૂઆત કરી રહ્યાં હતાં. જ્યારે આ બાજુ રાજા અકબર એક પછી એક એમ બધાની રજૂઆત સાંભળીને તે લોકોને પોતાની નિર્ણય શક્તિ અને નીતિમત્તા મુજબ યોગ્ય સુનવણી કરી રહ્યાં હતાં. 

  બરાબર એ જ સમયે એક દાસી ખુશ થતાં થતાં રાજા અકબરનાં દરબારમાં પ્રવેશે છે. અકબરની સામે ઊભા રહીને તે દાસી જણાવે છે કે, “બેગમ સાયબાએ પુત્રને જન્મ આપ્યો છે.” આ ખુશખબરી સાંભળતાની સાથે જ અકબર એકદમ ખુશખુશાલ થઈ ગયાં, તેનાં ખરડાયેલા ચહેરા પર ખુશીઓ અને આનંદની લકીરો છવાય ગઈ. આથી અકબર ખુશ થતાં થતાં પોતાનાં ગળામાં પહેરેલ બેશકીમતી મોતીઓનો હાર દાસીનાં હાથમાં આપે છે. 

  આખા મહેલમાં ખુશીઓનું વાતાવરણ છવાય ગયેલ હતું, રાજા અકબરનાં મહેલમાં આજે સોનાંનો સૂરજ ઊગ્યો હોય તેવું લાગી રહ્યું હતું. સૌ કોઈ ખુશખુશાલ દેખાઈ રહ્યાં હતાં. પોતાનાં ઘરે પુત્રનો જન્મ થયેલ હોવાથી રાજા અકબરે બધાં નગરજનો માટે એક મિજબાનીની આયોજન કરેલ હતું. બધાં ખૂબ જ ખુશખુશાલ લાગી રહ્યાં હતાં પરંતુ બિરબલ જાણે બધાંથી કઈક અલગ જ વિચારોમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું હતું. 

***

આ બનાવના એક મહિના બાદ

સમય : સવારનાં આઠ કલાક. 

સ્થળ : અકબરનાં મહેલનો ઝરૂખો. 

   રાજા અકબર પોતાની રોજીંદી આદત મુજબ પોતાનાં મહેલનાં ઝરૂખામાં રહેલાં આસન પર બિરાજેલાં હતાં, એવામાં બિરબલ રાજા અકબર પાસે ઝરૂખામાં આવી ચડે છે. 

“જહાંપના ! આપની જય હો !” બિરબલ અકબરને સલામી ભરતાં બોલે છે. 

“આવ ! બિરબલ ! કેમ આજે અચાનક ?” અકબર આશ્ચર્ય પામતાં બિરબલને પૂછે છે. 

“જહાંપના ! આપનો સેવક આપશ્રી પાસે એક આજીજી કરવાં માટે આવેલ છે.” બિરબલ પોતાની વાત રજૂ કરતાં બોલે છે. 

“બિરબલ ! તું મને તારી જે વિનંતી કે આજીજી હોય તે બેજિજકપણે જણાવી શકે છો !” અકબર પોતાની પરવાનગી આપતાં જણાવે છે. 

“જહાંપના ! અમારા હિન્દુ ધર્મ મુજબ યમુના નદીનું આધ્યાત્મિક રીતે ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે, કહેવાય છે કે યમુના જેવી પવિત્ર નદીનાં સ્પર્શ માત્રથી મનુષ્યનાં તમામ પ્રકારનાં પાપ ધોવાય જાય છે.” બિરબલ પોતાની વાત રજૂ કરતાં બોલે છે. 

“હા ! બિરબલ ! તો તું મને જણાવવા શું માંગે છો ?” અકબર અચરજભર્યા અવાજે બિરબલની સામે જોઈને પૂછે છે. 

“જહાંપના ! જો આપને કોઈ એતરાજ કે આપત્તિ નાં હોય તો આપણાં રાજકુમારને એકવાર યમુના દર્શન માટે લઈ જઈએ તો ?” બિરબલ પોતાનાં મનમાં ચાલી રહેલ વિચારો રજૂ કરતાં અકબરની સામે જોઈને બોલે છે. 

“હા ! કેમ નહીં ! મને તારી વાત પર પૂરેપૂરો વિશ્વાસ છે ! તો મારા પુત્રને લઈને આપણે યમુના દર્શન કરવાં માટે ક્યારે જઈશું ?” અકબર બિરબલની વાત સાથે સહમત થતાં પૂછે છે. 

“તો ! જહાંપના ! શુભ કામમાં મોડું કેવું ? આપણે આજે જ જઈએ તો ?” બિરબલ અકબરની સામે જોઈને પૂછે છે. 

“હા ! ચોક્કસ !” અકબર બિરબલને પોતાનો નિર્ણય જણાવતાં બોલે છે. 

    ત્યારબાદ અકબર પોતાનાં પુત્રને લઈને, બિરબલ સેનાપતિ, અને પાંચ સૈનિકો સાથે યમુના દર્શન કરવાં માટે જાય છે. યમુના નદી પાસે પહોંચ્યા બાદ તે બધાં એક મોટી નૌકામાં ગોઠવાય જાય છે. અને નાવિક ધીમે ધીમે નૌકાને યમુના નદીમાં ચલાવવા માંડે છે. બરાબર આ સમયે બિરબલ અકબરનાં પુત્રને પોતાનાં ખોળામાં તેડીને બેઠેલાં હતાં. જોત જોતામાં નાવિક નૌકા લઈને યમુના નદીની બરાબર વચ્ચોવચ પહોંચી જાય છે. બરાબર એ જ સમયે રાજા અકબરનો પુત્ર બિરબલનાં હાથમાંથી છુટ્ટીને યમુના નદીમાં પડી જાય છે. આ દ્રશ્ય જોઈ સૌ કોઈ હેરાન પરેશાન થઈ જાય છે. શું કરવું એ કોઇની સમજમાં નહોતું આવી રહ્યું. બધાં એકબીજાનાં ચહેરા સામે જોઈ રહ્યાં હતાં. એવા સમયે તે લોકોનાં કાને કોઈએ યમુના નદીમાં ધુબાકો માર્યો હોય તેવો “ધુબાક” કરતો અવાજ સંભળાય છે. આથી બધાં અવાજની દિશા તરફ પોતાની નજર ફેરવે છે. તે લોકોની નજરો એ જે જોયું તે ખરેખર વિસ્મય પમાડે તેવું હતું, કારણ કે તેઓનાં કાને થોડી ક્ષણો પહેલાં જે આવાજ સાંભળ્યો હતો તે આવાજ રાજા અકબર પોતાનાં સંતાનને બચાવવા માટે એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર જ યમુના નદીનાં ઊંડા અને ઠંડા પાણીમાં છલાંગ લગાવેલ હતી તેને લીધે સાંભળાયેલ હતો. આથી બિરબલ તરત જ પોતાની પાસે પડેલ મોટું અને જાડુ દોરડું અકબર તરફ ફેંકતાં બોલે છે. 

“જહાંપના ! આ દોરડું પકડીને ઉપર આવી જાવ !” બિરબલ દોરડું ફેંકતાં બોલે છે. 

“પણ મારો પુત્ર ?” હેરાનીભર્યા અવાજે અકબર બિરબલની સામે જોઈને પૂછે છે. 

“એ તમારો પુત્ર હતો જ નહીં..! તમે પહેલાં ઉપર આવો પછી હું તમને બધી જ વાત વિગતવાર જણાવું છું.” બિરબલ જાણે કોઈ રહસ્ય ખોલી રહ્યો હોય તેવી રીતે અકબરને જણાવતાં બોલે છે. 

  ત્યારબાદ બધાં બિરબલ, સેનાપતિ અને બધાં સૈનિકોની મદદ દ્વારા અકબરને નાવમાં લઈ આવે છે, બિરબલ પોતાની પાસે રહેલ ધાબળો ઠંડીને લીધે ધ્રૂજી રહેલાં અકબરને આપે છે. 

“જહાંપના ! આજથી ચાર મહિના પહેલાં આપે મને એક પ્રશ્ન પૂછેલો હતો !” બિરબલ પોતાની વાત શરૂ કરતાં પૂછે છે. 

“કયો પ્રશ્ન ? બિરબલ !” અકબર હેરાનીભર્યા અવાજે બિરબલની સામે જોઈને હેરાનીભર્યા અવાજે પૂછે છે. 

“પરમ કૃપાળુ ઈશ્વર કે પરમાત્મા શાં માટે તેમનાં સંતાનોને બચાવે છે ? તે ધારે તો બીજા કોઈને મદદ માટે ના મોકલી શકે ?” તમે મને આ પ્રશ્ન પૂછેલો હતો.” બિરબલ અકબરને યાદ અપાવતાં બોલે છે. 

“હા ! તો એ પ્રશ્નને આ ઘટના સાથે શું સબંધ છે ?” અકબર ઠૂઠવાતા ઠૂઠવાતા બિરબલને પૂછે છે. 

“તમારા પુત્રને યમુના નદીમાં પડતો જોઈને તમે હાલ તમારી સાથે હું, સેનાપતિ અને સૈનિકો હોવાછતાં પણ તમે એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર જ તમે તમારા પુત્રને બચાવવા માટે યમુના નદીમાં કૂદી પડયાં, જો તમે ધાર્યું હોત તો મને, સેનાપતિ કે સૈનિકોને પણ તમારા પુત્રને બચાવવા માટે નદીમાં કૂદવા માટે આદેશ કરી શકતા હતાં. પરતું તેવું કરવાને બદલે તમે જ નદીમાં કૂદી પડયાં. બરાબર એવી જ રીતે જ્યારે પોતાનાં સંતાન પર આફતો કે મુશ્કેલીઓ આવે ત્યારે પરમ કૃપાળુ ઈશ્વર કે પરમાત્મા બીજા કોઈને મદદ કરવાં માટે મોકલવાની જગ્યાએ પોતે જ મદદ માટે આવી જાય છે. રહી વાત તમારા પુત્રને તો યમુના નદીમાં જે પડયો એ તમારો પુત્ર નહીં પરંતુ આપણાં મહેલનાં જ એક શિલ્પકારે તમારા પુત્ર જેવો જ દેખાવ ધરાવતી એક મૂર્તિ મને બનાવીને આપેલ હતી. યમુના નદીમાં જે પડયો એ તમારો પુત્ર નહીં પરંતુ તમારા પુત્ર જેવો આબેહૂબ ચહેરો ધરાવતી એક માત્ર મૂર્તિ જ હતી.” બિરબલ આખી વાત સવિસ્તારપૂર્વક જણાવતાં બોલે છે. 

“શાબાશ ! બિરબલ ! તારી પાસેથી મને આવી જ અપેક્ષા હતી, તારી બુદ્ધિ ચાતુર્યતાનો કોઈ જ જવાબ નથી.!” રાજા અકબર ખુશ થતાં થતાં મહેલ પર પરત ફરવા માટે યમુના નદીમાંથી પાછા ફરે છે. સૌ કોઈ ખુશ થતાં થતાં મહેલે પહોંચી જાય છે. જ્યારે આ બાજુ બિરબલ અકબરે ચાર મહિના પહેલાં જે પ્રશ્ન પૂછેલ હતો તે પ્રશ્નનો અકબરને સંતોષકારક રીતે સમજાવી શક્યો એવું વિચારીને પોતાની જાત પર ગર્વની લાગણી મહેસૂસ કરીને મનોમન આનંદ અનુભવી રહ્યો હતો. 


Rate this content
Log in