પીછેહઠ
પીછેહઠ
“આઝાદીના લડવૈયાઓ આઝાદી સિવાય બીજી કોઈ વાતને મહત્વ આપતા નથી. ચાલો બહાદૂરો, આપણી સાવજ સેના સ્વતંત્રતા ખાતર પીછેહઠ કરવાને બદલે જીવ આપતાં પણ અચકાશે નહીં. બોલો આઝાદી ઝિંદાબાદ.”
અને આખું મેદાન ગગનચુંબી નારાઓથી ગાજી ઊઠ્યું. પાછલી હરોળમાં ઉભેલા આનંદે પણ જોશમાં નારા લગાવ્યા પણ એની નજર સમક્ષ ગામને છેવાડે આવેલા જર્જરિત ઘરની ઓસરીના થાંભલે માથું ટેકવીને ઉભેલી પત્ની રુડીની આંખમાં ડોકાતો પ્રતિક્ષામય પ્રેમ અને એની કાંખમાં ત્રણ વર્ષનો મનિયાની આંખમાં ડોકાતી ભૂખ તાદ્રશ્ય થયાં.
રોજ સાંજે પોતે ઘેર જાય ત્યારે રુડી મનિયાને કહેતી હોય,
“હમણાં બાપુ આવશે. પછી સાથે રોટલા ખાઈશું હોં !”
નારાઓ લગાવીને આઝાદીના લડવૈયાઓ ક્રાન્તિ માટે રવાના થયા. પણ આનંદના મનમાં આઝાદીની લડાઈ ચાલુ થઈ ગઈ હતી.
“આમ તો જિંદગી સાથેની લડાઈ લડુંજ છું તો અહીયાં ભાગ ન લઉં તો કાંઈ પીછેહઠ ન કહેવાય."