પિહું
પિહું
પિહૂ, નામ માત્રથી જ જાણે મનમાં ટહુકો થઈ જાય. હા, પિહૂ એ દક્ષેશભાઇ અને વિદ્યાબેનની ૧૦ વર્ષની નાનકડી ને અત્યંત લાડકી દીકરી. પિહૂ એના ભાઈ-બહેનોમાં કુટુંબમાં સૌથી નાની. મોટો ભાઇ વેદ. જેના નામ પ્રમાણે જ ગુણ. અભ્યાસમાં ખૂબ તેજસ્વી. એનાથી નાની નવ્યાને અભ્યાસ સાથે ચિત્રમાં પણ ખૂબ જ રસ. તે પણ નામ પ્રમાણે નવાં-નવાં અદભૂત ચિત્રો બનાવ્યા કરે. માતા-પિતા બંને આ બાળકોની પ્રગતિથી ખુશ હતાં. ચિંતા હતી તો એક પિહૂના સ્વાસ્થ્યની ! પિહૂએ આજે ઉમરનાં ૧૦ વરસ પૂરાં કર્યા પણ તેની ઉમર પ્રમાણે એક તંદુરસ્ત બાળક પ્રમાણે તેની ઊંચાઈ કે કે વજન કે બાંધો શું જ વધતું નહીં.
આજે પણ પિહૂ જાણે ૪ વર્ષની નાનકડી ઢીંગલી હોય તેવી દેખાય ! કોઈને પણ રમાડવાનું મન થઈ જાય તેવી. આટલું ઓછું હોય તેમ તે હસતી હોય ત્યારે તેના નાનકડા ગાલ પર ખંજન પડે. ભૂરી આંખો અને સોનેરી વાળમાં પિહૂ એક નાનકડી પરી જેવી જ લાગે ! એને જોઈને કોઈ ના કહે કે પિહૂ ૧૦ વરસની હશે ! પિહૂ હવે ૫ માં ધોરણમાં આવી. તેની સાથેનાં બધાં બાળકો વર્ગમાં શાળાની નાની પાટલીઓ પર બેસે. પણ પિહૂને બોર્ડ સ્પષ્ટ એટલેકે પૂરું દેખાય નહીં. માટે તે પ્રથમ હરોળમાં બેસે. પિહૂ શાળામાં બધાં શિક્ષક-શિક્ષિકાઓની લાડકી. એમાં પણ મુકુંદભાઈની તે ખાસ ! જ્યારે પણ સમય મળે મુકુંદભાઈ તેની સાથે બેસતા તેને રમાડે ! બપોરે રિસેસના સમયે પણ મુકુંદભાઈ પિહૂ જોડે જ હોય ! કાં તો બગીચાના ફૂલ બતાવતા હોય અથવા તો બેઉ જણ પતંગિયા કે નાનકડાં પક્ષીઓ જોતાં હોય ! આ એમનું રોજ નું કામ ! કોઈ વાર સ્ટાફમાં કોઈએ કહ્યું પણ ખરું કે મુકુંદભાઈ રોજ પિહૂ ને રમાડે છે તે સારું નહીં ! આ મુકુંદભાઈએ સંભાળ્યું પણ એના પ્રત્યે ધ્યાન ન આપ્યું. ધીમે ધીમે શાળામાંથી ગામ સુધી ને ગામથી પિહુના માતા પિતા જેડે વાત પહોંચી.
હવે પિહૂ શાળામાં અનિયમિત રહેતી. કોઈ વાર આવે પછી અઠવાડિયા સુધી ન આવે. પ્રથમ સત્ર પૂરું થયું. બધાની જેમ મુકુંદભાઈને પણ લાગ્યું કે હું પિહુને વધારે રાખતો હતો કદાચ એટ્લે તો આવું નહીં હોય ને ! મારે જવું જોઈએ એમ વિચારી મુકુંદભાઈ વેદને લઈને પિહૂના ઘરે ગયા.
શાળામાંથી શિક્ષક ઘરે આવ્યા એટ્લે દક્ષેશભાઇ અને વિદ્યાબેને આવકાર આપ્યો. થોડીક વાતચીતનાં અંતે ખબર પડી કે પિહૂ છેલ્લા કેટલાક સમયથી બીમાર રહે છે. તેને તાવ ચડ-ઉતર થાય છે. ઘણી દવા કરવી છતાં કોઈ ફેર પડતો નથી. ઘણી વાર એ ફરિયાદ કરે છે કે તેને આંખે દેખાતું પણ નથી. દવા લે છે ત્યાં સુધી સારું રહે છે. મુકુંદભાઈએ પિહૂને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. પિહુના માતા પિતા એ કશુક વિચાર કરીને કહ્યું : “ભલે મળી લો !“
દક્ષેશભાઇ અને વિદ્યાબેન બીજા રૂમની બારીમાંથી જોઈ રહ્યા. પિહૂ એ તેના સાહેબને જોયા પછી ચહેરા પર એક અનેરી તાજગી અનુભવી. તે બેઠી થવા ગઈ પણ મુકુંદભાઈએ ના પાડી, ને કહ્યું : ‘ સૂઈ રહે બેટા ! હવે તારી તબિયત કેવી છે ? ‘
"સારી "પિહૂ એ કહ્યું.
"પણ મને સારી નથી લાગતી ! હા, તું જલ્દીથી સાજી થઈ જા પછી આપણી શાળાના બાગમાં તો નવાં નવાં કેટલાય ફૂલ આવ્યા છે તારે જોવા નથી ?”
"હેં ? "પિહૂ નાં ચહેરા પર પાછી ફરીથી મુસ્કાન આવી.
“લે આ ૩ ચોકલેટ લાવ્યો છું. એક વેદની, એક નવ્યાની અને એક તા...રી.. ! “
દક્ષેશભાઇ અને વિદ્યાબેન ક્યારનાય આ જોઈ રહ્યા હતાં. બંને જણને લોકોની વાતમાં આવ્યા બદલ પોતાની જાત પર અફસોસ થવા માંડ્યો. મુકુંદભાઈ શાળામાં જવા ઉપાડ્યા પણ દક્ષેશભાઇ અને વિદ્યાબેને તેમને ચા- નાસ્તો કરવા ખૂબ આગ્રહ કર્યો. આમ તો મુકુંદભાઈ બપોરે જમતા નહીં એટ્લે કહ્યું: "ફક્ત ચા જ બનાવો "પછી ત્રણે જણા વાતે વળ્યા. વાત વાતમાં ખબર પડી કે મુકુંદભાઈ એકલા રહે છે.
દક્ષેશભાઇએ કહ્યું પણ ખરું કે સાહેબ કેમ એકલા રહો છો ? ત્યારે અત્યાર સુધી કોઈને ન કહેલી વાત આજ મુકુંદભાઈએ દક્ષેશભાઇ અને વિદ્યાબેનને કહી.
મારે પણ સુંદર મઝાની એક નાનકડી દીકરી હતી, પછી મુકુંદભાઈ અટકી ગયા. પછી થોડીવાર સ્વસ્થ થઈ ને કહ્યું કે મારી પત્ની અને દીકરીનું સુખ મારા નસીબમાં ન હતું ! દક્ષેશભાઈએ વધારે જાણવાની કોશીશ કરી તો જાણવા મળ્યું કે મુકુંદભાઈએ પ્રેમ લગ્ન કરેલા. અને એ પણ એક વણકર યુવતી સાથે ! નામે વીણા, એક ગીત સંગીતના કાર્યક્રમમાં વીણાનો પરિચય થયેલો. વીણાના સૂરથી લગાવ એટલો વધી ગયો કે તે લગાવ લગ્નમાં પરિણમ્યો. મુકુંદભાઈ પોતે પટેલ જ્ઞાતીના, કુટુંબ સાથે વધારે વિરોધ થતાં એકલા રહેવાનુ નક્કી કર્યું. બે વર્ષ જેટલો સમય સાથે રહ્યા. મારી દીકરી (એનું નામ પણ પિહૂ રાખ્યું હતું)નાં જન્મ સમયે મારી પત્ની વીણા આ દુનિયા છોડી અનંત યાત્રાએ નીકળી પડી. મારા દુખનો પર ના રહ્યો. પણ મારી દીકરીની કિલકારીઓએ મારા દુઃખને હ્રદયમાં ભંડારાવી દીધું. આ સુખ પણ લાંબો સમય ન ચાલ્યું ને ત્રણ વર્ષની મારી દીકરી પણ ન્યુમોનિયાને કારણે.... મુકુંદભાઈ વધુ બોલી ના શક્યા. દક્ષેશભાઇ એ તેમણે પાણી આપ્યું. અને સાંત્વના આપી વિદાય કર્યા.
દક્ષેશભાઇ અને વિદ્યાબેનનાં મનમાં મુકુંદભાઇ પ્રત્યે આદર વધી ગયો. એમણે મનોમન નક્કી કર્યું કે પિહૂ સાજી થઈ જાય એટ્લે તેને શાળામાં ફરજિયાત મોકલશું ! પણ આખા બીજા સત્ર દરમ્યાન પિહૂ ક્યારેય શાળામાં ના આવી શકી. સમય જતાં પિહૂની તબિયતમાં હવે ધીમે ધીમે સુધારો આવતો જતો હતો. પણ આંખે લગભગ દેખાવાનું બંધ થઈ ગયું હતું. જેમ જેમ શાળાના બીજા શિક્ષક-શિક્ષિકાઓને ખબર પડી તેમ તેમ બધાં લોકો પિહૂને મળવા જઈ આવ્યાં. ક્યારેક ક્યારેક મુકુંદભાઈ પણ પિહૂનાં ઘરે જતા.
મુકુંદભાઈનું શાળામાં આ છેલ્લું વર્ષ હતું. હવે તેઓ નિવૃત્ત થતા હતા. શાળામાં તેમનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. ઘણી બધી ભેટ સોગાદો આવી. એમાં શાળા પરિવાર, બાળકો ને ગામલોકો. બધાં એ કઇં ને કઇં ભેટ આપી. સૌથી અલગ ભેટ હતી અને તે હતું "એક ચોકલેટનું રેપરથી કાગળ પર ચોંટાડીને બનાવેલું ચિત્ર." આ ભેટ હતી પિહુની, તે જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ નવ્યા એ ચોકલેટના રેપરનો ઉપયોગ કરીને ફેવિકોલથી ચોંટાડીને સુંદર ચિત્ર બનાવ્યું હતું. મુકુંદભાઈએ પણ શાળાને ઋણ ચૂકવતા હોય તેમ એક લાખ રૂપિયાનું દાન કર્યું. સમારંભ પૂરો થતાં જ મુકુંદભાઈ બધાને મળીને ઉપાડ્યા સીધા જ પિહૂને મળવા. નવ્યાના ચિત્રની ખૂબ પ્રશંસા કરીને કહ્યું કે ખૂબ સુંદર ચિત્ર બનાવ્યું છે. સામે નવ્યા એ કહ્યું કે મને તો પિહૂ કહ્યું કે “સાહેબને આપવાનું છે એટ્લે એમાં પતંગિયા- ફૂલ- એવું બધુ બનાવજે. મારા સાહેબને બૌ ગમશે.” એટલે પિહુંના કહેવા પ્રમાણે ચિત્ર બનાવ્યું. ત્યારે પિહૂ એ કહ્યું કે "મને તો નથી દેખાતું " ત્યારે મુકુંદભાઈ એ કહ્યું કે "બેટા તને દેખાશે હું તને મારી આંખો દાન કરીશ પછી તો દેખાશે ને ! " એમ કહી મુકુંદભાઈ દક્ષેશભાઇ અને વિદ્યાબેનની રજા લઈ ઘરે જવા ઉપાડ્યા. ઘરે પહોંચે તે પહેલા રસ્તામાં જ તેમણે અકસ્માત નડ્યો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. દવાખાને લઈ જવામાં આવ્યાં જ્યાં ડોકટરોએ જણાવ્યુ કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. નજીકનાં સગાને જાણ કરો ત્યારે રહ્યા સહ્યા ભાનમાં મુકુંદભાઈ એટલું બોલ્યા કે કદાચ મારૂ મૃત્યુ થાય તો મારી મિલકત શાળાને અને મારા કુટુંબને અડધી અડધી દાન કરજો અને મારી આંખો પિહુને દાન કરજો. આટલું બોલી આંખો ઢાળી દીધી.
ફરજ પરના દાક્તરોએ ખૂબ જ ઝડપી ઓપરેશન પ્રક્રિયા હાથ ધરી પણ... તેઓ તેમને બચાવી નાં શક્યા. ફરજ પરના દાક્તરોએ મુકુંદભાઈને મૃત જાહેર કર્યા.
ગામ આખામાં શોકનું મોજું ફરી વળ્યું. લોકોને મુકુંભાઇ વિષે જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ તેમના પ્રત્યે આદર વધતો ગયો. બીજી બાજુ પિહૂને આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું. જે સફળ રહ્યું. ગુરુ દ્વારા મળેલી આંખોથી પિહૂ હવે આ શાળાના બાગ-પતંગિયા અને પક્ષીઓને જોઈ મનોમન બોલતી....
"સાહેબ જુઓ તો ખરા પેલું લાલ ગુલાબ – પેલું પતંગિયુ અને પેલી કળી તો જુઓ “
આખી શાળાનાં બધાં લોકો પિહુને આમ બગીચામાં એકલી એકલી હસતી –રમતી જોઈ રહેતા.... પિહૂ પણ બાગમાં પતંગિયાની માફક ક્યારેક આમ તેમ ઉડા ઉડ કરતી.
